વૃત્તિમય ભાવાભાસ : સાહિત્યમાં ભાવનિરૂપણ માટેની એક વિશિષ્ટ પ્રયુક્તિ. અંગ્રેજીમાં જૉન રસ્કિન નામના વિક્ટોરિયન કલામર્મજ્ઞે એના ‘મૉડર્ન પેન્ટર્સ’ (1856) ગ્રંથના ત્રીજા ખંડના બારમા પ્રકરણમાં ચિત્રકારો માનવભાવોનું પ્રકૃતિમાં આરોપણ કરી જે રીતે અસત્યનો આશ્રય લે છે તેની મર્યાદા કે દોષ દર્શાવતાં ‘પૅથેટિક ફૅલસી’ (pathetic fallacy’) એવી સંજ્ઞા પ્રયોજેલી, તેના પર્યાય રૂપે ગુજરાતીમાં રમણભાઈ નીલકંઠે ઉપર્યુક્ત સંજ્ઞાનો પ્રયોગ ‘પૃથુરાજ રાસ’ની ચર્ચા નિમિત્તે કરેલો, જેનો નિર્દેશ એમના વિવેચનગ્રંથ ‘કવિતા અને સાહિત્ય’ (ખંડ 1)માં છે.
કવિ પોતે અથવા કવિનિર્મિત પાત્ર પણ પોતાના મનોભાવોનો પ્રભાવ ને પ્રતિભાવ પોતાની આસપાસની પ્રકૃતિમાં દૃષ્ટિ-સૃષ્ટિ-ન્યાયે નિહાળે છે અને તેનું દર્શન-વર્ણન તે પોતાની કલાકૃતિમાં રજૂ કરે છે. એમ કરતાં એના દર્શનમાં ભ્રાંતિ કે આભાસનું તત્વ આવી જાય છે. ઊર્મિના પ્રવાહવેગમાં તણાતાં કલાકાર બિંબ-પ્રિતિબિંબ-ન્યાયે પોતાના જ ભાવોદ્રેક કે ભાવનુભૂતિનું પ્રક્ષેપણ પ્રકૃતિમાં કરે છે અને તદનુસાર તેનું રંગ-ચિત્ર કલાકૃતિમાં ઊતરે છે. એ રીતે કાવ્યકૃતિ કે કલાકૃતિમાં થતું ભ્રાન્ત કે આભાસમૂલક દર્શન તથ્યાવલંબી કે સત્યનિષ્ઠ ન હોતાં ‘અસત્ય’ ઠરે છે. તેથી જ નરસિંહરાવે રસ્કિનના ભાવમર્મને ગ્રહીને ‘પૅથેટિક ફૅલસી’ માટે ‘અસત્ય ભાવારોપણ’ એવી સંજ્ઞા પ્રયોજી, રસ્કિનની જ આ મુદ્દાની ચર્ચાને વિસ્તારથી અને ઊંડાણથી એમના વિવેચનગ્રંથ ‘મનોમુકુર’(ભાગ 1)માં રજૂ કરી. એ રજૂઆત કરતાં નરસિંહરાવે આત્મલક્ષી તેમ જ પરલક્ષી કાવ્યોમાંના કવિના કલાભિગમનીયે ચર્ચા કરી. ડોલરરાય માંકડે ‘પૅથેટિક ફૅલસી’ના મૂળમાં કવિકલાકારના ભાવોદ્રેક જે પ્રકારે કામ કરે છે તેનો ખ્યાલ કરી ‘ઊર્મિજન્ય ભાવાભાસ’ – એવો પર્યાય ‘પૅથિટિક ફૅલસી’ માટે યોજ્યો. આ ભૂમિકામાં ભાવનો આભાસ જ હોય છે તે ભલે, પણ તે થાય છે ઊર્મિના કારણે – ઊર્મિના અતિરેક કે પ્રાબલ્યના કારણે; જેમ કે, ‘શકુંતલા’ જ્યારે કણ્વ ઋષિનો આશ્રમ છોડી શ્વસુરગૃહે જવા તૈયાર થાય છે ત્યારે તેની આસપાસની પ્રકૃતિસૃષ્ટિ જે રીતે એની વિદાયવેદનાએ આંસુ સારે છે તેમાં ઊર્મિજન્ય ભાવાભાસ જોવામાં આવે છે; એવો જ ભાવાભાસ પ્રેમાનંદકૃત ‘નળાખ્યાન’માં ભૂખના દુ:ખે ઢીમરનું આચરણ કરતાં નળ નવસ્ત્રો થઈ જાય છે ત્યારે ‘લાજ્યાં પંખી લાજ્યું વન; લાજ્યો સૂરજ, મીંચ્યાં લોચન’ – એવું કવિ વર્ણન કરે છે તેમાં જોવા મળે છે. ભાવાભાસનાં આવાં ઉદાહરણોમાં ઊર્મિલતા કે ઊર્મિનો અતિરેક હોય, એમાં તત્વત: આભાસતત્વ મિથ્યાતત્વ કે અસત્ય હોય તોપણ તેની અમુક પરિસ્થિતિમાં, કૉલરિજ-નિર્દિષ્ટ‘મેક બિલીવ’ના જેવી ભૂમિકાએ આસ્વાદ્યતા ને અસરકારકતા હોઈ શકે છે. ડોલરરાય માંકડ ‘કાવ્યવિવેચન’ ગ્રંથમાં ‘ઊર્મિજન્ય ભાવાભાસ’વાળી પરિસ્થિતિ કે ભૂમિકા અમુક સંજોગોમાં દોષરૂપ તો અમુક સંજોગોમાં દોષરૂપ ન હોય એવું માને છે. એ વાત કરતાં તેઓ ઓજસ ગુણનું દૃષ્ટાંત ટાંકે છે. વીરરસના નિરૂપણમાં ઓજસ ગુણરૂપ હોય પણ તે કરુણરસમાં દોષરૂપ પણ નીવડે. આમ ચુસ્ત નીતિવાદી ને સત્યના આગ્રહી રસ્કિનની દૃષ્ટિએ દોષરૂપ લેખાતી ‘પૅથેટિક ફૅલસી’ની ભૂમિકા, અમુક પરિસ્થિતિમાં નિર્વાહ્ય કે સ્વીકાર્ય પણ બને છે. તેઓ ‘સમાધિ’ જેવો ગુણવાચક શબ્દ ‘પૅથેટિક ફૅલસી’ જેવી દોષવાચક સંજ્ઞાના પર્યાય માટે પ્રયોજવાના પ્રો. જોગના વલણનો વિરોધ કરે છે. મણિલાલ ન. દ્વિવેદી, આનંદશંકર ધ્રુવ જેવા વિદ્વાનોએ પણ આ મુદ્દાની ચર્ચા કરતાં રમણભાઈ નીલકંઠના મતનો વિરોધ કર્યો હતો. મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે ગાઢ ને ગૂઢ સંબંધ છે; તેથી કાવ્ય-કલામાં ભાવાત્મક નિરૂપણમાં બેય વચ્ચેના સંકુલ સંબંધનો અવારનવાર આશ્રય લેવાય એ સ્વાભાવિક છે. પ્રકૃતિ અને મનુષ્યનો ભાવાત્મક સંબંધ આલંબન અને ઉદ્દીપનવિભાવમાં, વ્યભિચારી-ભાવ વગેરેનાં નિરૂપણોમાંયે અવારનવાર મહત્વનું પ્રદાન કરતો હોય છે. ‘સજીવારોપણ’ના તત્વનો કાવ્ય-કલામાં વિનિયોગ કરવાની સુદીર્ઘ પરંપરા છે જ. કાવ્યના ક્ષેત્રે સત્યના ભાવની જેમ ભાવના સત્યનુંયે ઘણું મહત્વ છે. તેથી જ સત્વશીલ સર્જકો માનવભાવના નિરૂપણમાં કોઈ ને કોઈ રીતે પ્રકૃતિનું આલંબન લેતા હોય એવું જોવા મળે છે. આ આલંબનમાં સાહજિકતા-સ્વાભાવિકતા હોય, સચ્ચાઈ અને ઔચિત્ય હોય તે અનિવાર્ય છે. જે તે ભાવનિરૂપણની ભૂમિકા આસ્વાદ કે ભાવનની દૃષ્ટિએ બળવાન હોય એ અપેક્ષિત છે. કાવ્યકૃતિની સાથેનો સમસંવેદનનો સેતુ ખંડિત ન થાય એ ભાવનિરૂપણમાં અનિવાર્ય છે તે સંદર્ભમાં જ ઊર્મિજન્ય ભાવાભાસનો વિચાર કરવાનો રહે છે.
આ મુદ્દાની સાથે જ આત્મલક્ષી તેમજ પરલક્ષી કાવ્યોમાં થતા પ્રકૃતિવર્ણનનો અભિગમ પણ ચર્ચાયો છે. કવિ આત્મલક્ષી વલણે પ્રકૃતિને જે રીતે જુએ ને વર્ણવે તથા પરલક્ષી કાવ્યોમાં પાત્ર કે પ્રસંગના પરિવેશ તરીકે જે રીતે પ્રકૃતિને વર્ણવે તેમાંયે કેટલીક ભિન્નતા આવવાની. કવિનો પ્રકૃતિગત ભાવસંદર્ભ આત્મલક્ષી કાવ્યમાં જે રીતે પ્રસ્તુત થાય તેથી ભિન્ન રીતે પરલક્ષી કાવ્યમાં પ્રસ્તુત થાય એવું પણ જોવા મળવાનું. વળી પ્રકૃતિ સાથેના માનવહૃદયના ગૂઢ-ગહન સંબંધનો સંદર્ભ પણ ખ્યાલમાં રાખવાનો રહે. તેથી કોઈ પણ કાવ્યમાં આ પ્રકારની આભાસમૂલક ભાવનિરૂપણની પદ્ધતિ કે પ્રયુક્તિને જે તે કલાગત સંદર્ભથી અલગ કરીને જોવી-મૂલવવી કે તેનો પરિહાર કરવો ઇષ્ટ નથી. જ્યાં લાગણીવેડા, ઊર્મિલતા કે તર્કવિરોધી કે તત્વવિરોધી સંદિગ્ધતાનો અનુપ્રવેશ હોય ત્યાં જ આવી પ્રયુક્તિના વર્જનનો પ્રશ્ર્ન પ્રસ્તુત બની રહે છે; અન્યથા માયા જેમ સત્યને ઉપકારક થતી લીલાગતિ દાખવે છે તેમ આવી પ્રયુક્તિયે રસનિષ્પત્તિને ઉપકારક થતી, તેના એક અનિવાર્ય અંશ રૂપે અવારનવાર કલાસાહિત્યમાં નિરૂપાતી અનુભવવા મળવાની.
ચંદ્રકાન્ત શેઠ