વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (University Grants Commission)

February, 2005

વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (University Grants Commission) : ભારતનાં વિશ્વવિદ્યાલયોને અનુદાન આપનાર અને ઉચ્ચ શિક્ષણનાં ધોરણોનાં જતન, સંવર્ધન માટેની કેન્દ્રીય સંસ્થા.

દેશના ઉચ્ચ શિક્ષણને એક સ્વતંત્ર, લોકશાહી વ્યવસ્થા ધરાવતા રાષ્ટ્રની આકાંક્ષાઓને પોષે એવું બનાવવાની સૌપ્રથમ મહેચ્છા વ્યક્ત કરી યુનિવર્સિટી શિક્ષણ પંચે (194849). એના અધ્યક્ષ હતા દેશના એક ધુરંધર વિચારક અને મેધાવી શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્. એમની ભલામણ પછી 1950માં દેશ એક પ્રજાસત્તાક બન્યો, જેના બંધારણે લોકશાહી, સમાજવાદ, બિનસાંપ્રદાયિકતા અને ન્યાયપૂર્ણ વિકાસના આદર્શો દેશવાસીઓને આપ્યા. 1952થી દેશમાં એ દિશા તરફ આગળ વધવાનો આયોજિત વિકાસ(planned development)નો પંચવર્ષીય યોજનાઓનો યુગ શરૂ થયો. ઊંચી ગુણવત્તાવાળા ઉચ્ચ શિક્ષણની માગ વધવા માંડી. એના પગલે પગલે ભારત સરકારે એક સરકારી ઠરાવ પસાર કરીને તત્કાલ અસરથી 1953માં ‘વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ’ની સ્થાપના કરી. પછી તો 1956માં સંસદમાં એનો ધારો ‘University Grants Commission Act 1956’ પસાર કરવામાં આવતાં, આયોગને પૂર્ણકાનૂની સ્વરૂપ મળ્યું. આયોગને દેશના ઉચ્ચ શિક્ષણ સંબંધી નીચેનાં કાર્યો સોંપવામાં આવ્યાં :

(1) દેશમાં ઉચ્ચ શિક્ષણના પ્રોત્સાહન અને સુગ્રથિત વિકાસ માટે વિચારણા કરવી અને સરકારને સલાહ આપવી.

(2) કેન્દ્ર સરકાર દેશના ઉચ્ચ શિક્ષણને આર્થિક સહાય આપવા જે નાણાં ફાળવે તેના સુઆયોજિત વિતરણની વ્યવસ્થા કરવી.

(3) દેશના ઉચ્ચ શિક્ષણનાં ધોરણો નિર્ધારિત કરવાં, તે જાળવવાં અને સંવર્ધિત કરવાં અને તે દિશામાં યોગ્ય પગલાં લેવાં.

(4) ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ વચ્ચે તેમજ એ સંસ્થાઓ અને કેન્દ્ર તથા રાજ્યની સરકારો વચ્ચે સંકલન સાધવાની કામગીરી કરવી.

દેખીતી રીતે આયોગને સોંપાયેલી કામગીરી અને તેને અપાયેલી મર્યાદિત સત્તાઓ સંબંધી આયોગની સ્થાપનાથી જ ચર્ચાઓ થતી રહી છે. વિશેષ કરીને નાણાં, આંતરિક વહીવટ, નીતિના અમલીકરણ વગેરે ક્ષેત્રોમાં સ્વાયત્તતાનો અભાવ એની કારગતતામાં અવરોધો ઊભા કરતો રહે છે તે આયોગનો પચાસ વર્ષોનો ઇતિહાસ કહેતો આવ્યો છે.

આયોગના સ્થાપક અધ્યક્ષ હતા ડૉ. શાંતિસ્વરૂપ ભટ્ટનાગર; જેઓ એક વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક, સંશોધનકાર, અધ્યાપક અને વહીવટકર્તા હતા. શરૂઆતના દસકામાં આયોગને ડૉ. એ. એલ. મુદલિયાર, ડૉ. જ્હૉન મથાઈ, ડૉ. ઝાકીરહુસેન, સર જે. સી. ઘોષ, પ્રો. એન. કે. સિદ્ધાંત જેવા પ્રકાંડ વિદ્વાનોના માર્ગદર્શનનો લાભ મળ્યો. તેમણે વહીવટની ઉમદા પ્રણાલિકાઓ રચી આયોગની આગવી ઓળખ વિકસાવી. આયોગને પાછળથી ડૉ. યશપાલ, પ્રો. રઇસ અહમદ, પ્રો. સતીશચંદ્ર, ડૉ. મધુરીબહેન શાહ, ડૉ. આરમાઇતી દેસાઈ વગેરે જેવાં અધ્યક્ષોએ પોતપોતાની આગવી રીતનું નેતૃત્વ પૂરું પાડ્યું.

1956માં જ મેડિકલ કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયા ધારો સંસદે પસાર કરી દાક્તરી શિક્ષણ અને વ્યવસાયના વિકાસ, આયોજન અને વ્યવસ્થાપન માટે આગવી વ્યવસ્થા ઊભી કરી. આમ તબીબી શિક્ષણને આયોગના કાર્યક્ષેત્ર બહાર મૂકવામાં આવ્યું.

1961માં ઍડવોકૅટ્સ ઍક્ટ નામે ધારો સંસદે પસાર કરી કાનૂનના શિક્ષણ અને વ્યવસાય સંબંધી અનેકવિધ જોગવાઈઓ કરી. તેના અન્વયે બાર કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયા સ્થપાઈ. આમ કાનૂનના શિક્ષણને પણ આયોગના કાર્યક્ષેત્રની બહાર રાખવામાં આવ્યું.

પછી નિમાયું એક સર્વગ્રાહી શિક્ષણપંચ જે કોઠારી પંચના નામે ઓળખાયું. તેના હેવાલ(1964-66)ના ફલસ્વરૂપ દેશમાં એક નવી જ સુગ્રથિત શિક્ષણ તરાહ અસ્તિત્વમાં આવી. તેણે ઉચ્ચ શિક્ષણને લોકશાહી, રાષ્ટ્રીય વિકાસ, રાષ્ટ્રીય એકતા અને આધુનિકીકરણને ઝડપી વેગ આપી શકે એવાં વિજ્ઞાન અને ટેક્નૉલૉજીને વેગ આપનારું એક બળ બનાવવાની ભલામણો કરી. તેના આધારે ઘડાઈ અને ઘોષિત થઈ પહેલી રાષ્ટ્રીય શિક્ષણનીતિ (1968). વિશ્વવિદ્યાલય અનુદાન આયોગનો નવો કાર્યનકશો (agenda) એમ કેટલીક શકવર્તી ઘટનાઓથી ભાતીગળ થતો ગયો.

ભારતમાં 197576ના વર્ષમાં ત્રિ-વર્ષીય પદવી અભ્યાસક્રમની શરૂઆત થતાં, ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાનાં ઊંચાં ધોરણો સ્થાપિત કરવાનો પ્રયોગ આરંભાયો. એણે પછીનાં વર્ષોમાં સમગ્ર શિક્ષણ-વ્યવસ્થા પર અનેક પ્રભાવો પાડ્યા; જેના વ્યવસ્થાપનમાં આયોગનો ઘણો મોટો ફાળો રહેલો છે. ધારાની મર્યાદાઓ છતાં, આયોગે આ સમયગાળામાં દેશના ઉચ્ચ શિક્ષણને મોડ આપવા લીધેલાં કેટલાંક પગલાં સંક્ષેપમાં જોઈએ :

(1) ભૌતિક સુવિધાઓ : આયોગે વિવિધ યુનિવર્સિટીઓ અને કૉલેજોને શૈક્ષણિક અને વહીવટી હેતુઓ માટેનાં મકાનો, વર્ગખંડો, ગ્રંથાલયો, પ્રયોગશાળાઓ, વર્કશૉપો વગેરે નવાં બાંધવાં, વિસ્તારવાં તેમજ જૂનાં સમારવા અને તે બધાંને અદ્યતન કરવા અનુદાન આપ્યાં.

(2) શિક્ષણ સુધારણા : ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને શૈક્ષણિક ઉપકરણો, દૃશ્ય-શ્રાવ્ય સાધનો, પાઠ્યપુસ્તકો, સંદર્ભગ્રંથો, સામયિકો, ભાષાની પ્રયોગશાળાનાં સાધનો, પ્રશ્નબૅંકની સામગ્રી, વગેરે વસાવવા, નિર્માણ કરવા અને જાળવવા માટે આયોગે અનુદાન આપ્યાં.

(3) અધ્યાપક વિકાસ : ઉચ્ચ શિક્ષણક્ષેત્રે અધ્યાપનકાર્ય કરતા અધ્યાપકોની શૈક્ષણિક સજ્જતા અને લાયકાતનાં ધોરણો, તેમના કામના કલાકો, તેમની ભરતી અને બઢતી તથા વળતરના નીતિનિયમો, તેમની સેવાની શરતો વગેરેમાં એકસૂત્રતા લાવવા આયોગે પ્રબંધો કર્યા. ઉપરાંત અધ્યાપકોની વ્યાવસાયિક સજ્જતા નિરંતર સુધરતી જાય એ માટે તાલીમી કૉન્ફરન્સો, સેમિનારો, ગ્રીષ્મ શાળાઓ વગેરે યોજવા સહાય કરી. વળી આચાર્યો અને અધ્યાપકો માટે નિવાસસ્થાનો બાંધવા માટે પણ મદદ કરી. આ જ અરસામાં વ્યાવસાયિક આચારસંહિતા ઘડવાની ઝુંબેશને પણ આયોગે બળ પૂરું પાડ્યું.

(4) વિદ્યાર્થીકલ્યાણ : યુનિવર્સિટીઓ અને કૉલેજોને વિદ્યાર્થીઓ માટે છાત્રાલયોનાં મકાનો બાંધવા તથા તેમાં પર્યાપ્ત સુવિધાઓ પૂરી પાડવા, રમતનાં મેદાનો, જીમખાનાં, બિનનિવાસી વિદ્યાર્થી કક્ષ, કન્યાઓ માટેના કક્ષ, શૌચાલયો, પીવાનાં પાણીનાં કેન્દ્રો, હેલ્થ સેન્ટર, કાઉન્સેલિંગ સેન્ટર વગેરેની સવલતો ઊભી કરવા આયોગે અનુદાન આપ્યાં. વળી ગરીબ વિદ્યાર્થીઓની સહાય માટે સ્ટુડન્ટ એઇડ ફંડ, બુક બક અને ઇન-હાઉસ આવક રળવા માટેની યોજનાઓને પણ તેણે પુરસ્કારી. પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે પૂરક શિક્ષણ આપતા કોચિંગ વર્ગો, તેમની અંગ્રેજી અભિવ્યક્તિ સુધારવાના વર્ગો અને સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વતૈયારી કરાવનારા તાલીમ વર્ગો માટે પણ આયોગે ઉદાર હાથે મદદ કરી. યુવક-મહોત્સવો, રમતોત્સવો અને તેને લગતી તાલીમ શિબિરો માટે પણ તેણે અનુદાન આપ્યાં.

(5) સંચાલન સક્ષમીકરણ : આયોગ દ્વારા યુનિવર્સિટીઓના કાયદા-કાનૂન બનાવવા, સુધારવા અને ફેરફાર કરવા સંબંધી માર્ગદર્શનની વ્યવસ્થા કરવામાં આવી. કર્મચારીઓની સેવાના નિયમોનું પરામર્શન કરવા માટે પણ આયોગે આગ્રહપૂર્વકની હિલચાલ આદરી. કુલપતિઓ અને આચાર્યોની પરિષદો યોજી તેમની સંચાલનક્ષમતા ધારદાર બનાવવાના પ્રયત્નો તેણે હાથ ધર્યા. રાજ્યસરકારો અને યુનિવર્સિટીઓ વચ્ચે સંકલન સાધવા માટે પણ આયોગે પ્રવૃત્તિઓ હાથ ધરી. આમ પહેલી પાંચ પંચવર્ષીય યોજનાના સમયગાળા દરમિયાન આયોગે સંખ્યાવિસ્ફોટના ઉપલક્ષ્યમાં, એક સ્થિર ઉચ્ચ શિક્ષણક્ષેત્ર આકાર પામે, તેની પાયાની જરૂરિયાતો સંતોષાય, અને તે વિકાસમૂલક શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની કામગીરી કરતું થાય એ માટે એક માર્ગદર્શક, સહાયક અને સંકલનકાર તરીકેની ભૂમિકા ભજવી.

વીસમી સદીના છેલ્લા બે દાયકા દેશ અને દુનિયા માટે અનેક રીતે ઐતિહાસિક મહત્વના પુરવાર થયા. ઉચ્ચ શિક્ષણક્ષેત્રે એ દરમિયાન અનેક ઘટનાઓ ઘટી જેમણે આયોગ પર પણ ઘણો પ્રભાવ પાડ્યો. 1986માં બીજી રાષ્ટ્રીય શિક્ષણનીતિની ભારત સરકારે જાહેરાત કરી, અને તેના અમલીકરણનો મુસદ્દો (Programme of Action) 1986 ઘોષિત કર્યો. યુગની નવી માંગ, એટલે કે મુક્ત અર્થતંત્ર, માહિતી ટેક્નૉલૉજીનો વિનિયોગ, માનવસંસાધન વિકાસ, અને વૈશ્વિકીકરણના પડકારોને પહોંચી વળવાની માંગની દિશામાં દેશના ઉચ્ચ શિક્ષણને વાળવાની નવી જરૂરિયાત ઊભી થઈ. આયોગ માટે આ અભૂતપૂર્વ નૈતિક તેમજ વ્યવસ્થાપનલક્ષી પડકાર હતો.

સંસદે 1987માં ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ઑવ્ ટેક્નિકલ ઍજ્યુકેશન (All India Council for Technical Education) ધારો પસાર કરી, તમામ પ્રકારના તાંત્રિક, વ્યાવસાયિક અને વ્યવસ્થાપનલક્ષી શિક્ષણની દેખભાળ કરનારી નવી સંસ્થા સ્થાપી. આમ વ્યાવસાયિક શિક્ષણની આ વિદ્યાશાખાઓને પણ વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના કાર્યક્ષેત્રની બહાર લઈ જવામાં આવી.

વર્ષ 1990માં આચાર્ય રામમૂર્તિ સમિતિ રચાઈ, જેણે NPE 1986 અને POA 1986ની સમીક્ષા કરી એક પુનર્ગઠિત POA 1990 રજૂ કરી, ઉચ્ચ શિક્ષણને એક બાજુ દેશની મૂળભૂત આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસને લગતી સમસ્યાઓથી સુસંબદ્ધ હોય એવું અને બીજી બાજુ અદ્યતન વિજ્ઞાન-ટેક્નૉલૉજીનો ઉપયોગ કરતું, વૈશ્વિક પરિમાણો ધરાવતું અને માનવીય ચહેરાવાળું બનાવવાનો નવો પડકાર પેશ કર્યો. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગને પોતાનો વૈચારિક અને વ્યાવહારિક કાયાકલ્પ કરવા માટેનું આ એક ઇજન હતું.

1991 પછી દેશમાં વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણની જે નીતિ અર્થતંત્ર માટે અપનાવવામાં આવી છે તેના પ્રભાવ નીચે શિક્ષણનું ક્ષેત્ર પણ આવ્યું છે. વિશ્વવેપાર સંગઠનના એક સભ્ય તરીકે ભારતે શિક્ષણના વૈશ્વિકીકરણની દિશામાં આગળ વધવાનું છે. આ પરિવર્તનોના સંદર્ભમાં અનુદાન આયોગે જે પગલાં ભર્યાં છે તે પૈકી કેટલાંક નીચે પ્રમાણે છે.

(1) અભ્યાસક્રમ/શિક્ષણની ગુણવત્તા : આયોગે સૌપ્રથમ 1992માં 26 જેટલા અભ્યાસક્રમોને અદ્યતન બનાવરાવ્યા. પછી 2002માં 32 જેટલા અભ્યાસક્રમોને વિશ્વકક્ષાની ગુણવત્તાવાળા બનાવરાવ્યા. પૂર્વસ્નાતક કક્ષાએ વ્યવસાયોનું પરિમાણ આમેજ કરીને Cafetaria અભ્યાસક્રમો વિકસાવવામાં તેણે સહાય કરી. હવે માહિતી ટેક્નૉલૉજી (ICT) અને કમ્પ્યૂટર કૌશલ્યો(computer literacy)નાં બંને તત્ત્વો પૂર્વસ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં સમાવી લેવાનાં આયોજનો હાથ ધરાયાં છે. ઉચ્ચ શિક્ષણ દ્વારા મૂલ્યોનું સિંચન કરી શકાય એ આશયથી માનવ-અધિકારો, નૈતિક મૂલ્યો, મહિલા સશક્તીકરણ, પર્યાવરણસંતુલન, સાંસ્કૃતિક વૈવિધ્ય, વ્યસનનિવારણ, ગાંધી વિચારધારા, વિશ્વશાંતિ વગેરે અનેક વિષયોના વિશિષ્ટ અભ્યાસક્રમો અમલમાં મૂકવા આયોગે ઉદાર અનુદાન આપેલ છે.

(2) અધ્યયન, અધ્યાપન, મૂલ્યાંકન સુધારણા : આયોગ દ્વારા કૉલેજો અને યુનિવર્સિટીઓના વિભાગો સ્વાયત્ત (autonomous) બને એ માટે છેક 1976થી પ્રયત્નો આદરવામાં આવી રહ્યા છે. વર્ષ 2002ના અંત સુધીમાં દેશની 29 યુનિવર્સિટીઓના કેટલાક વિભાગો અને 130 જેટલી કૉલેજો આયોગ દ્વારા સ્વાયત્ત ઘોષિત કરવામાં આવ્યાં છે. દસમી પંચવર્ષીય યોજના અન્વયે એક વિદ્યાશાખાવાળી સ્વાયત્ત કૉલેજને પાંચ વર્ષ સુધી વાર્ષિક છ લાખ રૂપિયાનું, અને એકથી વધુ વિદ્યાશાખા ધરાવતી સ્વાયત્ત કૉલેજને બાર લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવે છે. અલબત્ત, શિક્ષણની ગુણવત્તાનું અનેકગણું ઉન્નયન કરી શકે એવી આ યોજના અત્યંત ધીમી ગતિએ સ્વીકારાઈ રહી છે એ દુ:ખદ છે.

વિશ્વવિદ્યાલય અનુદાન આયોગનું દિલ્હી ખાતેનું મધ્યસ્થ કાર્યાલય

આયોગે કેટલાક વિષયોનું અધ્યાપન અને પરીક્ષણ ઊંચી ગુણવત્તાવાળું બને એ માટે વિશિષ્ટ અનુદાનવાળી યોજનાઓ આ ગાળામાં જ અમલમાં મૂકી. આ યોજનાઓ નીચે કૉલેજકક્ષાએ શીખવવામાં આવતા વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. તેમાં માનવવિદ્યાઓ, સામાજિક વિજ્ઞાનો તથા પ્રાકૃતિક વિજ્ઞાનોનો સમાવેશ થતો હતો.

આ ઉપરાંત શૈક્ષણિક પંચાંગ(Academic Calendar)ની યોજના દ્વારા સંસ્થાઓના શિક્ષણ-પરીક્ષણને નિયમિત અને શિસ્તબદ્ધ કરવા આયોગે આગેવાની લીધી છે. સવિશેષ તો નવી ટેક્નૉલૉજીઓ દ્વારા multi-media સાધનો વસાવવાં અને નિર્માણ કરવાં, computerisation દ્વારા પરીક્ષણને વિશ્વસનીય બનાવવા માટે, Intra-net અને Internet દ્વારા સમગ્ર શિક્ષણના સાહસને વ્યાપક સંધાણ (connectivity) પૂરું પાડવા માટે, ICTના વિનિયોગ દ્વારા virtual classroom અને virtual universityને વાસ્તવિક ઉપયોગમાં લેવા માટે, અને tele-conference જેવા માધ્યમથી દૂરશિક્ષણને નિકટવર્તી બનાવવા માટે આયોગે મોટું મૂડીરોકાણ કરવા માંડ્યું છે. આજે 17 જેટલાં મીડિયા ઉત્પાદન અને સંશોધન કેન્દ્રો (Education Media Research Centre) એના અનુદાનથી જ અસ્તિત્વમાં આવ્યાં છે. Inflibnet જેવી સુવિધાથી તો દેશની તમામ યુનિવર્સિટીઓ અને કૉલેજોનાં પુસ્તકાલયોનું એક ગંજાવર Network અસ્તિત્વમાં લાવી આયોગે વર્ગખંડના તેમજ વિદ્યાર્થીના પોતાના અંગત અભ્યાસખંડના અધ્યયનને વૈશ્વિક સ્વરૂપ આપી દીધું છે. દેશનું ગ્રંથધન એના દ્વારા કોઈ પણ અભ્યાસી માટે હાથવગું બન્યું છે.

(3) ગુણવત્તાની સાધના : દેશના ઉચ્ચ શિક્ષણની ગુણવત્તાનાં ધોરણો ઊંચાં અને વધુ ઊંચાં થતાં રહે અને જળવાઈ રહે એ જોવાની કામગીરી કરનારી એક નવી કેન્દ્રીય સંસ્થા, National Assessment and Accreditation Council (NAAC) નામની સ્વાયત્ત સંસ્થા, વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ ધારા 1956 અન્વયે 1996થી સ્થપાઈ. બૅંગાલુરુ મુકામે કાર્યરત થયેલી છે. આ સંસ્થા દ્વારા દેશની યુનિવર્સિટીઓ અને કૉલેજોનું નક્કી કરેલા સાત નિર્દેશકોના સંદર્ભે મૂલ્યાંકન કરી તેમને ગુણવત્તાનો આંક (grade) આપવામાં આવે છે. અલબત્ત, આવું ગુણવત્તા મૂલ્યાંકન કરાવવું એ જે તે સંસ્થા માટે મરજિયાત છે. આયોગ દ્વારા, ઉત્સાહમાં આવીને, તમામ યુનિવર્સિટીઓ અને કૉલેજોને ડિસેમ્બર 2003 સુધીમાં આવું મૂલ્યાંકન કરાવી લેવા સૂચવવામાં આવ્યું હતું; પરંતુ વાસ્તવમાં એ ગાળામાં ફક્ત 104 યુનિવર્સિટીઓ અને 1034 કૉલેજોએ જ તેમનું મૂલ્યાંકન કરાવેલું. આ ક્ષેત્રની આવી ધીમી ગતિ આયોગની ચિંતાનો એક વિષય છે જ પણ આયોગ પાસે એની યોજનાઓનું અમલીકરણ કરાવવાની કોઈ સત્તા ન હોવાથી, લાચાર બનીને એક પ્રેક્ષક તરીકે એ બધું એણે જોયા કરવાનું હોય છે. જોકે નિરાશ થયા વિના આયોગે, ગુણાંકનનો નિયત પ્રાપ્તાંક પ્રાપ્ત કરનારી સંસ્થાને, પાંચ વર્ષ સુધી વાર્ષિક પાંચ લાખ રૂપિયાનું અનુદાન આપવાનું આકર્ષણ (inducement) તો ચાલુ રાખેલ છે જ.

(4) અધ્યાપકસજ્જતા : ઉચ્ચ શિક્ષણક્ષેત્રે અધ્યાપક બનવા ઇચ્છનાર સૌ કોઈ માટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ 1986 અન્વયે, વ્યવસાય પ્રવેશ પરીક્ષા (National; Eligibility Test) હવે ફરજિયાત બનાવવામાં આવી છે. આ પરીક્ષા વર્ષમાં બે વાર, જૂન અને ડિસેમ્બર મહિનાઓમાં દેશમાં 62 જેટલાં પરીક્ષા-કેન્દ્રમાં લેવામાં આવે છે. પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી અથવા હિંદી રાખી શકાય છે. દેશનાં કેટલાંક રાજ્યોએ રાજ્યકક્ષાની આવી જ પરીક્ષા લેવા માંડી છે. ગુજરાતમાં આવી પરીક્ષા (State-Level Eligibility Test) વર્ષ 2002થી લેવાની વ્યવસ્થા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કરેલ છે. આ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી છે.

રાષ્ટ્રીય શિક્ષણનીતિ 1986 અન્વયે ઉચ્ચ શિક્ષણક્ષેત્રે અધ્યાપન કરતા અધ્યાપકોને ચાલુ નોકરીએ તાલીમ આપવાની કૉલેજો એકેડૅમિક સ્ટાફ કૉલેજો (Academic Staff College) સ્થાપવામાં આવી છે. આવી 51 જેટલી કૉલેજો હાલ (2004માં) કાર્યરત છે. તેઓ પાંચ વર્ષથી ઓછો અનુભવ ધરાવતા અધ્યાપકો માટે છ અઠવાડિયાંના ઓરિએન્ટેશન કોર્સ અને તેથી વધુ અનુભવવાળા અધ્યાપકો માટે જુદા જુદા વિષયોના ત્રણ અઠવાડિયાંની મુદતના રિફ્રેશર કોર્સ ચલાવે છે. આ કૉલેજોનું તમામ ખર્ચ આયોગ જ ભોગવે છે.

આ ઉપરાંત વ્યક્તિગત યુનિવર્સિટીઓ અને કૉલેજોને અધ્યાપકોની સેવાકાલીન તાલીમ માટે અધ્યાપક સુધારણા કાર્યક્રમ, યુનિવર્સિટી શિક્ષણ નેતૃત્વ કાર્યક્રમ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદો, શિક્ષકોના વિનિમય-તાલીમ કાર્યક્રમો વગેરે માટે આયોગ ઉદાર અનુદાન આપે છે.

(5) સંશોધનઉત્તેજન : આયોગે શિક્ષણ ઉપરાંત સંશોધન અને જ્ઞાનવિસ્તરણને ઉચ્ચ શિક્ષણનાં અનિવાર્ય કાર્યો ગણાવ્યાં છે. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ, દેશનાં અન્ય સંશોધન પ્રતિષ્ઠાનો, ધંધા, ઉદ્યોગ વગેરેનાં મથકો, વગેરે સાથે સહયોગ કરી, સંશોધનો હાથ ધરે એ માટેની યોજના (DRS) આયોગે અમલી બનાવેલ છે. દેશ-પરદેશની યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ સાથે સહયોગના કરારો (MOU) કરવા માટે પણ આયોગે ઊલટભેર મદદ કરેલ છે. યુનિવર્સિટીઓ આગળ આવી Science Park, Industrial Park વગેરે જેવાં નવપ્રસ્થાનો કરે એ માટે પણ આયોગ અનુદાન આપે છે. હવે તો અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને સંશોધન તરફ વાળી લેવા માટે આયોગે અસંખ્ય પ્રકારની Fellowship, Associateship વગેરે જેવી યોજનાઓ અમલમાં મૂકી છે. જોકે દેશના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની એક અત્યંત નબળી કડી તે સંશોધન અને વિકાસક્ષેત્ર(R & D)ની છે એમ કહેવું રહ્યું.

(6) શિક્ષણનું વ્યવસ્થાપન : દેશની યુનિવર્સિટીઓ અને કૉલેજોનું વ્યવસ્થાપન વૈજ્ઞાનિક ઢબે, વ્યવસાયમૂલક (professional) બને એ માટે આયોગે કેટલાંક અગત્યનાં પગલાં લીધાં છે. ઘણી બધી સંસ્થાઓના વહીવટનું computerisation કરાવવા આયોગે ઘણી મોટી સહાય કરી છે. સંસ્થાઓના વહીવટી કાર્યકરોને આ માટેની તાલીમ આપવાના તાલીમ વર્ગો યોજવા માટે આયોગ ઉદાર અનુદાન આપે છે. ઘણી બધી યુનિવર્સિટીઓ વહીવટ માટે Intra-net અને Internet સુવિધા ધરાવતી પણ થઈ છે.

યુનિવર્સિટી  કક્ષાએ કૉલેજ વિકાસ પરિષદ (College Development Council) અને રાજ્યકક્ષાએ ઉચ્ચ શિક્ષણ પરિષદ (Higher Education Council) સ્થાપવા આયોગે તમામ ખર્ચ ઉઠાવવાનું ધોરણ અપનાવેલું છે. આ સંસ્થાઓ ધંધા, ઉદ્યોગો, બિનસરકારી સંસ્થાઓ, જનસમાજ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ (alumni) વગેરેને જોતરીને ભાગીદારી (partnership) અને હિતધારક પરોવણી(stateholdership)ના સિદ્ધાંત પર ખુલ્લા, પારદર્શી અને જવાબદાર મૅનેજમેન્ટ તરીકાઓ અપનાવે છે.

(7) વૈશ્વિક પરિપ્રેક્ષ્ય : 1991થી ભારતમાં શરૂ થયેલી વૈશ્વિકીકરણની પ્રક્રિયાને યોગ્ય નેતૃત્વ પૂરું પાડનારું યુવાધન દેશની યુનિવર્સિટીઓ અને કૉલેજોમાંથી બહાર પડતું રહે એ વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ જોતું રહેવા બંધાયેલું છે. ઉચ્ચ શિક્ષણે હવે સ્થાનિક, પ્રાદેશિક કે રાષ્ટ્રીય કક્ષાનાં ગુણવત્તાનાં ધોરણોથી સંતુષ્ટ થઈને ન બેસી રહેતાં, વિશ્વકક્ષાનાં ધોરણો હાંસલ કરતા રહેવું પડશે.

આ માટે આયોગે 37 જેટલા દેશો સાથે શિક્ષણની આપ-લે માટેના કરાર (Memorandum of Understanding) કરેલા છે. સાર્ક (South Asian Association for Regional Cooperation) સમૂહના દેશો જોડે શિક્ષણ અને સંશોધનક્ષેત્રે વિનિમય અને સહકારના કરારો પણ તેણે કર્યાં છે. અનેક દેશો તરફથી અપાતી શિષ્યવૃત્તિઓ, ફેલોશિપ વગેરેની સવલતોનો લાભ યુનિવર્સિટીઓ અને કૉલેજોના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ લે એ માટે આયોગ માર્ગદર્શન સેવા આપે છે. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી (ઇગ્નૂ) જેવી દેશની યુનિવર્સિટીએ, આયોગના સહયોગમાં પરદેશમાં ઉચ્ચ શિક્ષણ સેવાઓની નિકાસ કરવાના કાર્યક્રમો હાથ પણ ધર્યા છે. એ રીતે વિદેશોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભારતની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં શિક્ષણ અને સંશોધન કાજે જોડાય એ માટે આયોગ માર્ગદર્શન આપવા ઉપરાંત કેટલીક પ્રોત્સાહન યોજનાઓને પણ અનુદાન આપે છે.

દાઉદભાઈ ઘાંચી