કૂર્મ : શ્રી વિષ્ણુનો એક અવતાર. દેવો અને દૈત્યોએ અમૃત અને અન્ય રત્નોની પ્રાપ્તિ માટે મંદરાચળને રવૈયો બનાવી સમુદ્રમંથન કરવા માંડ્યું. મંદરની નીચે આધાર નહોતો તેથી તે ક્ષીરસાગરમાં ડૂબવા લાગ્યો, ત્યારે શ્રી વિષ્ણુએ કૂર્મનું (કાચબાનું) રૂપ લીધું અને પોતાની એક લાખ યોજનની વિશાળ પીઠ ઉપર મંદરાચળને ધારણ કર્યો. વૈશાખ શુક્લ પૂર્ણિમાએ કૂર્માવતાર થયેલો (નિર્ણય સિંધુ) મનાય છે. પોષ શુક્લ દ્વાદશીએ કૂર્મ દ્વાદશીવ્રતનું વિધાન છે. તે દિવસે ઘી ભરેલા તામ્રપાત્રમાં મંદરાચળ સહિત કૂર્મમૂર્તિ પધરાવીને નારાયણનું પૂજન કરી તેનું સુપાત્રને દાન કરવામાં આવે છે. બદરીનાથ મંદિરની પાછળ હિમાલયમાં કૂર્મતીર્થ છે. ત્યાં વિષ્ણુનું કૂર્મરૂપે પૂજન થાય છે.

કૂર્મ ધાર્મિક અને માંગલિક પ્રતીક છે. મંદિરમાં કૂર્મની પ્રતિમાનું સ્થાપન માંગલ્યકર છે (બૃહત્સંહિતા). પ્રાણી માત્રને ધારણ કરનાર ભૂપૃષ્ઠનું નામ કૂર્મ છે.

ઉ. જ. સાંડેસરા