કૂમ્ઝ(antibody)ની કસોટી : રક્તકોષો પર સ્થાપિત થયેલાં અને તેનું લયન કરતાં પ્રતિદ્રવ્યો (antibody) અથવા પ્રતિરક્ષાપૂરકોની હાજરી દર્શાવતી કસોટીઓ. રક્તકોષો ઉપર જ્યારે પ્રતિદ્રવ્ય અથવા પ્રતિરક્ષાપૂરક સ્થાપિત થયેલું હોય ત્યારે રક્તકોષો અતિસંવેદનશીલ થયેલા (sensitised) હોય છે. તે નિશ્ચિત પ્રતિજન(antigen)ની હાજરીમાં તૂટી જાય છે. રક્તકોષોના તૂટી જવાને રક્તકોષલયન (haemolysis) કહે છે. આ કસોટી પ્રતિરક્ષાલક્ષી ગ્લૉબ્યુલિનના બનેલા પ્રતિદ્રવ્યની હાજરી દર્શાવે છે. માટે તેને પ્રતિ-ગ્લૉબ્યુલિન (antiglobulin) કસોટી પણ કહે છે. 1945માં કૂમ્ઝ અને તેના સાથીઓએ સૌપ્રથમ બિનપૂંજીકારી (non-agglutiating) રુધિરજૂથ (blood group) સાથે સંબંધિત પ્રતિદ્રવ્યો શોધી કાઢવા માટે આ કસોટી વિકસાવી હતી. 1964માં તેમણે તેનો ઉપયોગ નવજાત શિશુને થતા રક્તકોષલયનના નિદાનમાં પણ કર્યો હતો. ડેસી અને તેના સાથીઓએ આ કસોટી દ્વારા પ્રતિરક્ષાપૂરકો પણ દર્શાવી શકાય છે તેવું 1957માં નોંધ્યું હતું.

કૂમ્ઝની કસોટીનો સિદ્ધાંત : (1) રક્તકોષ, (2) રક્તકોષ સાથે જોડાતો પ્રતિદ્રવ્ય અથવા પ્રતિરક્ષાલક્ષી (immune) ગ્લૉબ્યુલિન, (3) પરીક્ષણમાંના પ્રક્રિયક્રમાંનો પ્રતિદ્રવ્ય, (4) પ્રતિજન સાથે જોડાતો પ્રતિદ્રવ્યનો ભાગ, (5) પ્રતિદ્રવ્યનો કાયમી ભાગ, (1/ક) મુક્ત અથવા સામાન્ય રક્તકોષ, (1/ખ) પ્રતિદ્રવ્ય સાથે જોડાયેલા સંવેદીકૃત (sensitised) રક્તકોષો (1/ગ) પુંજીકરણ (agglutination) પામેલા રક્તકોષો.

કૂમ્ઝની કસોટી

સિદ્ધાંત : પ્રતિદ્રવ્યો અથવા પ્રતિરક્ષાપૂરકોવાળા પ્રક્ષાલિત રક્તકોષોને જ્યારે બૃહદ્વ્યાપી (broad spectrum) પ્રતિમાનવ-ગ્લૉબ્યુલિન(anti-human globulin, AHG) વાળા પ્રતિક્રિયક (reagent) સાથે 37o સે.ના તાપમાને ઉષ્માયન (incubate) કરવામાં આવે ત્યારે તેઓ એકબીજા સાથે ચોંટીને પુંજીકરણ (agglutination) કરે છે. સામાન્ય રીતે રક્તકોષો પર lgG પ્રકારનું પ્રતિદ્રવ્ય અથવા C3 પ્રકારનું પ્રતિરક્ષાપૂરક હોય છે. માનવ-ગ્લૉબ્યુલિન સામે અતિસંવેદિત કરેલા સસલાના લોહીના રુધિરરસ (serum)માંથી AHG મેળવવામાં આવે છે જે lgG તથા 1gM તેમજ C3 તથા C4 સામેનાં પ્રતિદ્રવ્યો ધરાવે છે, તેને કારણે તેને બૃહદ્વ્યાપી પ્રક્રિયક કહે છે.

રક્તકોષ સાથે Fab ભાગ વડે અપૂર્ણ lgGનું બનેલું પ્રતિદ્રવ્ય જોડાયેલું હોય છે. આ પ્રકારે અતિસંવેદિત થયેલા રક્તકોષોની સપાટી પર ઋણભાર હોય છે અને તેથી તે એકબીજાથી અલગ રહે છે. AHG વાળું પ્રતિક્રિયક ઉમેરવામાં આવે ત્યારે પ્રતિ 1gGના બનેલા AHGના અણુનો Fab ભાગ બે રક્તકોષો પરના lgGના FC ભાગ સાથે જોડાય છે. અને આમ બે રક્તકોષો એકબીજા સાથે જોડાય છે. આ રીતે રક્તકોષો એકબીજા સાથે જોડાઈને નાના નાના ગઠ્ઠા કરે છે. તેને પુંજીકરણ કહે છે.

પ્રકાર : કૂમ્ઝની કસોટીઓ બે પ્રકારની છે : સીધી અને આડકતરી. દર્દીના લોહીમાં રહેલા રક્તકોષો પરનાં પ્રતિદ્રવ્યો કે પ્રતિરક્ષાપૂરકોને દર્શાવવાનાં હોય ત્યારે રક્તકોષો તથા AHGવાળા પ્રતિક્રિયકને સીધેસીધા ભેળવવામાં આવે છે. તેને કૂમ્ઝની સીધી કસોટી કહે છે. તે સામાન્ય રીતે રક્તકોષ પરનાં 1gG પ્રતિદ્રવ્ય અથવા C3d પ્રતિરક્ષાપૂરકની હાજરી દર્શાવે છે. તેના દ્વારા નવજાત શિશુને થતો રક્તકોષલયી રોગ, પ્રતિરક્ષાલક્ષી સ્વકોષઘ્ની (autoimmune) રક્તકોષલયનથી થતી પાંડુતા (autoimmune haemolytic anaemia) ઔષધજન્ય રક્તકોષલયન તથા અન્ય વ્યક્તિનું લોહી આપ્યા પછી થતા રક્તકોષલયનના વિકાસનું નિદાન થઈ શકે છે.

દર્દીના રુધિરરસમાંનાં પ્રતિદ્રવ્યો કે પ્રતિરક્ષાપૂરકોને સામાન્ય અને બિન-અતિસંવેદનશીલ રક્તકોષો પર સ્થાપિત કરીને જ્યારે કૂમ્ઝની કસોટી કરવામાં આવે ત્યારે તેને કૂમ્ઝની આડકતરી કસોટી કહે છે. તેના દ્વારા દર્દીના રુધિરરસમાં પ્રતિદ્રવ્યો કે પ્રતિરક્ષાપૂરકો હોય તો તેનું નિદાન કરી શકાય છે. તેનો ઉપયોગ સહગમ્યતા (compatibility) કસોટીઓમાં, અણધાર્યા અથવા અસામાન્ય પ્રતિદ્રવ્યોના નિર્દેશ માટે તથા અન્ય પદ્ધતિઓ અને કેટલાંક રક્તકોષલક્ષી પ્રતિજનો (દા.ત., (Lea, K, Fya, Fyb, JKa, JKb વગેરે)ના નિર્દેશનમાં કરાય છે.

પદ્ધતિ : કૂમ્ઝની સીધી કસોટી માટે તાજા રક્તકોષના 2 %થી 5 % સાંદ્રતાવાળા દ્રાવણના એક ટીપાને સ્વચ્છ કશનળીમાં લઈને ખૂબ પ્રમાણમાં ક્ષારોદક (saline) લઈને 3થી 4 વખત ધોવામાં આવે છે. તેને રક્તકોષોનું પ્રક્ષાલન કહે છે. વધારાના ક્ષારોદકને દૂર કરવામાં આવે ત્યારબાદ AHG વાળા પ્રતિક્રિયકનાં 1થી 2 ટીપાં ઉમેરીને તેને 1000 rmpના દરેક 1 મિનિટ માટે ગોળ ગોળ ફેરવીને મિશ્રિત કરવામાં આવે છે. ત્યારબાદ તરત જો રક્તકોષોનું પુંજીકરણ થતું હોય તો તેની નોંધ કરવામાં આવે છે. ત્યારબાદ પાંચ મિનિટ પછી ફરીથી પુંજીકરણ માટે જોવામાં આવે છે. જો પુંજીકરણ થયું હોય તો તેને વિધાયક (positive) કસોટી કહેવામાં આવે છે. પુંજીકરણ ન થયું હોય તો તેમાં જ 1gG પ્રતિસ્થાપિત રક્તકોષના દ્રાવણનું એક ટીપું નાંખીને ફરીથી તેને 1000 rmpના દરેક 1 મિનિટ માટે ગોળ ગોળ ફેરવીને મિશ્રિત કરવામાં આવે છે. આ સમયે પણ જો પુંજીકરણ ન થયું હોય તો અગાઉની કસોટી ભૂલભરેલી હતી એવું માનીને સમગ્ર કસોટી ફરીથી કરવામાં આવે છે. આ કસોટી દરેક રક્તકોષ પર 1gGના 500 અણુઓ હોય તો જ વિધાયક પરિણામ આપે છે. માટે નકારાત્મક પરિણામ દરેક વખતે પ્રતિરક્ષાલક્ષી સ્વકોષઘ્ની રક્તકોષલયન નથી જ થતું એવું હંમેશાં દર્શાવતું નથી.

કૂમ્ઝની આડકતરી કસોટી માટે દર્દીના રુધિરરસનાં 2થી 4 ટીપાંમાં દર્દીના કે દાતાના પ્રક્ષાલિત રક્તકોષોના 4 %થી 5 % દ્રાવણનું એક ટીપું નાંખવામાં આવે છે. તેના મિશ્રણને 37o સે. તાપમાને 30થી 60 મિનિટ ઉષ્માયન કરવામાં આવે છે. ત્યારબાદ 1000 rmpના દરે 1 મિનિટ માટે તેને ગોળ ગોળ ફેરવવામાં આવે છે. રક્તકોષલયન અથવા રક્તકોષપુંજીકરણ થયેલું છે કે નહિ તે જોવામાં આવે છે. પુંજીકરણ ન થયું હોય તો તેને ખૂબ જ પ્રમાણમાં ક્ષારોદક લઈને 3થી 4 વખત પ્રક્ષાલિત કરવામાં આવે છે તથા વધારાનું ક્ષારોદક દૂર કરાય છે. તેમાં AHGવાળા પ્રતિક્રિયકનાં 1થી 2 ટીપાં નખાય છે. ત્યારબાદ સીધી કસોટીની માફક અવલોકન લેવામાં આવે છે અને તારણ કઢાય છે. આ કસોટી રુધિરરસમાં રહેલ પ્રતિદ્રવ્યો કે પ્રતિરક્ષાપૂરકોની હાજરી જાણવા માટે કરાય છે.

પરિબળો : કૂમ્ઝની કસોટીના પરિણામ પર વિવિધ પરિબળો અસર કરે છે. દા.ત., તાપમાન ઉષ્માયનકાળ [incubation time] રુધિરરસ અને રક્તકોષોનું સાપેક્ષપ્રમાણ વગેરે. ક્ષારોદકને બદલે ગાયના આલ્બ્યૂમિનનું દ્રાવણ (22 % સાંદ્રતા) બનાવાય તો કસોટીની સંવેદનશીલતા વધે છે. તેવી જ રીતે ઓછાં આયનોવાળા દ્રાવણથી પણ કસોટીની સંવેદનશીલતા વધે છે.

મુકુન્દ મહેતા

શિલીન નં. શુક્લ