વેંકટાચલ શાસ્ત્રી, ટી. વી. (જ. 26 ઑગસ્ટ 1933, કનકપુર, જિ. બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ પંડિત અને સંશોધક. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. કેટલોક વખત ઓસ્માનિયા યુનિવર્સિટીમાં અધ્યાપન કર્યું. ત્યારબાદ મૈસૂર યુનિવર્સિટીમાં કન્નડના પ્રાધ્યાપક થયા અને ત્યાંથી પછી સેવાનિવૃત્ત થયા. તેમણે 1991-93 દરમિયાન મૈસૂર યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કન્નડ સ્ટડીઝના નિયામક; 1992-93 દરમિયાન મૈસૂર યુનિવર્સિટીના ફૅકલ્ટી ઑવ્ આર્ટ્સના ડીન તરીકે કામગીરી કરી. 1970-75 દરમિયાન તેઓ ત્રિમાસિક ‘પ્રબુદ્ધ કર્ણાટક’ના સંપાદક રહ્યા. 1970-79 સુધી તેઓ કન્નડ વિષય વિશ્વકોશની સલાહકાર સમિતિના સભ્યપદે રહ્યા. 1972-94 દરમિયાન તેઓ મૈસૂર યુનિવર્સિટીની કન્નડ સાહિત્યના ઇતિહાસની પ્રાયોજનાના સંપાદક અને 1993-97 સુધી કન્નડ સાહિત્ય અકાદમી માટેની જનરલ કાઉન્સિલ અને સલાહકાર બૉર્ડના સભ્ય રહ્યા. 1996થી ‘કન્નડ-કન્નડઅંગ્રેજી ડિક્શનરી’(કન્નડ સાહિત્ય પરિષદ)ના મુખ્ય સંપાદક તેમજ 1993માં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પ્રાકૃત સ્ટડીઝ ઍન્ડ રિસર્ચ, શ્રવણબેલગોલાના સંચાલક મંડળના સભ્ય તરીકે પણ તેઓ રહ્યા.
તેમણે 100થી વધુ શોધપ્રબંધ આપ્યા છે; અને ગ્રીક શોકાન્તિક નાટકો અનૂદિત કર્યાં છે. વળી તેમણે મહામહોપાધ્યાય, આર. શામ શાસ્ત્રી અને રાવબહાદુર એમ. શામ રાવનાં ચરિત્રોનું આલેખન પણ કર્યું છે.
તેમણે કન્નડ તથા અંગ્રેજીમાં 60 ગ્રંથો આપ્યા છે. તેમના વિવેચનાત્મક ગ્રંથોમાં ‘મહાકાવ્ય લક્ષણ’ (1969); ‘કન્નડ નેમિનાથ પુરાણગલ તૌલાનિકા અધ્યયન’ (1973); ‘કન્નડ ચાંદસ્વરૂપ’ (1978); ‘કન્નડ ચિત્રકાવ્ય’ (1987); ‘કન્નડ છંદોવિહાર’ (1989) ખાસ ઉલ્લેખનીય છે. ‘પમ્પા’ (1987) તેમનો વિવરણાત્મક ગ્રંથ છે. ત્યારે ‘કેસિરાજનું શબ્દમણિ દર્પણ’ (1994) સંપાદિત ગ્રંથ છે.
કન્નડ ભાષા, વ્યાકરણ, પિંગળ સાહિત્યનો ઇતિહાસ અને શબ્દકોશ પરના તેમના ગ્રંથો દ્વારા તેઓ કર્ણાટકના સુવિખ્યાત વિદ્વાન તરીકે જાણીતા થયા. કન્નડ સાહિત્યમાં ચરિત્રકાવ્યનાં તમામ સ્વરૂપોના સર્વગ્રાહી અભ્યાસ અને શ્રેષ્ઠ પ્રદાન બદલ તેમને ‘ગ્રંથલોક રાઇટર ઑવ્ ધ ઇયર’ સુવર્ણચંદ્રક અને આઇબીએચ એજ્યુકેશનલ ટ્રસ્ટ ઍવૉર્ડ; 1988માં કર્ણાટક રાજ્યોત્સવ ઍવૉર્ડ અને 1997માં કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે. 1977માં કન્નડ સાહિત્ય પરિષદ; 1993માં કન્નડ ઍસોસિયેશન, મૈસૂર દ્વારા બીઈએમએલથી તેમને સન્માનવામાં આવેલા.
બળદેવભાઈ કનીજિયા