વૃત્તિવાર્તિક : પ્રાચીન ભારતીય અલંકારશાસ્ત્રનો ગ્રંથ. અપ્પય્ય દીક્ષિત (16મી સદી) નામના લેખકે રચેલા આ ગ્રંથમાં શબ્દના બે વ્યાપારોની ચર્ચા કરવામાં આવી છે. બે પરિચ્છેદના બનેલા આ નાનકડા ગ્રંથમાં પ્રથમ પરિચ્છેદમાં અભિધા અને દ્વિતીય પરિચ્છેદમાં લક્ષણા નામના શબ્દવ્યાપારનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે. આલંકારિકો શબ્દના ત્રીજા વ્યાપાર વ્યંજનાને માને છે, પરંતુ એ ત્રીજા વ્યંજનાવ્યાપારનું નિરૂપણ આ ગ્રંથમાં નથી, તેથી આ ગ્રંથ અપૂર્ણ રહ્યો હોય અથવા અપૂર્ણ ઉપલબ્ધ થયો હોય એમ બને. જોકે લેખકે એ સંપૂર્ણ લખ્યો હોય એવી શક્યતાઓ છે.

આરંભમાં લેખકે અભિધાનું સ્વરૂપ જણાવી, એ પછી તેના (1) યોગ, (2) રૂઢિ અને (3) યોગરૂઢિ – એ ત્રણ પ્રકારોની સમજ સોદાહરણ આપી છે. એ પછી સંયોગ વગેરે અભિધાના નિયંત્રકોની પણ સોદાહરણ ચર્ચા રજૂ થઈ છે. બીજા પરિચ્છેદમાં લક્ષણાનું સ્વરૂપ સોદાહરણ રજૂ કરી એ પછી લક્ષણાના પ્રકારોની પણ સોદાહરણ રજૂઆત કરી છે. સર્વપ્રથમ (1) નિરૂઢા અને (2) ફલલક્ષણા  એમ બે મુખ્ય પ્રકારો ગણાવ્યા છે. એ પછી નિરૂઢા લક્ષણાના શુદ્ધા નિરૂઢા અને ગૌણી નિરૂઢા – એવા બે પેટાપ્રકારો આપ્યા છે. એ પછી ફલલક્ષણાના પણ શુદ્ધા ફલલક્ષણા અને ગૌણી ફલલક્ષણા – એવા બે પેટાપ્રકારો ગણાવ્યા છે. ત્યારબાદ શુદ્ધા ફલલક્ષણાના (1) જહલ્લક્ષણા (2) અજહલ્લક્ષણા (3) જહદજહલ્લક્ષણા (4) સારોપા અને (5) સાધ્યવસાના એમ પાંચ ગૌણ ભેદો ગણાવ્યા છે; જ્યારે ગૌણી ફલલક્ષણાના (1) સારોપા અને (2) સાધ્યવસાના એમ બે ગૌણ ભેદો આપ્યા છે. આ તમામ પ્રકારોની ઉદાહરણો આપીને વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. ફક્ત વ્યંજના શબ્દવ્યાપારની ચર્ચાનો આ ગ્રંથમાં અભાવ ખટકે છે. કોઈ કારણસર લેખક એ ચર્ચા આપી નથી શક્યા અથવા લેખકે કરેલી એ ચર્ચા આપણને ઉપલબ્ધ થઈ શકી નથી.

કાશીમાંથી પ્રગટ થતા ‘પંડિત’ સામયિકના બારમા અંકમાં ‘વૃત્તિવાર્તિક’ ગ્રંથ 1890માં પ્રથમ વાર રામશાસ્ત્રી તેલંગે પ્રગટ કર્યો હતો. એ પછી 1893માં નિર્ણયસાગર પ્રેસ, મુંબઈમાંથી પંડિત શિવદત્ત અને કાશીનાથ પાંડુરંગ પરબે પ્રસ્તુત ગ્રંથ પ્રગટ કરેલો. 1910માં નિર્ણયસાગર પ્રેસે તેની બીજી આવૃત્તિ પ્રકાશિત કરેલી અને તેની ત્રીજી આવૃત્તિ 1940માં કાવ્યમાલા સિરીઝના 36મા ગ્રંથ તરીકે પ્રગટ થયેલી. આથી આ ગ્રંથ કેટલો મહત્વનો છે એ સૂચવાય છે.

પ્ર. ઉ. શાસ્ત્રી