કૂર્બે, ગુસ્તાવ (Courbet, Gustave) જ. 10 જૂન 1819, ફ્રાંસ; અ. 31 ડિસેમ્બર 1877, સ્વિટ્ઝર્લૅન્ડ) : ફ્રેંચ ચિત્રકાર અને રંગદર્શી ચળવળના પ્રત્યાઘાત રૂપે જન્મેલી વાસ્તવમૂલક (realism) કલા-ચળવળનો પ્રણેતા.
પૂર્વ ફ્રાંસના એક શ્રીમંત ખેડૂત પરિવારમાં તેનો જન્મ થયેલો. રૉયલ કૉલેજ ખાતે ચિત્રકલાનો અભ્યાસ કર્યા પછી તેણે પૅરિસમાં કાયદાનો અભ્યાસ કરવો શરૂ કર્યો. પરંતુ કાયદો ભણવા કરતાં લુવ્ર મ્યુઝિયમનાં ચિત્રોના નિરીક્ષણમાં જ તે વધુ સમય પસાર કરતો. આખરે કાયદો પડતો મૂકી તેણે કલાનો અભ્યાસ ફરી આદર્યો. વાલાટ-ક્વેથી, રિબેરા અને સત્તરમી સદીના બીજા સ્પૅનિશ ચિત્રકારોનો તેણે ઊંડો અભ્યાસ કરી ચિત્રપદ્ધતિનું ટૅક્નિકલ કૌશલ હસ્તગત કર્યું. મૃત્યુ, દુ:ખ, એકલતા, વ્યથા, ત્રાસ, દુ:સ્વપ્નોના ઓથાર, સ્ત્રીપુરુષના પ્રેમ જેવા રંગદર્શી વિષયોનો વિરોધ કરીને કૂર્બેએ નજર સામે દેખાતી
રોજિંદી ક્ષુલ્લક (mundane) જિંદગીને પોતાની કલાનો વિષય બનાવ્યો. તેણે કરેલું એક વિધાન ઘણું સૂચક ગણાયું છે : ‘‘હું દેવદેવી ચીતરી શકું નહિ, કારણ કે મેં દેવદેવી જોયાં નથી.’’ રસ્તો બનાવનારા મજૂરો અને ખેડૂતોની દફનક્રિયાને આલેખતાં તેનાં બે ચિત્રો અનુક્રમે ‘ધ સ્ટોન બ્રેકર્સ’ અને ‘બેરિયલ એટ ઑર્ના’ સીમાચિહ્નરૂપ ગણાયાં છે, કારણ કે આ બે ચિત્રો દ્વારા ‘રિયાલિઝમ’ શૈલી સ્થાપિત થઈ. એ પછી કૂર્બેએ તેની શ્રેષ્ઠ ચિત્રકૃતિ ‘ધી આર્ટિસ્ટ્સ સ્ટુડિયો’ ચીતરી. તેમાં વચ્ચોવચ્ચ નગ્ન નવયૌવના મૉડલ સાથે પોતાને કૅન્વાસ પર ચિત્રણામાં મશગૂલ દર્શાવ્યો છે, ચિત્રના જમણા ભાગમાં તેણે પોતાના શ્રીમંત મિત્રો, તત્કાલીન ફ્રાંસના સાહિત્યકારો અને કલાકારોને દર્શાવ્યા છે તથા ચિત્રના ડાબા ભાગમાં તેણે પોતાના શિકારીમિત્રો, ખેડૂતમિત્રો અને મજૂરમિત્રોને દર્શાવ્યા છે. આ રીતે કૂર્બેએ ચિત્રમાંથી કથાતત્વ(story/narrative element)ની તદ્દન બાદબાકી કરી નાખવાની શૈલી અખત્યાર કરી. સ્વપ્નો, આદર્શ સૌંદર્ય, પુરાકથા, ધર્મકથા, ઇતિહાસકથાનાં આલેખનો કરવાનું તેનું ધ્યેય નહોતું. માનવી વાસ્તવમાં જેવો છે તેવો દર્શાવવાની તેની નેમ હતી, તેથી જ તેની કલા અને તેણે શરૂ કરેલ ચળવળ ‘રિયાલિઝમ’ નામે જાણીતી થઈ.
અમિતાભ મડિયા