વૃત્તિ-4 (શબ્દશક્તિ) : વ્યાકરણશાસ્ત્ર, મીમાંસાશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રમાં પ્રયોજાતો પારિભાષિક શબ્દ. શબ્દ પર થતી શબ્દનો અમુક અર્થ આપતી પ્રક્રિયા તે વૃત્તિ. આ શબ્દવૃત્તિના ત્રણ પ્રકારો છે : (1) અભિધા (2) લક્ષણા અને (3) વ્યંજના. એમાં પહેલી બે વૃત્તિઓ વ્યાકરણાદિ બધાં શાસ્ત્રોમાં સ્વીકારવામાં આવી છે. ત્રીજી વ્યંજનાવૃત્તિ ફક્ત ધ્વનિવાદી આલંકારિકો જ સ્વીકારે છે. શબ્દનો વાચ્યાર્થ આપતી અભિધા, શબ્દનો લક્ષ્યાર્થ આપતી લક્ષણા અને શબ્દનો વ્યંગ્યાર્થ આપતી વ્યંજના – એ શબ્દશક્તિઓ છે, પરંતુ આખા વાક્યનો તાત્પર્યાર્થ જણાવતી ચોથી તાત્પર્યવૃત્તિ એ વાક્યવૃત્તિ કે વાક્યશક્તિ છે. આ વૃત્તિને કુમારિલ ભટ્ટે સર્વપ્રથમ રજૂ કરેલી અને તેથી તેમના અનુયાયીઓ કે જેઓ ભાટ્ટમીમાંસકો કહેવાય છે તેઓ તેના પુરસ્કર્તા છે. આ વૃત્તિઓની ચર્ચા આખા ગ્રંથમાં કરવામાં આવી હોય તેવા અલંકારશાસ્ત્રના ગ્રંથોમાં મુકુલ ભટ્ટ કૃત ‘અભિધાવૃત્તિમાતૃકા’, મમ્મટ કૃત ‘શબ્દવ્યાપારવિચાર’ અને અપ્પય્ય દીક્ષિત કૃત ‘વૃત્તિવાર્તિક’ વગેરેને ગણાવી શકાય.

પ્ર. ઉ. શાસ્ત્રી