વેંગસરકર, દિલીપ બળવંત (. 6 એપ્રિલ 1956, મુંબઈ) : ભારતના ક્રિકેટ ખેલાડી. ઉચ્ચ કક્ષાના પૂર્વ ટેસ્ટ બૅટધર ઇંગ્લૅન્ડના લૉડર્ઝના મેદાન ખાતે ત્રણ વાર સદીઓ ફટકારવાનું સ્વપ્નું સાર્થક કરનાર ભારતના એકમાત્ર બૅટધર.

દિલીપ બળવંત વેંગસરકર

વેંગસરકરે આ સિદ્ધિ પોતાના પ્રથમ 3 ઇંગ્લૅન્ડ-પ્રવાસ દરમિયાન એટલે કે 1979, 1982 અને 1986માં હાંસલ કરી અને ક્રિકેટના વિશ્વમથક મનાતા આ મેદાન ખાતે 3 સદીઓ નોંધાવનાર તેઓ સર્વપ્રથમ પ્રવાસી-ખેલાડી બની રહ્યા. તેઓ પરંપરાગત જમણેરી બૅટધર હતા અને 1976માં તેમણે ભારતમાં ટેસ્ટ-કારકિર્દીનો પ્રારંભ કર્યો, ત્યારથી જ તેમને સફળતા મળવા માંડી હતી.

1987-88માં તેમણે કપ્તાનપદ સ્વીકાર્યું; વેસ્ટ-ઇન્ડિઝ સામેની 3 ટેસ્ટ મૅચોમાં 101.66 રનની સરેરાશથી 303 રન કરી પ્રથમ શ્રેણીમાં ભારે સફળતા મેળવી; પરંતુ ત્યારપછી તેમની બૅટિંગનો પ્રભાવ ઓસરવા માંડ્યો અને પોતાનું કપ્તાનપદ ગુમાવ્યા પછી પણ તેઓ પોતાની અસલી ટેસ્ટ-રમત ફરીથી દાખવી શક્યા નહિ. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે :

(1) 1976-92 : 116 ટેસ્ટ; 42.13 રનની સરેરાશથી 6,868 રન; સદીઓ 17; એક દાવમાં સૌથી વધુ જુમલો 166; 78 કૅચ.

(2) 1976-92 : એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ 128; 34.73 રનની સરેરાશથી 3,508 રન; સદી 9; એક દાવમાં સૌથી વધુ જુમલો 105; 37 કૅચ.

(3) 1975-92 : પ્રથમ કક્ષાની મૅચ 17; 52.86 રનની સરેરાશથી 17,868 રન; સદી 55; એક દાવમાં સૌથી વધુ જુમલો 258 (અણનમ); 9 વિકેટ; 179 કૅચ.

સાથી ખેલાડીઓ અને નજીકના વર્તુળમાં તેઓ ‘કર્નલ’ના હુલામણા નામથી જાણીતા છે.

મહેશ ચોકસી