વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટી)

ઉચ્ચ શિક્ષણ માટેની તથા ડિગ્રી આપવાનો અધિકાર ધરાવતી સંસ્થા. વિશ્વવિદ્યાલયના નામે વિવિધ દેશોમાં જુદા જુદા સમયે જે સંગઠનો અસ્તિત્વમાં આવ્યાં છે તેમનાં સ્વરૂપ, કાર્યક્ષેત્ર તથા કામગીરીમાં જે વૈવિધ્ય માલૂમ પડ્યું છે તેને નજર સમક્ષ રાખીએ તો વિશ્વવિદ્યાલયની કોઈ સર્વસામાન્ય કે સર્વગ્રાહી વ્યાખ્યા થઈ શકે તેમ નથી.

યુરોપમાં યુનિવર્સિટીઓ : આધુનિક યુનિવર્સિટીઓનું મૂળ યુરોપમાં અસ્તિત્વમાં આવેલી અને વિકસેલી ઉચ્ચશિક્ષણની પ્રથામાં રહેલું છે. યુરોપના કેટલાક દેશોમાં અગિયારમી સદીથી યુનિવર્સિટાસ(universitas)ના નામે ઓળખાયેલાં સંગઠનો રચાયાં હતાં. એ અધ્યાપકો (માસ્ટર્સ) અને વિદ્યાર્થીઓનું સંગઠન હતું. તેને અંગ્રેજીમાં ‘કૉર્પોરેશન’ કહેવામાં આવે છે, જેનો લૅટિન ભાષાનો પર્યાય ‘યુનિવર્સિટાસ’ છે. એ એક કૉર્પોરેશન હતું તેનો અર્થ એવો થાય છે કે તે એક માન્યતા-પ્રાપ્ત કાનૂની સ્વરૂપની સંસ્થા હતી. તેને કેટલાક અધિકારો આપવામાં આવ્યા હતા. આ અધિકારો આપતી સનદ તેમને પોપ કે શહેનશાહ તરફથી આપવામાં આવતી હતી. યુરોપમાં આવું પ્રથમ સંગઠન ઇટાલીમાં બોલોના (Bologna) ખાતે સ્થાપવામાં આવેલું. બારમી સદીમાં યુરોપના અન્ય દેશોમાં બીજી ચાર યુનિવર્સિટીઓ સ્થપાયેલી. પંદરમી સદીના અંતે યુરોપમાં 79 યુનિવર્સિટીઓ હતી.

આ યુનિવર્સિટીઓને સ્વશાસનનો અધિકાર આપવામાં આવ્યો હતો. એક જ શરત હતી : તેમણે નિરીશ્વરવાદ કે ‘સત્તાવાર’ જ્ઞાનની વિરુદ્ધ જતી બાબતો શીખવવાની ન હતી. વિદ્યાર્થીઓ અને અધ્યાપકો તેમના અધ્યક્ષને-રેક્ટરને ચૂંટતા. યુનિવર્સિટીમાં જોડાતા વિદ્યાર્થીઓને કેટલાક અધિકારો મળતા. તેમને વેરામાંથી અને લશ્કરી સેવામાંથી મુક્તિ અપાતી. અન્ય નાગરિકોને જે કેટલાક કાયદાઓ લાગુ પાડવામાં આવતા હતા તે તેમને લાગુ પાડવામાં આવતા ન હતા. કેટલીક યુનિવર્સિટીઓમાં અધ્યાપકપદ વંશપરંપરાગત હતું. યુનિવર્સિટીઓને જે અધિકારો આપવામાં આવ્યા હતા તેની કિંમત તેમણે ચૂકવવાની હતી. તેમણે પોતાનું ખર્ચ જાતે જ કાઢવાનું હતું. તેથી શિક્ષકોની આવક વિદ્યાર્થીઓની ફી પર આધારિત હતી. વિદ્યાર્થીઓને ટકાવી રાખવા માટે તેમને રાજી રાખવા પડતા.

મધ્યકાલીન યુરોપમાં જે યુનિવર્સિટીઓ સ્થપાયેલી તે આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધરાવતી હતી, એ અર્થમાં કે તેમાં યુરોપના કોઈ પણ દેશના વિદ્યાર્થીઓ જોડાઈ શકતા. વળી એ વિદ્યાર્થીઓને તેમની યુનિવર્સિટી ન ગમે તો તેઓ તેને છોડીને બીજે ચાલ્યા જતા. ઇંગ્લૅન્ડમાં 1209માં કેમ્બ્રિજની સ્થાપના ઑક્સફર્ડમાંથી આવેલા અસંતુષ્ટ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી. વીસ વર્ષ બાદ ઑક્સફર્ડને પૅરિસથી આવેલા વિદ્યાર્થીઓનો લાભ મળેલો.

આ સંસ્થાઓનો પ્રારંભ ખ્રિસ્તી સંપ્રદાયના ક્લર્ક અને મૉન્કને તૈયાર કરવા માટે થયેલો. ચર્ચની શાળાઓમાં અપાયેલા શિક્ષણને આગળ ધપાવવાનો ઉદ્દેશ હતો. એમાં જે કંઈ શીખવવામાં આવે તે મૂળ તત્વના સ્વરૂપનું હોય, એટલે કે સાર્વત્રિક સત્યના સ્વરૂપનું હોય એવી પણ અપેક્ષા હતી. અઢારમી સદીના અંત સુધી આ યુનિવર્સિટીઓ ચર્ચ અને રાજ્ય માટે વિદ્યાર્થીઓને તૈયાર કરતી હતી. અભ્યાસના વિષયો નિશ્ચિત હતા. સામાન્ય રીતે વ્યાકરણ, તર્કશાસ્ત્ર, લેખન અને વક્તવ્ય માટે ભાષાના અસરકારક ઉપયોગને લગતું શાસ્ત્ર (rhetoric) વગેરેથી અભ્યાસનો આરંભ થતો. વ્યાકરણ મુખ્યત્વે લૅટિન ભાષાનું શીખવાતું. આ પછી વિદ્યાર્થીઓ કાયદો, તબીબી વિદ્યા અને ધર્મશાસ્ત્ર એ ત્રણ પૈકી કોઈ એક વિષય લઈને તેમાં પારંગત થવા પ્રયાસ કરતો. તેને અંગે જે અંતિમ પરીક્ષા લેવામાં આવતી તેમાં વિદ્યાર્થીઓની આકરી કસોટી થતી. તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ નાપાસ થતા.

યુરોપમાં અઢારમી સદી સુધી યુનિવર્સિટીઓની જે પરંપરા અસ્તિત્વમાં આવેલી તેમાં ત્રણ ધારાઓ હતી : જર્મનીની પરંપરા, ફ્રાંસની પરંપરા અને ઇંગ્લૅન્ડની પરંપરા. આ ત્રણેય પરંપરાઓ એક બાબતમાં સામ્ય ધરાવતી હતી. અઢારમી સદીમાં એ ત્રણેય દેશોમાં યુનિવર્સિટીઓ તળિયે જઈને બેઠી હતી; દા.ત., ઑક્સફર્ડની કૉલેજોને ‘અજ્ઞાન, ભ્રષ્ટાચાર, લગ્નેતર સંબંધો અને વ્યભિચારની પીઠો’ તરીકે વર્ણવવામાં આવતી હતી. જર્મનીની કેટલીક યુનિવર્સિટીઓ માટે તે અજ્ઞાન, વંધ્ય અને ઉછાંછળી હોવાની ટીકા કરવામાં આવતી હતી. ફ્રાંસની યુનિવર્સિટીઓ માટે તેના એક રાષ્ટ્રીયપંચે આ શબ્દોમાં ટીકા (રિમાર્ક) કરી હતી : ‘તેમનો ઇતિહાસ તેમની ઝડપથી થયેલી અધોગતિનો ઇતિહાસ છે.’ યુરોપના આ ત્રણેય દેશોમાં યુનિવર્સિટીઓ સામેનો અસંતોષ એકસરખો પ્રબળ હતો. ફ્રાંસ અને જર્મનીમાં તો તેમને બંધ કરી દેવાની માગણી બહુ ગંભીરતાપૂર્વક કરવામાં આવી હતી, કેમ કે એ દેશોના વિચારકોને એમ લાગતું હતું કે આ યુનિવર્સિટીઓને સુધારી શકાય તેમ નથી. આ અસંતોષને કારણે ઓગણીસમી સદીના આરંભથી જર્મની અને ફ્રાંસમાં યુનિવર્સિટીના ક્ષેત્રે સુધારાઓ શરૂ થયા. ઇંગ્લૅન્ડમાં સુધારાની એ પ્રક્રિયા ઓગણીસમી સદીમાં પથરાયેલી રહી. આ ત્રણ દેશોમાં જે સુધારા થયા તેમાંથી યુરોપમાં યુનિવર્સિટીઓની ત્રણ પરંપરાઓ અસ્તિત્વમાં આવી : જર્મની, ફ્રાંસ અને ઇંગ્લૅન્ડની. ચોથી પરંપરા અમેરિકાની છે; જેમાં એ ત્રણ દેશોની પરંપરાનાં કેટલાંક લક્ષણોની સાથે અમેરિકાનાં આગવાં ગણી શકાય એવાં કેટલાંક લક્ષણો ઉમેરાયાં છે. એ પરંપરાઓનો પરિચય મેળવીએ તે પહેલાં યુરોપની અઢારમી સદી સુધી યુનિવર્સિટીઓને સમાંતર જે વિકાસ સધાયો હતો તેનો સંક્ષેપમાં પરિચય મેળવવો જરૂરી છે.

પંદરમી સદીમાં યુનિવર્સિટીઓની બહાર નવી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હતી. ઇંગ્લૅન્ડમાં તે કૉલેજો તરીકે, જર્મનીમાં જિમ્નેશિયમ તરીકે અને ફ્રાંસમાં એકૅડેમી (વિદ્વાનોનું મંડળ નહિ, પરંતુ કૉલેજ જેવી સંસ્થા) તરીકે ઓળખાઈ. યુનિવર્સિટીઓની તુલનામાં આ સંસ્થાઓ વધુ વ્યવહારાભિમુખ શિક્ષણ આપતી હતી. તત્કાલીન યુરોપમાં વિસ્તરી રહેલા મધ્યમ વર્ગના છોકરાઓને તે શિક્ષણ આપતી. અઢારમી સદી સુધીમાં એમાંની કેટલીક સંસ્થાઓ ખૂબ પ્રસિદ્ધ થઈ ચૂકી હતી, જોકે કાનૂની અર્થમાં એ યુનિવર્સિટીઓ ન હતી; કેમ કે, તેમને સત્તાવાર રીતે કોઈ સનદ આપવામાં આવી ન હતી. એમાંની ઘણી સંસ્થાઓ બિનસાંપ્રદાયિક હતી. એમની સ્થાપના ચર્ચ દ્વારા કરવામાં આવી ન હતી, પરંતુ ખાનગી શૈક્ષણિક સાહસિકો દ્વારા સ્થાપવામાં આવી હતી. આ નવી શાળાઓ(સ્કૂલ્સ)માં નવા વિષયોને અભ્યાસમાં સમાવવામાં આવ્યા હતા. ગ્રીક, હિબ્રૂ, આધુનિક ભાષાઓ, ઇતિહાસ, આધુનિક ગણિત અને કેટલાંક પ્રાકૃતિક વિજ્ઞાનોનો તેમાં સમાવેશ થતો હતો. આની સાથે આમાંની કેટલીક સંસ્થાઓમાં તત્કાલીન યુનિવર્સિટીઓની આર્ટ્સ ફૅકલ્ટીના વિષયો પણ શીખવવામાં આવતા હતા. યુનિવર્સિટીઓની જેમ કેટલીક સંસ્થાઓ ધર્મશાસ્ત્ર, કાયદો અને તબીબીવિદ્યા પણ શીખવતી હતી.

નવી શિક્ષણસંસ્થાઓની સાથે વિદ્વન્-મંડળો(learned society or academy)ના સ્વરૂપમાં એક જુદી દિશામાં વિકાસ સધાયો હતો. આ વિદ્વન્-મંડળો સ્વયંભૂ રીતે અસ્તિત્વમાં આવ્યાં હતાં. જે લોકોને વિદ્વત્તા અને વિજ્ઞાનમાં રસ હતો, જેમને પોતાના રસને પોષવા માટે સંસ્થાકીય માળખાની જરૂર લાગી તેમણે આ મંડળો રચ્યાં હતાં. આ સંગઠનોનો ઉપયોગ વિચારોના આદાનપ્રદાન માટે તથા નૈતિક અને ક્યારેક નાણાકીય ટેકા માટે કરવામાં આવતો હતો. સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં આ મંડળોને સનદ આપવામાં આવી હતી. સત્તરમી અને અઢારમી સદીના યુરોપના કેટલાક પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો આ મંડળોની સાથે જોડાયેલા હતા. આ મંડળો(એકૅડેમી)માં અધ્યાપન કરવામાં આવતું ન હતું. તેના સભ્યોને તેમની સિદ્ધિઓના આધાર પર ચૂંટવામાં આવતા હતા, જોકે કેટલાક શ્રીમંતો તેનું સભ્યપદ મેળવી લેતા હતા.

અઢારમી સદી સુધીમાં ઇંગ્લૅન્ડ, ફ્રાંસ અને ઇટાલીમાં શિક્ષણસંસ્થાઓની કામગીરીમાં એક પ્રકારનું કાર્યવિભાજન થયેલું. ખાનગી કૉલેજો સામાન્ય (general) ઉચ્ચ શિક્ષણ આપતી હતી, યુનિવર્સિટીઓ તબીબીવિદ્યા, ધર્મશાસ્ત્ર અને મોટાભાગના દાખલાઓમાં કાયદાનું શિક્ષણ આપતી હતી અને સંશોધનનું કાર્ય વ્યક્તિગત વિદ્વાનો એકૅડેમીના સહયોગમાં રહીને કરતા હતા. અલબત્ત, નવી યુનિવર્સિટીઓમાં તેમજ નાનાં કેન્દ્રોમાં આવેલી યુનિવર્સિટીઓમાં આ ત્રણેય પ્રવૃત્તિઓ એકસાથે જ કરવામાં આવતી હતી. યુરોપમાં અઢારમી સદીનાં પાછલાં વર્ષોમાં યુનિવર્સિટીઓ ટીકાપાત્ર બની હતી તેનું આ એક કારણ હતું. એ યુનિવર્સિટીઓએ અત્યંત રૂઢિચુસ્ત રહીને નવાં સધાયેલાં પરિવર્તનોને અપનાવ્યાં ન હતાં.

ઓગણીસમી સદીની શરૂઆતથી જર્મની, ફ્રાંસ અને ઇંગ્લૅન્ડમાં યુનિવર્સિટીઓના ક્ષેત્રે જે પરિવર્તનો કરવામાં આવ્યાં તેની સંક્ષેપમાં નોંધ લઈએ.

જર્મનીમાં 1809માં બર્લિન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. આ યુનિવર્સિટી દ્વારા જર્મનીને યુનિવર્સિટીઓની સ્વતંત્રતા અને સ્વાયત્તતાની પરંપરા સાંપડી. એ એક ઉપયોગી અને આકર્ષક પરંપરા પુરવાર થઈ છે. કેવળ જર્મનીમાં જ નહિ, અન્ય દેશોમાં પણ એ પરંપરા પ્રસરી છે. જર્મનીમાં આ શૈક્ષણિક સ્વતંત્રતાનાં ત્રણ પાસાં હતાં.

(1) શાસનની સ્વાયત્તતા : યુનિવર્સિટી તેના આંતરિક શાસનમાં પૂર્ણ સ્વાયત્તતા ભોગવતી થઈ. એ શાસન યુનિવર્સિટીના પૂર્ણ સમયના પ્રોફેસરના હાથમાં હતું. પ્રોફેસર થવા માટે વ્યાખ્યાતાથી શરૂઆત કરવી પડતી હતી. એ માટે તેમને કોઈ વેતન ચૂકવવામાં આવતું ન હતું. તેમની પાસે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફીમાંથી તેમને વળતર ચૂકવવામાં આવતું. વ્યાખ્યાતા તરીકે કામ કરવા માટેનો પરવાનો યુનિવર્સિટી પાસેથી મેળવવો પડતો. આમ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે કોણ પ્રવેશી શકે તે નક્કી કરવાનો અધિકાર પ્રોફેસરો ભોગવતા હતા. શરૂઆતમાં વેતન વિના જ કામ કરવાનું હોવાથી કેવળ શ્રીમંત કુટુંબોમાંથી આવતા યુવાનોને જ આ કારકિર્દી પરવડતી. અલબત્ત, યુનિવર્સિટીઓને નાણાં માટે સરકાર પર આધાર રાખવો પડતો અને એ માર્ગે સરકાર તેમના પર અંકુશ રાખી શકતી.

(2) શિક્ષણ આપવાની સ્વતંત્રતા : આ સ્વતંત્રતા પ્રોફેસરો અને વ્યાખ્યાતાઓને હતી. તેઓ તેમને યોગ્ય લાગે તે શીખવી શકે. એ કેવી રીતે શીખવવું તે પણ અધ્યાપક પોતે જ નક્કી કરે. ઓગણીસમી સદીનાં આરંભનાં વર્ષોમાં હજી ચર્ચ યુનિવર્સિટીઓમાં શું શીખવવું તે નક્કી કરવાનો અધિકાર ભોગવતું હતું તેના સંદર્ભમાં જર્મનીમાં અધ્યાપકોને મળેલી આ સ્વતંત્રતા મહત્વપૂર્ણ પ્રગતિ દર્શાવતી હતી. અલબત્ત, એનો ઉપયોગ મોટા ગજાના અધ્યાપકો જ કરી શકતા. મોટાભાગના અધ્યાપકોને વળતર ફીમાંથી મેળવવાનું હોવાથી તેઓ લોકપ્રિય વિષયોનું જ શિક્ષણ આપતા.

(3) શીખવાની સ્વતંત્રતા : જર્મનીમાં પડેલી પરંપરાની એ એક આગવી લાક્ષણિકતા હતી. આ પ્રથામાં વિદ્યાર્થીને પોતાનો અભ્યાસક્રમ પસંદ કરવાની સ્વતંત્રતા હતી. અલબત્ત, સાચા અર્થમાં એ સ્વતંત્રતા જર્મનીનો વિદ્યાર્થી ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં જ ભોગવી શકેલો. આ સ્વતંત્રતા નીચે વિદ્યાર્થીને એક યુનિવર્સિટી છોડીને બીજી યુનિવર્સિટીમાં જવાનો પણ અધિકાર હતો. જોકે પદવી મેળવવા માટે તેને અંતિમ પરીક્ષામાં પોતાની પાત્રતા સિદ્ધ કરવી પડતી. એ અંતિમ પરીક્ષા તે ઇચ્છે ત્યારે અને ઇચ્છે તે યુનિવર્સિટીમાં આપવા માટે મુક્ત હતો.

સંશોધન દ્વારા જ્ઞાનનો વિસ્તાર કરવો તે યુનિવર્સિટીનું એક કાર્ય છે એ વાતની યાદ જર્મનીની યુનિવર્સિટી-પરંપરાએ યુરોપને આપી. તેમાં કેટલીક વિકૃતિઓ પણ આવી ગઈ. ઘણા દાખલાઓમાં સંશોધનો હકીકતો કે વિગતો એકઠી કરવામાં સમાપ્ત થઈ જતાં હતાં તેમાંથી અર્થ શોધવાનો પ્રયાસ કરવામાં આવતો ન હતો.

ઓગણીસમી સદીનાં આરંભનાં વર્ષોમાં જર્મનીમાં ઘણાં નગરોમાં ‘ટ્રેડ સ્કૂલ્સ’ની સ્થાપના થઈ. તેમાંથી સમય જતાં પૉલિટૅક્નિક અસ્તિત્વમાં આવ્યાં. એ વિકાસ કદાચ ફ્રાંસને અનુસરીને સધાયેલો. આના આધાર પર યુનિવર્સિટીમાં ઇજનેરી વિદ્યાશાખા ઉમેરવાનું સરળ હતું; પરંતુ યુનિવર્સિટીના આદર્શવાદી સ્વરૂપમાં એ અસ્વીકાર્ય હતું. ટેક્નૉલૉજીની સંસ્થાઓ પોતાની રીતે જ આગળ વધી અને 1865માં ટેક્નૉલૉજીની એક સંસ્થાને યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો. એ પછી યુનિવર્સિટીઓએ પોતાના આદર્શને ત્યજી દીધો અને ટેક્નૉલૉજીને અપનાવી લીધી, પરંતુ ‘લિબરલ આર્ટ્સ’ના વિષયો સાથે ટેક્નૉલૉજીને સાંકળવાના પ્રયાસો સફળ ન રહ્યા અને બંને શાખાઓ પોતપોતાની રીતે આગળ વધી.

ઓગણીસમી સદીમાં જર્મનીમાં સાચા અર્થમાં કૉર્પોરેશનના સ્વરૂપમાં યુનિવર્સિટીઓ સ્થપાઈ. સૈદ્ધાંતિક રીતે તે તદ્દન સ્વતંત્ર હતી. તેમના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ શાસ્ત્રીય અધ્યયન(pure learning)માં રોકાયેલા હતા. એ યુનિવર્સિટીઓ સાચા અર્થમાં અધ્યયન અને સંશોધનનાં કેન્દ્રો હતી. અમેરિકા સહિતના પશ્ચિમના દેશોની બધી યુનિવર્સિટીઓ માટે જર્મનીની યુનિવર્સિટીઓ એક આદર્શ બની રહી.

ફ્રાંસમાં ક્રાંતિ પછી જે નવા સ્વરૂપે ઉચ્ચ શિક્ષણને ગોઠવવામાં આવ્યું તે વહીવટી રીતે જર્મનીથી સામે છેડે હતું. અઢારમી સદીના અંત ભાગમાં યુનિવર્સિટીઓને જ નાબૂદ કરવામાં આવી. તેના વિકલ્પે પૅરિસ ખાતે ઉચ્ચ શિક્ષણ માટે એક નવી કેન્દ્રીય સંસ્થા સ્થાપવામાં આવી. તેને ઇમ્પિરિયલ યુનિવર્સિટી કહેવામાં આવી. પ્રાંતોમાં તે પોતાની એકૅડેમી (કૉલેજ) દ્વારા કાર્ય કરતી હતી. શિક્ષણનો સંપૂર્ણ ઇજારો તેને આપવામાં આવ્યો. એનો અર્થ એવો થતો હતો કે ઇમ્પિરિયલ કૉલેજના સભ્ય થયા વિના કોઈ શિક્ષણસંસ્થા સ્થાપી શકે નહિ કે લોકોને શીખવી શકે નહિ. એ જ રીતે ઇમ્પિરિયલ યુનિવર્સિટીની કોઈ વિદ્યાશાખામાંથી ડિગ્રી મેળવ્યા વિના કોઈ અધ્યાપન કરી શકે નહિ. ફ્રાંસ માટે આ પ્રકારનું કેન્દ્રીકરણ કોઈ નવી વાત ન હતી. ઇમ્પિરિયલ યુનિવર્સિટીઓનું નામ બદલીને યુનિવર્સિટી ઑવ્ ફ્રાંસ કરવામાં આવેલું. એ પછી નામ બદલીને જાહેર શિક્ષણ માટેનું ખાતું (Ministry of Public Instruction) એવું રાખવામાં આવ્યું.

ફ્રાંસમાં કોઈ સ્વતંત્ર યુનિવર્સિટી નહોતી. તેના વિકલ્પે દરેક વિષય કે વિદ્યાશાખાના પ્રોફેસર જિલ્લાઓમાં આવેલી અકાદમીઓમાં શીખવતા હતા. જિલ્લાનાં કેન્દ્રોમાં બધા વિષયો શીખવાતા નહોતા અને બીજી બાજુ પૅરિસની પ્રતિષ્ઠા ખૂબ હતી. તેથી વિદ્યાર્થીઓ પૅરિસ જવાનું પસંદ કરતા. ફ્રાંસમાં યુનિવર્સિટીની સ્વતંત્રતાનો પ્રશ્ન જ ઊભો થતો નહોતો. યુનિવર્સિટી અને શિક્ષણખાતું એક જ હતાં. આમ છતાં શું શીખવવું અને કેવી રીતે શીખવવું એને અંગેની ફ્રાંસના અધ્યાપકોની સ્વતંત્રતા, જર્મનીના અધ્યાપકો કરતાં ઓછી ન હતી; કેમ કે, ફ્રાંસમાં અધ્યાપકો પર રાજકીય-સામાજિક દબાણ જર્મનીની તુલનામાં વધારે ન હતું. ખાસ કરીને ફ્રાંસની એક સંસ્થા કૉલેજ દ ફ્રાંસે શિક્ષણ અને સંશોધનની બાબતમાં તેની સ્વતંત્રતા બરાબર જાળવી રાખી હતી.

જર્મનીની જેમ ફ્રાંસમાં પણ ટેક્નૉલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટીની ફૅકલ્ટીનો ભાગ નહોતાં બન્યાં. જેમને જરૂર હતી એવાં સરકારી ખાતાંઓએ એ સંસ્થાઓ સ્થાપેલી અને તેમનો વહીવટ પણ એ ખાતાંઓ દ્વારા જ કરવામાં આવતો. 1875-80ના ગાળામાં મધ્યવર્તી અંકુશો ઘટાડવામાં આવ્યા. યુનિવર્સિટીના સ્તરની સ્વતંત્ર સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી, પરંતુ તેમને યુનિવર્સિટીનું નામ ધારણ કરવાની અને ડિગ્રી આપવાની છૂટ નહોતી. તેમના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની ‘ફૅકલ્ટી’ દ્વારા યોજાતી જાહેર પરીક્ષામાં બેસવાની છૂટ હતી. એ માર્ગે ‘મિનિસ્ટર ઑવ્ પબ્લિક ઇન્સ્ટ્રક્શન’ પાસેથી વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવી શકતા. ઓગણીસમી સદીના અંત ભાગમાં પ્રદેશવાદીઓના દબાણ નીચે પ્રત્યેક જિલ્લાની એકૅડેમીને યુનિવર્સિટી બનાવવામાં આવી, જોકે એ પ્રાદેશિક યુનિવર્સિટીઓ કેન્દ્રીય વ્યવસ્થાનો ભાગ જ રહી. એ પ્રાદેશિક યુનિવર્સિટીઓને જર્મની, ઇંગ્લૅન્ડ કે અમેરિકાની યુનિવર્સિટીઓની તુલનામાં ઓછી શૈક્ષણિક સ્વતંત્રતા હતી.

જર્મની અને ફ્રાંસની તુલનામાં ઇંગ્લૅન્ડમાં યુનિવર્સિટીના ક્ષેત્રે સુધારાની ગતિ ધીમી હતી. 1832 સુધી યુનિવર્સિટીઓની સંખ્યા બે જ રહી હતી. ફ્રાંસ અને જર્મનીની તુલનામાં ઇંગ્લૅન્ડની સમસ્યાનું સ્વરૂપ થોડું જુદું હતું. ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ નિવાસી કૉલેજોની બનેલી હતી. ચૌદમી-પંદરમી સદી દરમિયાન એ બે યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને કૅમ્પસ પર જ રાખવા માટે છાત્રાલયો (હૉલ) બાંધવામાં આવેલાં. છાત્રાલયોમાં રહેતા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે ખાનગી રાહે ટ્યૂટરોની વ્યવસ્થા કરવામાં આવેલી. તેમાંથી એ બે યુનિવર્સિટીઓમાં કૉલેજપ્રથા ઉદ્ભવી અને દૃઢ બની. એ બે યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ-ટ્યૂટરોની વફાદારી યુનિવર્સિટીની તુલનામાં કૉલેજો માટે વધારે હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી જે દાનો મળતાં હતાં તે કૉલેજોને મળતાં હતાં. તેથી કૉલેજો સમૃદ્ધ હતી. આને કારણે 1922 સુધી સરકારની કશી સહાય વિના કૉલેજો-યુનિવર્સિટીઓ ચાલી શકી હતી. બધી સત્તાઓ છેવટે કૉલેજોના વડાઓ પાસે હતી. ઇંગ્લૅન્ડમાં સરકાર ખાનગી અને સ્વનિર્ભર કૉર્પોરેશનોની બાબતમાં હસ્તક્ષેપ કરતી જ ન હતી. અહીં તો યુનિવર્સિટી પણ કૉલેજો પર કોઈ અંકુશ ધરાવતી ન હતી. આ સ્થિતિમાં વ્યક્તિગત કૉલેજને સુધારવાનો પ્રશ્ન હતો.

ઓગણીસમી સદી દરમિયાન ઇંગ્લૅન્ડમાં યુનિવર્સિટીઓના ક્ષેત્રે જે પરિવર્તનો આવ્યાં તેની ટૂંકમાં નોંધ લઈએ. અઢારમી સદીના અંત ભાગમાં મૌખિક પરીક્ષાના સ્થાને લેખિત પરીક્ષાની પ્રથા દાખલ કરવામાં આવી. સ્નાતકની પદવી (બેચરલ ડિગ્રી) માટે એ પરીક્ષા લેવામાં આવતી હતી. એ નોંધવું જોઈએ કે યુરોપના અન્ય દેશોમાં એ સ્તરે (હાઈસ્કૂલમાં) પહોંચેલા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ અપાતો. ઇંગ્લૅન્ડની એ કૉલેજોમાં ઉચ્ચતર માધ્યમિક સ્તરનું શિક્ષણ અપાતું. અભ્યાસના વિષયોમાં મુખ્યત્વે શિષ્ટગ્રંથો (ક્લાસિક્સ) અને ગણિતનો સમાવેશ થતો હતો. 1840 પછી અભ્યાસ માટેના નવા વિષયો ઉમેરવામાં આવ્યા, જોકે એ વિષયો પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અલ્પ રહેતી. નવા વિષયોમાં આધુનિક ઇતિહાસ, વનસ્પતિશાસ્ત્ર, અરબી, સંસ્કૃત વગેરેનો સમાવેશ થતો હતો. અહીં એ ઉમેરવું જોઈએ કે યુરોપના અન્ય દેશોમાં યુનિવર્સિટીઓ અનુસ્નાતક સ્તરના શિક્ષણને પોતાનું કાર્યક્ષેત્ર સમજતી હતી, જ્યારે ઇંગ્લૅન્ડમાં તેનું અસ્તિત્વ જ નહોતું.

ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં ઇંગ્લૅન્ડમાં બે નવી યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી. તેમાં 1837માં સ્થપાયેલી લંડન યુનિવર્સિટી ભારતના સંદર્ભમાં નોંધપાત્ર છે; કેમ કે, ભારતમાં યુનિવર્સિટીઓને લંડન યુનિવર્સિટીના મૉડલ પર રચવામાં આવેલી છે. લંડનને દુનિયાની એક અત્યંત વિચિત્ર યુનિવર્સિટી ગણવામાં આવેલી. એ યુનિવર્સિટી પોતે શિક્ષણ કે સંશોધનનું કોઈ કાર્ય કરતી ન હતી. તેને પરીક્ષા લઈને ડિગ્રી આપવા સિવાય કશી સત્તા ન હતી. લંડન યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી પરીક્ષા કોઈ પણ વિદ્યાર્થી આપી શકતો. એવા વિદ્યાર્થીઓ બહારના (external) વિદ્યાર્થીઓ તરીકે ઓળખાતા. આની સાથે લંડનની જે બે કૉલેજો લંડન યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી તેના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપીને ડિગ્રી મેળવતા.

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ઑક્સફર્ડ અને કેમ્બ્રિજને સુધારવા માટેનાં પગલાં ભરવામાં આવ્યાં. એ માટે નીમવામાં આવેલા રૉયલ કમિશનની ભલામણોના આધાર પર ઑક્સફર્ડ માટે 1854માં અને કેમ્બ્રિજ માટે 1856માં કાયદા કરવામાં આવ્યા. એ કાયદા દ્વારા કૉલેજોના અધ્યક્ષોની સત્તા ઘટાડવામાં આવી, કૉલેજો પરના ચર્ચના આધિપત્યને દૂર કરવામાં આવ્યું, યુનિવર્સિટીના પ્રોફેસરોની સંખ્યા અને સત્તા વધારવામાં આવી; પરંતુ કૉલેજપ્રથામાં કોઈ પાયાનાં પરિવર્તનો કરવામાં આવ્યાં નહિ. રૉયલ કમિશનને એમ લાગેલું કે ઇંગ્લૅન્ડની કૉલેજપ્રથા મૂલ્યવાન છે. કૉલેજપ્રથામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો (ફેલો) સાથે જ રહેતા હતા. તેમનો પારસ્પરિક વિદ્યાકીય સંપર્ક ફળદાયી નીવડતો. કૉલેજો જ્યારે ભ્રષ્ટાચારથી ખદબદતી હતી ત્યારે ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ દુનિયાની બદતર યુનિવર્સિટીઓ હતી. કૉલેજો જ્યારે સારા જીવન અને વૈચારિક પ્રગતિનાં કેન્દ્રો બની ત્યારે તેમને દુનિયાની ઉત્તમ યુનિવર્સિટીઓ ગણવામાં આવી.

ઇંગ્લૅન્ડની જૂની યુનિવર્સિટીઓમાં વિજ્ઞાનોના ગંભીર અભ્યાસને 1865થી 1880ના ગાળામાં સ્થાન મળ્યું. અલબત્ત, ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીના પ્રથમ દસકા દરમિયાન માન્ચેસ્ટર, લીડ્ઝ, લીવરપૂલ આદિ જે યુનિવર્સિટીઓ સ્થપાઈ તેમાં આરંભથી જ વિવિધ વિજ્ઞાનોના અભ્યાસને સ્થાન આપવામાં આવ્યું હતું. નવી સ્થપાયેલી યુનિવર્સિટીઓ પૈકી મોટાભાગની બિનનિવાસી હતી.

યુનિવર્સિટીઓ અમેરિકાની પરંપરા : સમગ્ર અઢારમી સદી દરમિયાન અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ કૉલેજો દ્વારા જ અપાયું હતું. અમેરિકામાં હાર્વર્ડ કૉલેજની સ્થાપના 1636માં અને યેલ કૉલેજની સ્થાપના 1701માં થયેલી. લગભગ બધી જ કૉલેજો ખ્રિસ્તી સાંપ્રદાયિક સંગઠનો દ્વારા સ્થાપવામાં આવી હતી. કૉલેજો અંગેની વહીવટી સત્તા સંચાલકમંડળો પાસે હતી, જે કૉલેજથી દૂર રહીને સંચાલન કરતાં હતાં; પરંતુ શૈક્ષણિક બાબતોમાં કૉલેજો ઘણી સ્વાયત્તતા ભોગવતી હતી. અમેરિકાનાં જે રાજ્યોમાં કૉલેજો સ્થાપવામાં આવી ન હતી એ રાજ્યોમાં ‘સ્ટેટ યુનિવર્સિટી’ઓ તરીકે ઓળખાતી યુનિવર્સિટીઓની રચના કરવામાં આવી હતી. જ્યૉર્જિયા, નૉર્થ કેરોલિના, વર્મોન્ટ વગેરે તેનાં ઉદાહરણો છે. એ બધી યુનિવર્સિટીઓ 1800 પહેલાં સ્થપાયેલી. અમેરિકામાં ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં કૉલેજો-યુનિવર્સિટીઓમાં માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક સ્તરનું શિક્ષણ આપવામાં આવતું હતું. 1860 સુધી વિદ્યાર્થીઓને આગલા દિવસે શીખવવામાં આવેલો પાઠ મોઢે બોલી જવાનું કહેવામાં આવતું હતું. અધ્યાપકોની ફરિયાદ એ હતી કે એને કારણે તેમને બીજું વિદ્યાકીય કામ કરવાનો સમય મળતો ન હતો.

અમેરિકામાં 1862માં કરવામાં આવેલા એક કાયદા (The Morrill Act) દ્વારા જમીનના અનુદાન દ્વારા આરંભમાં કૉલેજોની સ્થાપના કરવામાં આવી, જે સમય જતાં યુનિવર્સિટીઓમાં રૂપાંતર પામી. એ સંસ્થાઓ લૅન્ડ ગ્રાન્ટ કૉલેજો/યુનિવર્સિટીઓ તરીકે ઓળખાઈ. એ કૉલેજોની સ્થાપના ખેતી અને યાંત્રિક વિદ્યાઓ(મિકેનિકલ આર્ટ્સ)ના શિક્ષણ માટે કરવામાં આવી હતી. એમાંથી ખેતી, ઇજનેરી અને બીજા એ પ્રકારનાં વ્યવહારોપયોગી શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન સાંપડ્યું. આને પરિણામે અમેરિકાનું ઉચ્ચ કે યુનિવર્સિટી-શિક્ષણ વધારે ખુલ્લું બન્યું, એટલે કે યુરોપના દેશોની તુલનામાં અમેરિકામાં વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીઓમાં પ્રવેશતા થયા. અમેરિકાની યુનિવર્સિટીઓમાં અપાતું શિક્ષણ વધુ વ્યવહારાભિમુખ અને વૈવિધ્યપૂર્ણ પણ બન્યું. અમેરિકાની જૂની યુનિવર્સિટીઓએ પણ આ લક્ષણો અપનાવી લીધાં.

ઓગણીસમી સદીના આરંભમાં અમેરિકાની યુનિવર્સિટીઓએ જર્મનીનું અનુકરણ કર્યું. તેણે શૈક્ષણિક સ્વાયત્તતાનો સ્વીકાર કર્યો. એના એક ભાગ રૂપે શીખવાની સ્વાયત્તતા વિદ્યાર્થીઓને તેના અભ્યાસક્રમો પસંદ કરવાની છૂટના સ્વરૂપે આપવામાં આવી, જે free elective system તરીકે ઓળખાય છે. જ્ઞાનની વૃદ્ધિની સાથે એ અભ્યાસક્રમોની સંખ્યામાં મોટો વધારો થયો. જર્મનીમાં અનુસ્નાતક શિક્ષણ અને સંશોધન પર ભાર મૂકવામાં આવ્યો હતો. અમેરિકામાં 1876માં જ્હૉન હોપકિન્સ યુનિવર્સિટીની સ્થાપના દ્વારા એ દિશામાં પહેલ કરવામાં આવી.

આજે અમેરિકાની યુનિવર્સિટીઓ ત્રણ સ્તરે ચાલે છે : (1) બહુ ઓછા વિશેષીકરણ સાથેની સ્નાતક પદવી આપતી કૉલેજોના સ્વરૂપે – જે યુરોપમાં છે જ નહિ. (2) વ્યાવસાયિક તાલીમ આપતી યુનિવર્સિટીઓના રૂપે  તેમાં કાનૂની શિક્ષણ, તબીબી શિક્ષણ, ધંધાના સંચાલનનું શિક્ષણ વગેરે આપવામાં આવે છે અને એ અભ્યાસના અંતે વિદ્યાર્થીઓને અનુસ્નાતક ડિગ્રી (M.D., MBA) આપવામાં આવે છે. (3) યુરોપની તુલનામાં ઘણાં વધારે ક્ષેત્રોમાં સંશોધનો (Ph.D.) માટેની તાલીમ-અભ્યાસક્રમો આપતી કેટલીક યુનિવર્સિટીઓ છે, જ્યાં કેવળ અનુસ્નાતક કક્ષાનું જ કામ થાય છે.

પશ્ચિમના દેશોમાં ઓગણીસમી સદીના અંતે યુનિવર્સિટીઓમાં જે કેટલીક લાક્ષણિકતાઓ સમાન રીતે જોવા મળતી હતી તે આ પ્રમાણે હતી : શિક્ષણ ચર્ચના અંકુશથી મુક્ત બન્યું હતું અને એ અર્થમાં પણ તે બિનસાંપ્રદાયિક બન્યું. વંશપરંપરાગત ધોરણે યુનિવર્સિટીમાં અધ્યાપકની જગા મેળવવાની પ્રથાનો અંત આવ્યો. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ વચ્ચે સ્પષ્ટ ભેદ પાડવામાં આવ્યો. આધુનિક વિજ્ઞાનો, માનવવિદ્યાઓ તથા સામાજિક વિજ્ઞાનોને અભ્યાસક્રમોના કેન્દ્રમાં મૂકવામાં આવ્યાં. ટેક્નૉલૉજીના વિષયોને યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો. વીસમી સદીમાં આ બધી લાક્ષણિકતાઓ ધરાવતી યુનિવર્સિટી-પરંપરા મોટા પ્રમાણમાં વિસ્તરી છે. આજે દુનિયામાં અપવાદરૂપ દેશોને બાદ કરતાં બધા જ દેશોમાં વત્તીઓછી સંખ્યામાં યુનિવર્સિટીઓ જોવા મળે છે, જોકે પ્રત્યેક દેશમાં તેની આગવી રાજકીય-સામાજિક પરંપરાઓનો પ્રભાવ યુનિવર્સિટીના સ્વરૂપ પર પડ્યો છે. આને કારણે યુનિવર્સિટીના નામે ઓળખાતાં શૈક્ષણિક સંગઠનોમાં અપાર વૈવિધ્ય માલૂમ પડે છે.

યુનિવર્સિટીઓ ભારતમાં : પશ્ચિમના દેશોમાં યુનિવર્સિટીઓ દ્વારા જે સ્વરૂપની શૈક્ષણિક કામગીરી અઢારમી સદીના અંત સુધી કરવામાં આવતી હતી તેને નજર સમક્ષ રાખીએ અને તેમના આગવા કૉર્પોરેટ સ્વરૂપ પરત્વે દુર્લક્ષ સેવીએ તો એમ કહી શકાય કે ભારતમાં યુનિવર્સિટીની, એટલે કે ભારતીય પરિભાષામાં વિદ્યાપીઠોની પરંપરા સદીઓ જૂની હતી; દા.ત., તક્ષશિલાનો સમયગાળો ઈ.પૂ. 800થી ઈ. સ. 400નો નોંધવામાં આવ્યો છે. ચીની નાગરિક હ્યુ એન સંગે બિહારમાં નાલંદાની મુલાકાત સાતમી સદીમાં લીધી હતી. ગુજરાતમાં વલભી વિદ્યાપીઠ ઈ. સ. 450થી 750 દરમિયાન કાર્યરત હોવાના ઉલ્લેખો મળે છે. ભારતમાં આ પ્રકારની સંગઠિત, મોટી અને પ્રસિદ્ધ વિદ્યાપીઠોની સાથે એક પ્રકારની અનૌપચારિક (informal) સ્વરૂપની વિદ્યાપીઠો પણ કાર્ય કરતી હતી. આ પરંપરામાં પંડિત કે આચાર્ય જેવા નામે ઓળખાતા વિદ્વાનો વિદ્યાર્થીઓને તેમના પોતાના ઘેર રાખીને શાસ્ત્રોનું અધ્યયન કરાવતા હતા. એ શાસ્ત્રો સંસ્કૃતમાં લખાયેલાં હતાં. એમાં એ અભિપ્રેત હતું કે વિદ્યાર્થી આચાર્ય પાસે જાય એ પૂર્વે તેણે સંસ્કૃતનું પ્રાથમિક જ્ઞાન મેળવી લીધેલું હોય. એ પરંપરામાં વેદાદિ જે ગ્રંથોનું અધ્યયન કરાવવામાં આવતું તેમાં તેમને કંઠસ્થ કરવા ઉપર કદાચ વિશેષ ભાર મૂકવામાં આવતો હતો.

ભારતની પ્રાચીન વિદ્યાપીઠોની બાબતમાં જે વિગતો સાંપડે છે તેના આધારે એ પરંપરાનાં કેટલાંક પાસાંને વર્ણવી શકાય. પશ્ચિમના ખ્રિસ્તી દેશોની જેમ ભારતમાં ચર્ચના સ્વરૂપમાં કોઈ સાંપ્રદાયિક સંગઠન ન હોવાથી ભારતની વિદ્યાપીઠો પર પોપની જેમ કોઈ મઠાધીશનો અંકુશ ન હતો. પશ્ચિમના દેશોમાં યુનિવર્સિટીને રાજ્ય તરફથી સનદ આપવામાં આવતી હતી. ભારતમાં વિદ્યાપીઠો માટે આવી કોઈ સનદનો પ્રશ્ન જ ઊભો થતો નહોતો. આ બાબતમાં ભારતીય પરંપરા કંઈક જુદી હતી. રાજા વિદ્વાનોનો આદર કરતો હોઈ, વિદ્વાનો માટે રાજા પાસેથી સનદ મેળવવાનો પ્રશ્ન ન હતો. આ અર્થમાં ભારતની પ્રાચીન વિદ્યાપીઠો રાજ્યના અંકુશથી પણ મુક્ત હતી. આમ છતાં રાજાઓ તેમજ શ્રેષ્ઠીઓ તરફથી એ વિદ્યાપીઠોને સહાય મળતી હતી. પશ્ચિમના દેશોમાં ઓછામાં ઓછું અઢારમી સદી સુધી યુનિવર્સિટીઓને રાજ્ય તરફથી વિત્તીય સહાય સાંપડતી ન હતી.

ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં વેદ, પુરાણ, બૌદ્ધ ગ્રંથો વગેરે શાસ્ત્રોના અધ્યાપનની સાથે વ્યવહારોપયોગી વિદ્યાઓનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. દા.ત., તક્ષશિલામાં સર્પદંશવિદ્યા, યુદ્ધકલા, આયુર્વેદ, હસ્તિશિક્ષા, મૂર્તિકલા વગેરેનું શિક્ષણ અપાતું. એ જ રીતે નાલંદામાં વ્યાકરણ, સાહિત્ય, તર્કશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું. વલભી વિદ્યાપીઠમાં ગણિત, વ્યાકરણ, વ્યુત્પત્તિશાસ્ત્ર, શબ્દકોશશાસ્ત્ર (નિઘંટુ), આયુધાભ્યાસ, આગમ, વેદ, નૃત્ય, વાદ્ય વગેરેનું અધ્યાપન થતું હોવાના ઉલ્લેખો મળે છે. તક્ષશિલા, નાલંદા, વલભી જેવી મોટી વિદ્યાપીઠોમાં શીખવાતા વિષયોની યાદી જોવાથી એક મુદ્દો ધ્યાનમાં આવે છે. એ વિદ્યાપીઠોમાં કેટલાક વિષયો બૌદ્ધ ભિક્ષુઓ અને બ્રાહ્મણોની વિશિષ્ટ જરૂરિયાત ધ્યાનમાં રાખીને, જ્યારે અન્ય વિષયો વિદ્યાર્થીની ભાવિ વ્યાવસાયિક કારકિર્દીને તેમજ સમાજની જરૂરિયાતને નજર સમક્ષ રાખીને શીખવાતા. પશ્ચિમની યુનિવર્સિટીઓની જેમ ભારતની વિદ્યાપીઠોમાં વ્યવહારોપયોગી વિદ્યાઓની તાલીમને કાર્યક્ષેત્ર બહારની ગણવામાં આવી ન હતી.

ભારતની કેટલીક પ્રાચીન વિદ્યાપીઠો ખૂબ મોટી અને સાધનસંપન્ન હોવાની નોંધ ચીનના પ્રવાસીઓએ લીધી હતી, ઈ.સ.ની સાતમી સદીમાં નાલંદામાં 10,000 જેટલા ભિક્ષુઓ હોવાનું નોંધવામાં આવ્યું છે. એ એક નિવાસી સ્વરૂપની વિદ્યાપીઠ હતી. તેનો અર્થ એવો થાય કે એ બધા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે નિવાસોની સગવડ કરવામાં આવેલી હશે. નાલંદામાં ત્રણ મોટાં ગ્રંથાલયો – રત્નસાગર, રત્નોદધિ અને રત્નરંજક છ છ મજલાની ઇમારતો ધરાવતાં હતાં. આ જ પ્રકારના વૈભવની વાત વલભી અને અન્ય કેટલીક વિદ્યાપીઠોની બાબતમાં કરવામાં આવી છે. જે તે વિદ્યાપીઠની ખૂબ લાંબી પરંપરા અને પ્રતિષ્ઠા હોય તો જ આવા મોટા કદની વિદ્યાપીઠો રચી શકાય અને નિભાવી શકાય.

ભારતમાં આધુનિક યુનિવર્સિટીઓનો આરંભ 1857માં મુંબઈ, કલકત્તા (કોલકાતા) અને મદ્રાસ (ચેન્નાઈ) યુનિવર્સિટીઓની સ્થાપનાથી થયો. આ યુનિવર્સિટીઓની સ્થાપના થઈ તેની પૂર્વેના સાત દસકાઓ દરમિયાન દેશમાં કૉલેજના નામે ઓળખાતી શિક્ષણસંસ્થાઓ સ્થપાઈ ચૂકી હતી. 1857ના વર્ષમાં દેશમાં આર્ટ્સના કહી શકાય એવા વિષયોનું શિક્ષણ આપતી 23 કૉલેજો હતી, તબીબી શિક્ષણની ત્રણ અને ઇજનેરી (સિવિલ) શિક્ષણની એક કૉલેજ હતી. તબીબી અને ઇજનેરી કૉલેજો સરકાર દ્વારા સ્થાપવામાં આવી હતી, સામાન્ય શિક્ષણની 23 કૉલેજો પૈકી 14 સરકારી કૉલેજો હતી અને નવ મિશનરીઓ દ્વારા ચલાવાતી કૉલેજો હતી. પશ્ચિમના જ્ઞાનનું શિક્ષણ આપતી કૉલેજોનો આરંભ મિશનરીઓએ કરેલો અને સરકારે એમને અનુસરીને આધુનિક કૉલેજો સ્થાપી હતી. સંપૂર્ણપણે ભારતીયો દ્વારા સ્થાપિત એકમાત્ર કૉલેજ, હિંદુ વિદ્યાલય ઑવ્ કલકત્તા હતી, જેને 1854માં પ્રેસિડેન્સી કૉલેજમાં સમાવી લેવામાં આવી હતી. તેથી 1857માં જ્યારે યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી ત્યારે દેશમાં હિંદીઓ દ્વારા સંચાલિત એક પણ કૉલેજ ન હતી. જોકે કેટલીક કૉલેજોની સ્થાપના માટે હિંદીઓએ મોટાં દાનો આપ્યાં હતાં. મુંબઈમાં એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટ તથા દિલ્હી અને આગ્રાની કૉલેજો એવાં દાનથી સ્થપાયેલી. આ કૉલેજોનું કામ શાળાની સાથે જ ચાલતું, જ્યાં અંગ્રેજીના મૂળાક્ષરો શીખવવામાં આવતા હતા ત્યાં શેક્સપિયર પણ ભણાવાતો.

ભારતમાં 1857માં જે સ્વરૂપની યુનિવર્સિટી અવતરી એ સ્વરૂપને સમજવા માટે તત્કાલીન કૉલેજોની સ્થિતિને નજર સમક્ષ રાખવી આવશ્યક છે. એ કૉલેજો શૈક્ષણિક સ્વતંત્રતા ભોગવી શકે એવી ક્ષમતા એ વખતે ધરાવતી ન હતી. તેથી એમાંની કોઈ કૉલેજનું યુનિવર્સિટીમાં રૂપાંતર કરવાનું વિચારાયું નહિ; પરંતુ તેને પરિણામે અમેરિકામાં જે રીતે હાર્વર્ડ અને યેલ જેવી કૉલેજો વિકસીને યુનિવર્સિટીમાં રૂપાંતર પામી એ રીતે ભારતમાં યુનિવર્સિટી સર્જવાનો વિકલ્પ કાયમ માટે દૂર થયો. આ બાબતમાં ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં લંડનનું અનુકરણ કરવામાં આવ્યું. લંડનમાં એ સમયે બે કૉલેજો કાર્યરત હતી, પરંતુ તેમને યુનિવર્સિટીનો દરજ્જો આપવાને બદલે યુનિવર્સિટી ઑવ્ લંડનના નામે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી, જે કેવળ પરીક્ષા લઈને પદવી આપતું તંત્ર હતું. એ બાબતમાં ફ્રાંસનું અનુકરણ કરવામાં આવેલું. ફ્રાંસમાં સરકારી રાહે એક જાહેર પરીક્ષા યોજવામાં આવતી હતી, જેમાં ઉત્તીર્ણ થનારને પદવી આપવામાં આવતી હતી. સરકાર એ પદવીનો ઉપયોગ પોતાના કર્મચારીઓની પસંદગી કરવા માટે કરતી હતી. ઇંગ્લૅન્ડમાં લંડન યુનિવર્સિટીની સ્થાપના દ્વારા એ જ હેતુ પાર પાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.

ભારતમાં 1857માં લંડન યુનિવર્સિટીના મૉડલ પર જે ત્રણ યુનિવર્સિટીઓની રચના કરવામાં આવી તેનો પણ એ જ ઉદ્દેશ હતો. એ ત્રણ યુનિવર્સિટીઓના કાયદાના આમુખમાં યુનિવર્સિટીઓની સ્થાપનાનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં જણાવવામાં આવ્યું હતું કે વ્યક્તિએ સાહિત્ય, વિજ્ઞાન અને આર્ટ્સની શાખાઓમાં પ્રાપ્ત કરેલી તજ્જ્ઞતાને પરીક્ષા દ્વારા તપાસીને તેણે પ્રાપ્ત કરેલી સિદ્ધિને અનુરૂપ શૈક્ષણિક પદવી (ડિગ્રી) આપવી અને આ કાર્ય માટે યુનિવર્સિટીને કૉર્પોરેટ સ્વરૂપ આપવું. આમ, લંડન યુનિવર્સિટીની જેમ ભારતમાં પણ પરીક્ષા લેતા તંત્ર તરીકે યુનિવર્સિટીની રચના કરવામાં આવી હતી. એ કૉર્પોરેટ-સ્વરૂપ ધરાવતી હતી, પણ એ કૉર્પોરેશન વહીવટદારોનું હતું, અધ્યાપકો અને વિદ્યાર્થીઓનું નહોતું અને આજે પણ નથી. યુનિવર્સિટી પ્રત્યક્ષ રીતે શિક્ષણ અને સંશોધનની કામગીરી હાથ ધરે એવી જોગવાઈ જ રાખવામાં આવી ન હતી. અલબત્ત, એ પછીનાં વર્ષોમાં યુનિવર્સિટીઓને હસ્તક અનુસ્નાતક શિક્ષણ-સંશોધનના વિભાગો ખોલવામાં આવ્યા છે, પરંતુ એ વિભાગો તત્વત: સંલગ્ન કૉલેજો જેવા જ રહ્યા છે. એમાં પણ અધ્યાપકોને કોઈ શૈક્ષણિક સ્વતંત્રતા આપવામાં આવી નથી.

જે વ્યક્તિઓ યુનિવર્સિટીની પરીક્ષા આપીને તેની ડિગ્રી મેળવવા ઇચ્છતી હોય તેના માટે એક શરત રાખવામાં આવી હતી. એણે ગવર્નર દ્વારા માન્ય કૉલેજમાં યુનિવર્સિટી દ્વારા નિયત કરવામાં આવેલો અભ્યાસક્રમ પૂરો કરેલો હોવો જોઈએ. આજની ભાષામાં કહીએ તો યુનિવર્સિટીને સંલગ્ન કૉલેજમાં વિદ્યાભ્યાસ કરનાર વિદ્યાર્થી જ યુનિવર્સિટીની પરીક્ષામાં બેસી શકે. આમ, 1857ના કાયદાથી દેશમાં કૉલેજોને જોડાણ આપતી (affiliating university) યુનિવર્સિટી-પ્રથા અસ્તિત્વમાં આવી અને થોડા અપવાદો બાદ કરતાં વિસ્તરતી ગઈ.

સંલગ્ન કૉલેજપ્રથા ધરાવતી યુનિવર્સિટીમાં અધ્યયન-અધ્યાપનનાં સાચાં કેન્દ્રો કૉલેજો હોય છે, જ્યારે યુનિવર્સિટીના નામે ઓળખાતું તંત્ર કેવળ વહીવટી એકમ હોય છે. આ સંલગ્ન કૉલેજપ્રથા ધરાવતી યુનિવર્સિટીની બાબતમાં કલકત્તા યુનિવર્સિટી કમિશને (1917-19) જે અવલોકનો કર્યાં હતાં તે આજે પણ એટલાં જ પ્રસ્તુત છે. તેનાં કેટલાંક અવલોકનો સંક્ષેપમાં નીચે પ્રમાણે છે :

‘‘યુનિવર્સિટીની સ્થાપનાથી શિક્ષણ માટેનાં સંસાધનોમાં કોઈ વધારો થતો નથી, કેવળ અભ્યાસક્રમો તૈયાર કરતું અને પરીક્ષા લેતું તંત્ર અસ્તિત્વમાં આવે છે. આ તંત્ર અભ્યાસક્રમો અને પરીક્ષા દ્વારા કૉલેજોમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિનું નિયંત્રણ કરે છે. આ પ્રકારની યુનિવર્સિટીઓની એક પ્રાથમિક ફરજ નિયંત્રણ કરવાની હોવાથી એ નિયંત્રણો અતિશય ઝીણવટભર્યાં બની રહે છે. તેને કારણે શિક્ષકોની સ્વતંત્રતા અત્યંત સીમિત બની જાય છે. કમિશનનો મુદ્દો એ હતો કે અન્ય દેશોમાં જે શૈક્ષણિક સ્વતંત્રતા અધ્યાપકો ભોગવે છે તે સંલગ્ન કૉલેજપ્રથા ધરાવતી યુનિવર્સિટીમાં ભોગવી શકતા નથી.’’

દેશ માટે જે સ્વરૂપે યુનિવર્સિટી રચવામાં આવી તેની પાછળ જે ધારણાઓ હતી તે પૈકીની એક ધારણા આ પ્રમાણે હતી : મુખ્યત્વે પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવાની કામગીરી કરવા માટે સ્થાપવામાં આવતી કૉલેજોને વિદ્યાર્થીઓને બૌદ્ધિક તાલીમ આપવાની કામગીરી કશાય જોખમ વિના સોંપી શકાય, પરંતુ શિક્ષણ એક  વૈયક્તિક વ્યાપાર હોવાથી તેનો ઘણો આધાર શિક્ષકના વ્યક્તિત્વ પર રહે છે. તેથી જો વિદ્યાર્થીઓની વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો સંતોષવી હોય તો શિક્ષકને ઘણીબધી સ્વતંત્રતા હોવી જોઈએ. સંલગ્ન કૉલેજોમાં સ્વતંત્રતાના અભાવમાં અને વિદ્યાર્થીઓને કેવળ યુનિવર્સિટી-પરીક્ષા માટે તૈયાર કરવાનો ઉદ્દેશ અધ્યાપકો સમક્ષ રહેતો હોવાથી વિદ્યાર્થીઓને બૌદ્ધિક તાલીમ આપવાની તેમની જવાબદારીની બાબતમાં અધ્યાપકો ઉદાસીનતા સેવે છે.

યુનિવર્સિટી અધ્યયનનું એક કેન્દ્ર બનવી જોઈએ એ વાત તમામ પ્રગતિશીલ સમાજોમાં સ્વીકારવામાં આવેલી છે. અધ્યાપકો-વિદ્યાર્થીઓનું બનેલું એ કૉર્પોરેશન જ્ઞાનનાં જતન, સંવર્ધન અને વિતરણ માટે સહિયારો પ્રયાસ કરતું રહે છે અને એ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને બૌદ્ધિક તાલીમ મળે છે. આ વ્યાખ્યા પ્રમાણે ભારતની યુનિવર્સિટીઓ યુનિવર્સિટીઓ જ નથી; કેમ કે, ઉપર નોંધ્યું છે તેમ, એ વિદ્યાર્થીઓ-અધ્યાપકોનાં કૉર્પોરેશનો નથી, પરંતુ વહીવટદારોનાં કૉર્પોરેશનો છે. વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ રીતે તાલીમ આપવાનો પ્રશ્ન જ એમના માટે ઊભો થતો નથી. યુનિવર્સિટીઓને શિક્ષણકાર્ય સાથે કોઈ પ્રત્યક્ષ સંબંધ ન હોવાથી તે કૉલેજોમાં અધ્યાપકો તથા વિદ્યાર્થીઓમાં મુક્ત સમીક્ષા-ટીકા અને સ્વતંત્ર રીતે વિચારવાની આદત કેળવવામાં કોઈ ફાળો આપી શકે તેમ નથી. ભારતમાં પ્રવર્તતી સ્થિતિમાં કૉલેજ કેવળ ‘કોચિંગ ઇન્સ્ટિટ્યૂશન’ બની રહે છે. એમના અધ્યાપકોને તેમના વિષયમાં જે બાબત મહત્વની લાગતી હોય તે શીખવવાનો બહુ ઓછો અવકાશ સાંપડે છે. આ પ્રથામાં વિદ્યાર્થી જે તે વિષયને બૌદ્ધિક તાલીમ મેળવવાના ઉદ્દેશથી શીખતો નથી, પરંતુ જેની કિંમત ઉપજાવી શકાય એવી લાયકાતો પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી શીખે છે.

સંલગ્ન કૉલેજપ્રથાની ઉપર્યુક્ત મર્યાદાઓ નોંધ્યા પછી પણ કમિશને નોંધ્યું હતું કે પ્રવર્તમાન સમસ્યાનો એ સહુથી સરળ ઉકેલ હતો, કેમ કે જૂજ કૉલેજો અધ્યાપનની સ્વતંત્રતા ભોગવવા જેટલી પરિપક્વ થઈ હતી અને અધ્યાપકોની સ્વતંત્રતા યુનિવર્સિટીનું હાર્દ છે. આ નવી પ્રથાએ સરકારી નોકરીઓ માટે ઉમેદવારોને પસંદ કરવા માટેનો વસ્તુલક્ષી અને બિનવૈયક્તિક માર્ગ પૂરો પાડ્યો.

યુનિવર્સિટીઓનું વિસ્તરણ : 1857માં એક સાથે દેશમાં ત્રણ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી, પરંતુ ચોથી યુનિવર્સિટી ત્રીસ વર્ષે 1887માં અલ્લાહાબાદ યુનિવર્સિટીના રૂપમાં સ્થપાઈ. 1947 સુધીમાં બીજી 16 યુનિવર્સિટીઓ ઉમેરાતાં દેશમાં યુનિવર્સિટીઓની સંખ્યા 20 પર પહોંચી હતી. વીસમી સદીના પૂર્વાર્ધમાં જે યુનિવર્સિટીઓ સ્થપાઈ તેમાં બનારસ હિંદુ યુનિવર્સિટી (1916), પટના યુનિવર્સિટી (1917), અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (1921), દિલ્હી યુનિવર્સિટી(1922)નો સમાવેશ થાય છે. ગુજરાતમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી 1949માં અને ગુજરાત યુનિવર્સિટી 1950માં સ્થપાઈ.

1950 પછીનાં વર્ષોમાં દેશમાં કૉલેજોની સંખ્યામાં ઝડપથી વધારો થવાથી તેમજ દેશના પ્રત્યેક રાજ્યમાં યુનિવર્સિટીની સ્થાપના માટે પ્રાદેશિક દબાણો સર્જાવાથી યુનિવર્સિટીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. દેશમાં 2002માં યુનિવર્સિટીઓ અને યુનિવર્સિટી સમકક્ષ 306 સંસ્થાઓ હતી. તેમાં 18 કેન્દ્રીય (સેન્ટ્રલ) યુનિવર્સિટીઓ અને 186 રાજ્યોની યુનિવર્સિટીઓ હતી, 84 સંસ્થાઓને યુનિવર્સિટીની સમકક્ષ (deemed) યુનિવર્સિટીઓ ગણવામાં આવી હતી; દા.ત., ગુજરાતમાં ગૂજરાત વિદ્યાપીઠ એ વર્ગમાં આવતી યુનિવર્સિટી છે, 13 રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ છે, પાંચ સંસ્થાઓને જે તે રાજ્યે ખાસ કાયદો કરીને યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે.

વિદ્યાશાખાના આધારે તપાસીએ તો 38 યુનિવર્સિટીઓ કૃષિ, જંગલો, ડેરી વગેરે વિષયોની છે, 21 યુનિવર્સિટીઓ તબીબી વિદ્યાશાખાની (આયુર્વેદ સહિત) છે, 44 યુનિવર્સિટીઓ ઇજનેરી-ટેક્નૉલૉજીની છે, 4 કાયદાની, 4 માહિતી-ટેક્નૉલૉજીની છે. બાકીની યુનિવર્સિટીઓ પરંપરાગત સ્વરૂપે બધા વિષયો શીખવતી યુનિવર્સિટીઓ છે. દેશમાં નવ ‘ઓપન યુનિવર્સિટી’ઓ છે અને પાંચ મહિલાઓ માટેની છે.

ભારતમાં યુનિવર્સિટીઓને બે વિભાગોમાં વહેંચી શકાય : પહેલા વિભાગમાં કૉલેજોને જોડાણ આપતી, એટલે કે સંલગ્ન કૉલેજપ્રથા ધરાવતી (affiliating) યુનિવર્સિટીઓ છે. આ યુનિવર્સિટીઓ તેમના કૅમ્પસ પર અનુસ્નાતક શિક્ષણ અને સંશોધન માટેના વિભાગો ચલાવે છે. તેની સાથે તેમની હકૂમત નીચેના જિલ્લાઓમાં આવેલી કૉલેજોને જોડાણ આપે છે. બીજા વિભાગમાં એક જ કૅમ્પસ ધરાવતી યુનિટરી (unitary) યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. આ યુનિવર્સિટીઓમાં એક જ કૅમ્પસ પર સ્નાતક અને અનુસ્નાતક શિક્ષણનો પ્રબંધ કરવામાં આવે છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, બનારસ હિંદુ યુનિવર્સિટી, મૈસૂર યુનિવર્સિટી અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી તેનાં ઉદાહરણો છે. જોકે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાનું શિક્ષણ આપવામાં આવતું નથી. યુનિટરી યુનિવર્સિટીનું થોડું જુદું સ્વરૂપ નગરકેન્દ્રી યુનિવર્સિટી પૂરું પાડે છે, જે અંગભૂત કૉલેજો ધરાવે છે. અલ્લાહાબાદ યુનિવર્સિટી અને વડોદરાની મ. સ. યુનિવર્સિટી એનાં ઉદાહરણો છે.

જે યુનિવર્સિટીઓને યુનિવર્સિટી તુલ્ય ગણવામાં આવી છે  (Deemed-to-be Universities) તેમને વાસ્તવમાં યુનિવર્સિટીનો જ દરજ્જો આપવામાં આવ્યો છે. અધ્યાપનની તેમની લાંબી પરંપરા કે જ્ઞાનના કોઈ એક ક્ષેત્રમાં તેમણે સાધેલા વિશેષીકરણને ધ્યાનમાં લઈને તેમને એ દરજ્જો યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન આપે છે. એ માટે કેન્દ્ર સરકારના માનવ-સંસાધન ખાતાની મંજૂરી મેળવવી જરૂરી હોય છે; દા.ત., મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સોશિયલ સાયન્સને આ દરજ્જો આપવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય મહત્વની સંસ્થા(The Institutions of National Importance)નો દરજ્જો લોકસભાના કાયદા દ્વારા આપવામાં આવે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજી તેનું ઉદાહરણ છે. તેમને આપવામાં આવેલા વિશેષ અધિકારની રૂએ તેઓ પોતાના નામથી ડિગ્રી આપી શકે છે.

યુનિવર્સિટીઓ  ગુજરાતમાં : ગુજરાતમાં તેની આગવી યુનિવર્સિટી સ્થાપવા માટેની માગણી વીસમી સદીના પૂર્વાર્ધમાં શરૂ થઈ હતી, પરંતુ ગુજરાતને તેની આગવી ગણી શકાય એવી યુનિવર્સિટીઓ દેશની આઝાદી પછી જ મળી. અલબત્ત, આજે યુનિવર્સિટીનો દરજ્જો ધરાવતી (deemed university) ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં થયેલી. આઝાદી પછી ગુજરાતમાં પ્રથમ સ્થપાયેલી યુનિવર્સિટી તે વડોદરા ખાતેની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડા હતી, જે 1949માં અસ્તિત્વમાં આવી હતી. એ પછી 1950માં ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઈ. તેમાંથી અલગ કરીને વલ્લભ વિદ્યાનગર ખાતે 1955માં સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. તેને એક ગ્રામીણ યુનિવર્સિટી તરીકે વિકસાવવાનો ખ્યાલ હતો. 1967ના વર્ષમાં ગુજરાત યુનિવર્સિટીનું વિભાજન કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. એ યુનિવર્સિટીઓની રચનાને પરિણામે સૌરાષ્ટ્રના જિલ્લાઓ તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આવેલી કૉલેજો ગુજરાત યુનિવર્સિટીમાંથી નીકળી ગઈ. ગુજરાત યુનિવર્સિટીનું 1986માં ફરીથી વિભાજન કરવામાં આવ્યું. એ વર્ષે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની રચના કરીને તેની સાથે ત્રણ જિલ્લાઓ(બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા)ની કૉલેજોને જોડવામાં આવી. કચ્છ માટે 2003માં અલગ યુનિવર્સિટી રચીને ગુજરાત યુનિવર્સિટીનો ફરીથી અંગસંકોચ કરવામાં આવ્યો છે. આમ ગુજરાત યુનિવર્સિટીમાંથી પાંચ યુનિવર્સિટીઓ કોતરી કાઢવામાં આવી છે. એ જ પદ્ધતિએ, યુનિવર્સિટી માટેના પ્રાદેશિક દબાણને વશ થઈને 1979માં ભાવનગર યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. તેની સાથે કેવળ ભાવનગર જિલ્લાની કૉલેજો જોડાયેલી છે.

ગુજરાતમાં ઉપર્યુક્ત પરંપરાગત યુનિવર્સિટીઓથી જુદી પડતી કેટલીક યુનિવર્સિટીઓ પણ કાર્ય કરી રહી છે. 1966માં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની રચના કરવામાં આવી હતી અને 1972માં ગુજરાત કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. 1994માં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની રચના કરવામાં આવી. જે વિદ્યાર્થીઓ કૉલેજમાં જઈને પૂરા સમય માટે અભ્યાસ કરી શકે તેમ ન હોય તેમને પત્રાચાર દ્વારા શિક્ષણ આપવાના ઉદ્દેશથી આ યુનિવર્સિટી રચવામાં આવી છે.

ગુજરાત ટેક્નૉલૉજીનું શિક્ષણ આપતી ત્રણ સંસ્થાઓને યુનિવર્સિટીનો દરજ્જો (deemed university) આપવામાં આવ્યો છે. તેમાં નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજી, ગાંધીનગર ખાતેની ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ફર્મેશન ઍન્ડ કમ્યૂનિકેશન ટેક્નૉલૉજી તથા નડિયાદ ખાતેની ધર્મસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજીનો સમાવેશ થાય છે. આ દરજ્જો તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આમ દેશનાં અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ યુનિવર્સિટીઓનું વૈવિધ્યપૂર્ણ માળખું રચાયું છે.

રમેશ શાહ