વૅડ, વર્જિનિયા (. 10 જુલાઈ 1945, બૉર્નમાઉથ, હૅમ્પશાયર, યુ.કે.) : યુ.કે.નાં મહિલા ટેનિસ-ખેલાડી. તેઓ 1977ની વિમ્બલડનની સિંગલ્સની સ્પર્ધામાં વિજેતા બન્યાં. પ્રેક્ષકોએ આ જીત ખૂબ હોંશથી વધાવી, કારણ કે એ વિમ્બલડનનું શતાબ્દી-વર્ષ હતું અને પોતાના જ દેશના ખેલાડી ઘરઆંગણે વિજેતા બને એ બહુ મોટી ઘટના હતી. તેઓ લગભગ તેમની બત્રીસમી વર્ષગાંઠ નજીક હતાં અને આ વિજયપદક માટે આ સોળમી સ્પર્ધા હતી. તેઓ અનેક વર્ષો સુધી વિશ્વકક્ષાનાં સ્પર્ધક રહ્યાં હતાં, પણ તેમના આ પૂર્વેના ગ્રૅન્ડ સ્લૅમ વિજયપદકોમાં 1968 યુ.એસ. તથા 1972 ઑસ્ટ્રેલિયન વિજયપદકોનો સમાવેશ થતો હતો. ક્લૅ કોર્ટ પર તેમણે સૌપ્રથમ મહત્વનો વિજયપદક 1971માં મળ્યો. તેઓ ઇટાલિયન વિજયપદકના વિજેતા બન્યાં. વિમેન્સ ડબલ્સમાં તેઓ યુ.એસ., ફ્રેન્ચ અને ઑસ્ટ્રેલિયન ચૅમ્પિયનશિપનાં 1973માં વિજેતા બન્યાં; 1975માં ફરીથી યુ.એસ. વિજયપદકનાં વિજેતા બન્યાં.

એક શક્તિશાળી ખેલાડી હોવા ઉપરાંત તેમણે આ રમત માટે ઘણું ઉપયોગી કાર્ય કર્યું અને 1983માં વિમ્બલડન ચૅમ્પિયનશિપ કમિટીમાં ચૂંટાનાર તેઓ પ્રથમ મહિલા બન્યાં. બીજાં કોઈ મહિલા-ખેલાડી તેમના જેટલી 25 વિમ્બલડન ચૅમ્પિયનશિપ રમ્યાં નથી.

મહેશ ચોકસી