વિશ્વવંદ્ય’ : માસ્તર છોટાલાલ જીવણલાલ (જ. 1861, બાલુઆ [બાલવા], જિ. અમદાવાદ; અ. 1911, વડોદરા) : ગુજરાતી કવિ-નવલકથાકાર. તેમણે અમદાવાદમાં મેટ્રિક સુધીનું શિક્ષણ લીધું હતું તથા 1878માં ‘ગુર્જરોદ્ધારક સમાજ’ની સ્થાપના કરી હતી. પછી વડોદરામાં સરદાર સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી. તેમણે શ્રીમન્નૃસિંહાચાર્યજીના સંપર્કમાં આવતાં તેમને સદ્ગુરુ તરીકે સ્થાપ્યા અને ‘શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગ’(1882)ની અનેકવિધ પ્રવૃત્તિઓનું સંચાલન કર્યું. તેમણે વર્ગનાં માસિકો ‘મહાકાલ’, ‘પ્રાત:કાલ’ના તંત્રી તરીકે નિષ્ઠાપૂર્વક જવાબદારી સંભાળી. તેમણે સરસ્વતીસત્ર, વિહારસત્ર, અધ્યાત્મ બલપોષક મંડળ, સાધનસમારંભ, સિદ્ધ સમાજ, સિદ્ધેશ્વર સમાજ, ચિતિપ્રદીપ-પ્રકટીકરણોત્સવ વગેરે ઉત્સવો દ્વારા સર્વના અભ્યુદય માટેની નોંધપાત્ર યોજનાઓ અમલમાં મૂકી હતી. શ્રીમન્નૃસિંહાચાર્યે માસ્તર સાહેબની નિર્વ્યાજ નિખાલસતા અને ધ્યેયપ્રાપ્તિની એકાગ્રતાને ધ્યાનમાં રાખી તેમને ‘વિશ્વવંદ્ય’ એવું સાંકેતિક નામ આપ્યું હતું.

તેમણે ‘શ્રીસુધાસ્રોતસ્વિની’ પ્રથમ અને દ્વિતીય કલ્લોલ(1898, 1910)નાં સંખ્યાબંધ પદોમાં સાધક હૃદયનાં વિવિધ અનુભવો અને સ્પંદનોને અભિવ્યક્ત કર્યાં છે. ‘યોગિનીકુમારી’ ભા. 1, 2 (1915, 1930) આત્મકથનાત્મક પદ્ધતિએ લખાયેલી અધ્યાત્મરહસ્યને ગૂંથી લેતી એમની સુપ્રસિદ્ધ નવલકથા છે. ‘અધ્યાત્મબલપોષક ગ્રંથમાળા’  પ્રથમ અક્ષ (1902), ‘બાળકોને કેવી રીતે કેળવવાં ?’ (1904), ‘ધનવાન થવાની અમોઘ કલા’ (1910), ‘મંગલપ્રેરિત સંદેશા’ (1915), ‘વિજ્ઞાનની રસિક વાતો’ (1917) વગેરેમાં જીવનવ્યવહારના, અધ્યાત્મવિચારના કે વિજ્ઞાનની નૂતન શોધના પ્રસંગો સરળ, રોચક અને પ્રસન્નપ્રવાહી શૈલીમાં મૂક્યા છે. ડૉક્ટર જગન્નાથ પૂજાલાલે ઉપર્યુક્ત લખાણો ઉપરાંત ‘મહાકાલ’ વગેરે માસિકોમાં પ્રગટ થયેલા અસંખ્ય લેખોનું સંકલન કરી ‘વિશ્વવંદ્ય કિરણાવલી’ પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ કિરણ (1962, 1963, 1968, 1969) જેવા દળદાર ગ્રંથો પ્રગટ કર્યા છે. એમનાં સંપાદિત ‘વિચારરત્નરાશિ’ (1944), ‘વિશ્વવંદ્ય વિચારરત્નાકર’ (1948), ‘આત્મબલ’ (1965), ‘સુખ, શાંતિ ને સમૃદ્ધિનો સાચો માર્ગ’ (1969), ‘આંતરમન’ (1969), ‘માનસ રસાયન’ (1969), ‘વ્યાધિ, વૃદ્ધાવસ્થા અને મૃત્યુનો જય’ (1970), ‘પ્રતિભા’ વગેરે પુસ્તકોમાં તથા ‘પરિમલ અને પરિચય’ (1963) અને ‘પ્રાસંગિક ઉક્તિઓ ને સુહૃત્પુષ્પાંજલિ’ (1965) નામના પત્રસંગ્રહોમાં ‘વિશ્વવંદ્ય’ના ગદ્યવિચારની પ્રૌઢિ અને કથનની સચોટતાનાં દર્શન થાય છે.

લવકુમાર મ. દેસાઈ