વિશિષ્ટાદ્વૈત : વિશિષ્ટાદ્વૈત પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનનો એક જાણીતો સિદ્ધાન્ત છે. તેના ઉત્તમ પુરસ્કર્તા રામાનુજ છે. તેઓ બૌધાયન, ટંક, દ્રમિડ વગેરે પૂર્વાચાર્યોના આ સિદ્ધાંતને ‘બ્રહ્મસૂત્ર’ પરના તેમના ‘શ્રીભાષ્ય’માં વ્યવસ્થિત રીતે પ્રતિપાદિત કરે છે. વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતના આધારરૂપ, બૃહદારણ્યક ઉપનિષદનું અંતર્યામિન્ બ્રાહ્મણ (37) છે. તદનુસાર, ઈશ્વર પૃથ્વીમાં રહે છે, પૃથ્વીની અંદર છે, જે ઈશ્વરને પૃથ્વી જાણી શકતી નથી, જે ઈશ્વરનું પૃથ્વી શરીર છે, જે ઈશ્વર પૃથ્વીનું નિયમન અંદર રહીને કરે છે. આ ઈશ્વર અન્તર્યામી અમૃત આત્મા છે. આ રીતે જલ, તેજ વગેરે અનેક જડ પદાર્થો વિશે વર્ણન કરેલું છે. તે નિરૂપણમાં વિજ્ઞાન (આત્મા, જીવાત્મા) વિશે પણ આવી જ વાત કરેલી છે. અર્થાત્ ઈશ્વર જીવાત્મામાં રહે છે, જીવની અંદર છે, જેને જીવ જાણી શકતો નથી અને જેનું શરીર જીવાત્મા છે. તે ઈશ્વર અંદર રહીને જીવનું નિયમન કરે છે, વગેરે. આમ આ શ્રુતિ પ્રમાણે, પૃથ્વી વગેરે (જડ =) અચિત્ પદાર્થો અને જીવાત્માઓ (ચેતન) ચિત્ પદાર્થો – આ બંને ઈશ્વરના શરીરરૂપ છે અને ઈશ્વર અંદર રહીને જડ-ચેતન બંનેનું નિયમન કરનાર અંતર્યામી છે. એટલે ચિત્ (જીવો) અને અચિત્ (જડ પદાર્થો)  આ બંને વિશેષણો (પ્રકારો) છે અને બ્રહ્મ (ઈશ્વર) વિશેષ્ય (પ્રકારિન-પ્રકારવાળું) છે. તેથી ચિત્-અચિત્ અને બ્રહ્મ વચ્ચે વિશેષણ-વિશેષ્યભાવ અથવા પ્રકાર-પ્રકારિભાવ અથવા શરીર-શરીરિભાવ છે. આ રીતે ચિત્ (જીવો)રૂપ વિશેષણથી વિશિષ્ટ બ્રહ્મ અને અચિત્ (જડ જગત)રૂપ વિશેષણથી વિશિષ્ટ બ્રહ્મ – આ બંને વિશિષ્ટ બ્રહ્મનું અદ્વૈત થાય છે. તેને વિશિષ્ટાદ્વૈત કહે છે. જેમ, શુક્લ (સફેદ), દીર્ઘ (લાંબો) પટ (વસ્ત્ર) – આમાં શુક્લત્વ-વિશેષણથી વિશિષ્ટ પટ; અને દીર્ઘત્વ વિશેષણથી વિશિષ્ટ પટ – બંને એક (અ-દ્વૈત) છે તેમ, જડ જગત અને જીવોરૂપ વિશેષણોથી વિશિષ્ટ બ્રહ્મનું અદ્વૈત થાય છે.

‘तत् त्वम् असि’ (છાન્દોગ્ય)  ‘તું (જીવ) તે (બ્રહ્મ) છે’ – આમાં રૂરૂન્  તે બ્રહ્મ વિશેષ્ય છે અને ત્વમ્ = જીવ વિશેષણ છે. અહીં, ‘સફેદ પટ’ની જેમ, જીવ અને બ્રહ્મની વચ્ચે, વિશેષણ-વિશેષ્ય ભાવથી અદ્વૈત સાધવામાં આવે છે. त्वम् –  તું ‘જીવ’ શબ્દથી પણ જીવરૂપી શરીરવાળા બ્રહ્મનો જ બોધ થાય છે. હવે चित् (જીવ) સદા ચૈતન્ય સ્વરૂપ હોવાથી નિત્ય છે. તેથી તેને अस्ति ‘છે’ એવા શબ્દથી વર્ણવાય છે; અને अचित् (જડ પદાર્થો) ક્ષણે ક્ષણે રૂપાંતર (પરિણામ) પામે છે. તેથી તેને नास्ति (નથી) શબ્દથી વર્ણવાય છે. આવું ચિત્-અચિત્ સ્વરૂપવાળું જગત્ વાસુદેવનું શરીર છે; અને વાસુદેવ તે શરીરનો આત્મા છે. આમ આ વિશિષ્ટાદ્વૈત મતમાં જડ જગતને વાસુદેવનું પરિણામ (રૂપાંતર) મનાય છે. પ્રલયમાં સૂક્ષ્મ રૂપે રહેલું જગત, ઈશ્વરની ઇચ્છાથી સ્થૂળ રૂપે રૂપાંતર પામે છે. એટલે આ મતમાં કાર્યકારણના સંદર્ભમાં પરિણામવાદ માનવામાં આવે છે. તેથી જગત બ્રહ્મનું જ શરીર હોવાથી, બ્રહ્મરૂપ હોવાથી સત્ય છે અને એ રીતે જીવ પણ સત્ય છે, જીવપણું કાલ્પનિક નથી.

ચિત્ પદાર્થ અર્થાત્ જીવો ભગવાનના શરીરરૂપ અને માત્ર જ્ઞાનરૂપ આકારવાળા જ છે; છતાં જીવો દેવાદિના જુદા જુદા આકારો(શરીરો)નો અનુભવ કરે છે અને આ રીતે અચિત્ (જડ) પદાર્થ (શરીર) રૂપાંતર પામતા રહે છે. માત્ર જ્ઞાનસ્વરૂપવાળા જીવને જુદાં જુદાં શરીરો કેમ ધારણ કરવાં પડે છે ? એનું કારણ વસ્તુનું યથાર્થ જ્ઞાન ન થવા દેનાર, જીવોનાં (સકામ) કર્મો છે. જીવ જ્યારે સકામ કર્મ કરતો બંધ થાય, પ્રભુની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી ભક્તિ કરે ત્યારે તેને સમ્યગ્ જ્ઞાન થાય છે કે તે પોતે વસ્તુત: દેવ કે મનુષ્ય વગેરે નથી; માત્ર બ્રહ્મના શરીર (અંશ)રૂપ, નિત્ય જ્ઞાનસ્વરૂપ જ છે, આવી સ્થિતિને મુક્તિ કહે છે.

ઉપનિષદમાં, એકને જાણી લેવાથી બધું જણાઈ જાય એવું નિશ્ચયાત્મક વિધાન કરેલું છે, તે પણ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતમાંથી ફલિત થાય છે. સૂક્ષ્મ સ્વરૂપે રહેલ ચિત્-અચિત્ વસ્તુના શરીરવાળું બ્રહ્મ કારણ બને છે અને સ્થૂળ સ્વરૂપે રહેલ ચિત્-અચિત્ વસ્તુના શરીરવાળું બ્રહ્મ કાર્ય બને છે. કારણરૂપ બ્રહ્મને જાણી લેવાથી, કાર્યરૂપ બ્રહ્મ આપોઆપ સમજાઈ જાય છે. સૂક્ષ્મ રૂપે રહેલી માટીને જાણી લે તે ઘટાદિ કાર્યોને અનાયાસે સમજી શકે છે. આનાથી કાર્યકારણનું અનન્યત્વ પણ સિદ્ધ થાય છે. વળી, ચિત્-અચિત્ (જીવ-જડ) સ્વરૂપવાળી, સર્વ વસ્તુઓનો જે સમૂહ છે, તેનું આત્મશરીરભાવથી જ બ્રહ્મની સાથે તાદાત્મ્ય છે. તેથી બ્રહ્મથી ભિન્ન સંપૂર્ણ પદાર્થો, તે બ્રહ્મના શરીરરૂપ હોવાથી જ વસ્તુ કહેવાય છે. તેથી જગતની કોઈ પણ વસ્તુને વર્ણવતો જે શબ્દ હોય તે શબ્દ, લૌકિક વ્યુત્પત્તિથી તે તે પદાર્થને વર્ણવીને, તે પદાર્થથી વિશિષ્ટ બ્રહ્મનો જ બોધ અંતે કરાવે છે. ઘટાદિ (દેવદત્તાદિ) શબ્દો, પ્રચલિત અર્થનો બોધ કરાવીને, અંતે તે પદાર્થરૂપી શરીરથી વિશિષ્ટ બ્રહ્મનો જ નિર્દેશ કરે છે. વળી, ‘આ સર્વ વસ્તુ આ બ્રહ્મના આત્માવાળી છે.’ (છાન્દોગ્ય 6-7-8) આ શ્રુતિવાક્યમાં કહેલું તાદાત્મ્ય (તેના જ સ્વરૂપનું હોવું) તે આ શરીરઆત્મભાવના લક્ષણવાળું તાદાત્મ્ય સમજવું.

વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતમાં ખરેખર તો ત્રણ તત્ત્વો છે : અચિત્ વસ્તુ (જડ પદાર્થો), ચિત્ વસ્તુ (જીવો) અને પરબ્રહ્મ. તેમાં જે અચિત્ પદાર્થો છે તે ભોગ્ય છે; જે ચિત્ પદાર્થો (જીવો) છે, તે ભોક્તા છે અને પરબ્રહ્મ નિયામક છે. આ રીતનો વસ્તુભેદ, શ્વેતાશ્વતર ઉપનિષદ(1-12)ને સુસંગત છે. વળી, જીવો ભોક્તા અને જડ પદાર્થો ભોગ્ય છે એ રીતે ચિત્ત-અચિત્ વસ્તુઓ સદાને માટે પરબ્રહ્મના શરીર રૂપે રહેલી છે અને પરબ્રહ્મ, તે ચિત્-અચિત્ વસ્તુઓથી ભિન્ન છે અને તે બન્ને વસ્તુઓનો નિયામક છે. એ સિદ્ધાંતને બૃહદારણ્યક ઉપનિષદના ‘અન્તર્યામિ બ્રાહ્મણ’(37)નું, પૂર્વે પ્રારંભમાં કહ્યું તેમ, સમર્થન પ્રાપ્ત છે. ઉપરાંત, સૂક્ષ્મ રૂપે રહેલ ચિત્-અચિત્રૂપી શરીરવાળું બ્રહ્મ, પોતાની ઇચ્છાથી, સ્થૂળ રૂપે રહેલું ચિત્-અચિત્રૂપી શરીરવાળું બ્રહ્મ બને છે. આ રીતે બ્રહ્મ જ જગતનું ઉપાદાનકારણ અને નિમિત્તકારણ છે. વળી, અચિત્નો સ્વભાવ જડતા, ચિત્નો સ્વભાવ ચૈતન્ય અને પરબ્રહ્મનો સ્વભાવ નિયામકપણું  આ ત્રણેયના સ્વભાવોનું, ચિત્ત્-અચિત્-નિયામક – એ ત્રણેયનો સમૂહ ઉપાદાનકારણ બને ત્યારે પણ, કાર્યરૂપ અવસ્થામાં મિશ્રણ થઈ જતું નથી  જડ ભોગ્ય છે તે ભોક્તા બની જાય છે કે ભોક્તા જીવ નિયામક બની જાય એવું મિશ્રણ થઈ જતું નથી; જેમ કે, એક પટ (વસ્ત્ર) છે. તેમાં ત્રણ રંગો છે  સફેદ, લાલ અને કાળો. પટ રચતી વખતે આ ત્રણેય રંગના તંતુઓનો સમૂહ ઉપાદાનકારણ તરીકે હોવા છતાં, એ પટની કાર્યાવસ્થામાં એ રંગોનું મિશ્રણ થઈ જતું નથી. તે તે તન્તુસ્થળે જ સફેદ વગેરે રંગ દેખાય છે; તેમ પરબ્રહ્મનાં ત્રણ તત્ત્વોના સ્વભાવનું મિશ્રણ કાર્યાવસ્થામાં થતું નથી. ચિત્-અચિત્રૂપી શરીરથી શરીરી બનતા પરમાત્માને ઉપનિષદોમાં સત્, ब्रह्म, आत्मा વગેરે શબ્દોથી વર્ણવેલ છે. વળી જેમ કોઈક મનુષ્યશરીરવાળા આત્મા વિષે કહેવામાં આવે કે – ‘આ આત્મા સુખી છે.’ આમાં શરીરને ‘આત્મા’ કહેવાથી કોઈ વિરોધ આવતો નથી તેમ ચિત્-અચિત્-વસ્તુના શરીરવાળા સમગ્ર પરમાત્માને માટે, ‘પરમાત્મા’ શબ્દ પ્રયોજવામાં કોઈ વિરોધ ઊભો થતો નથી.

વૈષ્ણવ સંપ્રદાયમાં યામુનાચાર્ય પછી મહાન આચાર્ય રામાનુજ થયા. તેમનાં માતા કાંતિમતી યામુનાચાર્યનાં પુત્રી હતાં અને તેમના પિતાનું નામ કેશવ યજ્વન્ હતું. યામુનાચાર્યના પુત્ર અને શિષ્ય મહાપૂર્ણ રામાનુજના મામા થતા હતા. રામાનુજનું મૂળ નામ લક્ષ્મણ પાડેલું હતું. પરંતુ, પાછળથી મહાપૂર્ણે તેમનું નામ ‘લક્ષ્મણ’ (અર્થાત્ રામના અનુજ, નાના ભાઈ) એટલે ‘રામાનુજ’ પાડ્યું. તેમણે વેદનું અધ્યયન પિતા પાસે પૂરું કર્યું. પિતાએ 16 વર્ષની ઉંમરે તેમનું લગ્ન કરાવી દીધું. પિતા કેશવ યજ્વનનું અવસાન થતાં રામાનુજ કાંચીમાં યાદવપ્રકાશને ત્યાં મીમાંસાદિ શાસ્ત્રો ભણવા ગયા. તેમની સાથે તેમની દ્યુમતી માસીના પુત્ર ગોવિંદ પણ ભણતા હતા. ત્યાં પૂર્વમીમાંસાનું અધ્યયન પૂરું થયું.

ઉત્તરમીમાંસાનું અધ્યયન રામાનુજ કરતા હતા, ત્યારે તેમાં છાન્દોગ્ય ઉપનિષદમાંનું એક વાક્ય આવ્યું – तस्य यथा कप्यासं पुण्डरीकम् एव अक्षिणी । (છા. 167) અર્થાત્ આદિત્યમાં રહેલા તે પુરુષની આંખો, વાંદરાના બેસવાના ભાગરૂપ લાલ કમળ જેવી છે. (पुण्डरीकનો અર્થ સામાન્યત: શ્વેત કમળ થાય છે. અહીં વિશેષ રીતે ‘લાલ કમળ’ એવો અર્થ લીધો છે.). ભગવાનના વર્ણનમાં આવતા कप्यास (कपि + आस) શબ્દનો ગુરુ યાદવપ્રકાશે એવો અભદ્ર અર્થ કર્યો તેથી રામાનુજની આંખોમાંથી અશ્રુ ટપકી પડ્યાં. પૂછવામાં આવતાં રામાનુજે જણાવ્યું કે ગુરુએ કરેલો એવો અર્થ સાંભળીને તેમને દુ:ખ થયું છે. પછી રામાનુજે कप्यास શબ્દના જુદા અર્થો કરી બતાવ્યા. कपि = સૂર્ય; અને आस અર્થાત્ સૂર્ય દ્વારા જે ફેંકાય છે, વિકસાવાય છે તે કમળ. અથવા क = જલ, તેમાં (अडप्यासे જે બેસે છે તે કમળ. અથવા क = જલને, (षी =) પીએ છે તે દાંડી; તેના ઉપર બેસે તે કમળ. શિષ્ય રામાનુજે કરેલા આવા અર્થો સાંભળીને ગુરુ યાદવપ્રકાશને તેમના પ્રત્યે દ્વેષ થયો. બીજા એક પ્રસંગે, सत्यं, ज्ञानम्, अनन्तं ब्रह्म (તૈત્તિ. 21)નો અર્થ ગુરુએ ‘નિર્ગુણ બ્રહ્મપરક’ કર્યો. રામાનુજે તેનો અર્થ ‘સગુણ બ્રહ્મપરક’ કર્યો, કારણ કે આગળના વાક્યમાં ઉપનિષદ કહે છે કે બ્રહ્મની સાથે આત્મા સર્વ કામને ભોગવે છે. બ્રહ્મ સગુણ હોય તો જ આ વાક્ય સુસંગત બને.

યાદવપ્રકાશ અને રામાનુજ વચ્ચે વૈમનસ્ય થાય એવો એક ત્રીજો પ્રસંગ બન્યો. તે કાંચીપ્રદેશના રાજાની પુત્રીના શરીરમાં બ્રહ્મરાક્ષસ પ્રવેશી ગયો હતો. તેને કાઢવા રાજાએ યાદવપ્રકાશને બોલાવ્યા. રામાનુજ વગેરે શિષ્યોની સાથે તેઓ રાજદરબારમાં ગયા અને અનેક મંત્રો બોલ્યા; પરંતુ રાજકુમારીના શરીરમાંથી બ્રહ્મરાક્ષસ દૂર થયો નહિ. અંતે, રામાનુજના પ્રભાવથી એ દૂર થયો. તેથી, રાજાએ રામાનુજ ઉપર કનક(સુવર્ણપાંદડી)નો અભિષેક કર્યો. રામાનુજે એ બધું સોનું ગુરુ યાદવપ્રકાશને આપી દીધું. આ પ્રસંગથી પણ યાદવપ્રકાશના, રામાનુજ પ્રત્યેના દ્વેષમાં વૃદ્ધિ થઈ.

એક વાર યાદવપ્રકાશ રામાનુજ વગેરે શિષ્યોને લઈને પ્રયાગની યાત્રા કરવા નીકળ્યા. દ્વેષને કારણે, યાદવપ્રકાશે રામાનુજને ગંગાના પ્રવાહમાં ડુબાડી દેવાની યોજના ઘડી હતી; પરંતુ તેમની સાથે ભણતા, માસીના પુત્ર ગોવિંદે, આ ખાનગી યોજનાની વાત રામાનુજને કહી દીધી. એ જ વખતે આંધી ચડી, વરસાદ પડ્યો. એ તકનો લાભ લઈ રામાનુજ સંઘથી છૂટા પડી ગયા. ઘોર અરણ્યમાંથી, ભીલના વેશમાં વિષ્ણુએ તેમને પાછા ઘેર પહોંચાડી દીધા, એમ કહેવાય છે; પરંતુ ફરીથી રામાનુજ, યાદવપ્રકાશના શિષ્ય તરીકે પાઠશાળામાં જોડાઈ ગયા.

રામાનુજ ગૃહસ્થી હતા; પરંતુ તેમનાં પત્ની તેમને અનુકૂળ નહોતાં. એક વાર રામાનુજે એક અતિથિને પોતાને ઘેર ભોજન માટે મોકલ્યો; પરંતુ તેમનાં પત્નીએ ભોજન કરાવ્યા વગર પાછો કાઢ્યો. આ જાણીને રામાનુજને ખૂબ દુ:ખ થયું. બીજા એક પ્રસંગે, રામાનુજ શૂદ્ર જાતિના પોતાના ગુરુ કાંચીપૂર્ણને ભોજન કરાવવા ઘેર લાવ્યા; પરંતુ ભોજન બાદ, રામાનુજનાં પત્નીએ, એ ભોજન-સ્થળને પાણી રેડી રેડીને પવિત્ર કરવાનો પ્રયત્ન કર્યો; કારણ કે કાંચીપૂર્ણ ઊતરતી જ્ઞાતિના હતા ! આથી રામાનુજને ખૂબ દુ:ખ થયું. વળી, એક ત્રીજા પ્રસંગે પણ પત્નીના વર્તનથી રામાનુજ દુ:ખી થયા હતા. રામાનુજને ઘેર તેમના મામા અને ગુરુ મહાપૂર્ણ, પત્ની સાથે રહેવા આવ્યા હતા. એક વાર મહાપૂર્ણનાં પત્ની દ્વારા જલનો એક છાંટો, અજાણતાં રામાનુજનાં પત્નીએ પીવા માટે રાખેલા પાણીમાં પડી ગયો. એનાથી ગુસ્સે થયેલાં રામાનુજનાં પત્નીએ ઝઘડો કર્યો. પત્નીના આવા પ્રતિકૂળ વ્યવહારથી કંટાળીને રામાનુજે તેમને પિયર મોકલી દીધાં. આ રીતે, તેમણે 30-32 વર્ષની ઉંમરે, પોતાના વૈષ્ણવ સંપ્રદાયની રીતે સંન્યાસ લીધો.

યામુનાચાર્યને પોતાના દૌહિત્ર રામાનુજને પોતાનો શિષ્ય બનાવવાની તીવ્ર ઇચ્છા હતી. રામાનુજ અત્યંત મેધાવી હોવાથી, શેષનાગનો અવતાર મનાતા હતા. મૃત્યુનો સમય સમીપ આવેલો જાણીને યામુનાચાર્યે, મહાપૂર્ણને કાંચીથી રામાનુજને શ્રીરંગમ્ લાવવા આજ્ઞા કરી. મહાપૂર્ણ રામાનુજને લઈને પાછા આવ્યા ત્યારે યામુનાચાર્યે દેહ છોડી દીધો હતો. રામાનુજ મૃતદેહની સમીપ ગયા ત્યારે, યામુનાચાર્યના હાથની ત્રણ આંગળીઓ વળેલી હતી. તે દ્વારા, તેમની ત્રણ ઇચ્છાઓ અધૂરી રહી છે એવો સંકેત થતો હતો. એક તો, બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખવાની ઇચ્છા હતી. બીજી ઇચ્છા સંપ્રદાયના મુનિ પરાશરના નામને, ગ્રંથો રચીને, તેમના નામે ચડાવીને પ્રસિદ્ધ કરવાની હતી. (અથવા બીજા એક મત પ્રમાણે, વધારેમાં વધારે લોકોને વૈષ્ણવ સંપ્રદાયની દીક્ષા આપવાની હતી) અને ત્રીજી ઇચ્છા હતી આલવાર મુનિ શઠકોપનું નામ પણ ગ્રંથ રચીને પ્રખ્યાત કરવાની (અથવા અન્ય મતાનુસાર, વૈષ્ણવ સંપ્રદાય ઉપર ખૂબ સાહિત્ય રચવાની). આ ત્રણેય ઇચ્છાઓ પૂરી કરવાની રામાનુજે પ્રતિજ્ઞા લીધી અને કહેવાય છે કે તુરત જ શબની વળેલી આંગળીઓ સીધી થઈ ગઈ.

રામાનુજે, યામુનાચાર્યના જુદા જુદા શિષ્યો પાસેથી, બધી વિદ્યાઓ શીખી લીધી. મહાપૂર્ણ પાસેથી શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ, પુરાણ અને પંચરાત્રનું શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યું. યામુનાચાર્યના શૂદ્ર શિષ્ય કાંચીપૂર્ણ પાસેથી સંપ્રદાયનો દીક્ષામંત્ર લીધો. રામાનુજાચાર્ય અત્યંત ઉદાર મનવાળા હતા. તેમણે જૈન, બૌદ્ધ, શૂદ્ર સર્વને પોતાના વૈષ્ણવ સંપ્રદાયમાં લીધા હતા.

ચોલનો રાજા કુલોત્તુંગ ધર્માંધ શૈવ હતો. શૈવેતર ધર્મના લોકો ઉપર ત્રાસ ગુજારતો હતો. शिवात् परतरं नास्ति, અર્થાત્ શિવથી વધારે શ્રેષ્ઠ કોઈ તત્વ નથી  એમ ન સ્વીકારનાર કુરેશ અને મહાપૂર્ણ સ્વામીની આંખો તેણે ખેંચાવી કાઢી હતી. રામાનુજ આવા ત્રાસથી બચવા માટે શ્રીરંગ છોડીને મૈસૂર ગયા. ત્યાંના રાજાની પુત્રીનો રોગ રામાનુજે દૂર કર્યો; તેથી તે જૈનધર્મી રાજાએ વૈષ્ણવ ધર્મ સ્વીકાર્યો. તેને વિષ્ણુવર્ધનદેવ એવું નામ આપવામાં આવ્યું. રામાનુજે અનેક વૈષ્ણવમંદિરો બંધાવ્યાં. શ્રીવૈષ્ણવ સંપ્રદાયનો પૂજાવિધિ નિશ્ચિત કર્યો અને અમુક સાંપ્રદાયિક ઉત્સવો નિશ્ચિત કર્યા.

કહેવાય છે કે રામાનુજના પૂર્વેના ગુરુ યાદવપ્રકાશ; રામાનુજના શિષ્ય કુરેશથી પરાજિત થઈને, તેમના શિષ્ય બન્યા હતા. કાશીના એક અદ્વૈતવાદી પંડિત યજ્ઞમૂર્તિને વાદમાં હરાવીને રામાનુજાચાર્યે તેને શિષ્ય બનાવ્યો હતો. પછી રામાનુજાચાર્યે, યામુનાચાર્યના મૃતદેહ પાસે લીધેલી પ્રતિજ્ઞાઓ પૂરી કરવાનો પ્રયત્ન શરૂ કર્યો. પોતાના શિષ્ય કુરેશની સાથે કાશ્મીર સરસ્વતી-પીઠ ગયા. ત્યાંના ગ્રંથાલયમાં બોધાયનમુનિની, બ્રહ્મસૂત્ર ઉપરની વૃત્તિ જોઈ; પરંતુ ગ્રંથાલયના અધિકારીએ તે વૃત્તિની નકલ કરવા દીધી નહીં. રામાનુજના શિષ્યે એ વૃત્તિ યાદ કરી લીધી હતી એમ કહેવાય છે. આ વૃત્તિને આધારે રામાનુજાચાર્યે બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યું. તે ભાષ્યને સરસ્વતી સમક્ષ મૂક્યું. દેવીએ તે ભાષ્યને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યું અને તે ભાષ્યને ‘શ્રીભાષ્ય’ એવું નામ આપ્યું. આ કૃતિના પ્રથમ સૂત્ર-ભાષ્યમાં રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈતવાદ વગેરે મુખ્ય સિદ્ધાંતોનું નિરૂપણ કરેલું છે. તે પ્રથમ સૂત્ર-ભાષ્યમાં શંકરાચાર્યના, નિર્ગુણ બ્રહ્મવાદ, સંવિત્-સ્વરૂપ, અવિદ્યા વગેરેનું રામાનુજાચાર્યે ન્યાયશાસ્ત્રસંમત પંચાવયવી ન્યાયને આધારે સવિસ્તર ખંડન કરેલું છે. બ્રહ્મસૂત્ર ઉપરનું શ્રીભાષ્ય એ રામાનુજાચાર્યની સૌથી મહત્વની કૃતિ છે. આ શ્રીભાષ્યના સવિસ્તર સારરૂપ, રામાનુજે ‘વેદાન્તદીપ’ અને પોતાના ભાષ્યના સંક્ષિપ્ત સારરૂપ ‘વેદાન્તસાર’ નામની કૃતિઓ રચી.

રામાનુજાચાર્યે ગીતા ઉપર ભાષ્ય લખ્યું. તેમાં પ્રપત્તિ (શરણાગતિ) માર્ગ અભિપ્રેત હોવાનું તેમનું પ્રતિપાદન છે. કેવળ કોરા જ્ઞાનના સાધનથી, ઉપાસના વગર, મુક્તિ પ્રાપ્ત થતી નથી એ વાત તેમણે સ્પષ્ટ કરી. તદુપરાંત ‘શ્રી રંગગદ્ય’ નામનો ગ્રંથ તેમણે રચ્યો. તેમાં રામાનુજાચાર્ય 25 પંક્તિઓમાં પોતાને કિંકર બનાવવાની ભગવાનને વિનંતિ કરે છે. ‘શરણાગતિ-ગદ્ય’ નામના ગ્રંથમાં 100 પંક્તિઓમાં પ્રતિપાદન કર્યું કે ઈશ્વર બધા મંગલગુણોથી પરિપૂર્ણ છે. તેમાં વિશિષ્ટાદ્વૈતના સિદ્ધાંતોનું નિરૂપણ છે. તદુપરાંત ‘શ્રી વૈકુણ્ઠગદ્ય’ નામના ગ્રંથમાં 65 પંક્તિઓમાં રામાનુજાચાર્યે કૃપામાર્ગના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું.

વળી, આચાર્યે ‘વેદાર્થસંગ્રહ’ નામનો ગ્રંથ રચી અને તેમાં ઉપનિષદનાં વાક્યોનું અર્થઘટન, પોતાના વિશિષ્ટાદ્વૈતવાદને અનુરૂપ કરી બતાવ્યું. તેમાં શંકરાચાર્ય, ભાસ્કરાચાર્ય વગેરેએ કરેલા અર્થઘટનનું ખંડન કર્યું. તત્વજ્ઞાનની દૃષ્ટિએ આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે. આ ઉપરાંત રામાનુજાચાર્યે ‘નિત્યગ્રંથ’ નામની કૃતિ પણ રચી. તેમાં તેમણે ભગવાનની આરાધનાનો ક્રમ 50 પૃષ્ઠોમાં દર્શાવ્યો છે. પંચરાત્ર શાસ્ત્રના સિદ્ધાંતોનો આ લઘુગ્રંથ રામાનુજ સંપ્રદાયમાં મહત્વનો ગણાય છે. વળી, પોતાના વિદ્વાન શિષ્યો દ્વારા સંપ્રદાય-ગ્રંથો રચાવીને સંપ્રદાયમાં પરાશર મુનિ તેમજ શઠકોપમુનિનાં નામ જળવાય એવું પણ તેમણે કર્યું.

લક્ષ્મેશ જોશી