વિશિષ્ટીકરણ (specialisation) : વિષયોનું અધિવિશેષ વિભાજન. સંસ્કૃતિના આરંભકાળથી જ મનુષ્ય પોતાની પ્રકૃતિ, ઉપલબ્ધ સાધનસામગ્રી અને કૌશલ્યનો સમન્વય કરી પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા પ્રયત્નશીલ રહ્યો છે. મનુષ્યે પોતે સ્થાયી થયા પછી પોતાની પ્રકૃતિ અને અભિરુચિને અનુરૂપ વ્યવસાય અપનાવવાના પ્રયત્નો કર્યા છે. મનુસ્મૃતિમાં કાર્યવિભાજનના સિદ્ધાંત હેઠળ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રને વિવિધ કાર્યોની ફાળવણી કરવામાં આવી હતી. સમયાંતરે જ્ઞાનની ક્ષિતિજોનું વિસ્તરણ થતાં અને વસ્તીમાં ગણનાપાત્ર વૃદ્ધિ અનુભવાતાં આ ચાર વિભાગોનું વધુ વિશિષ્ટીકરણ થયું હતું. શિક્ષક, શાહુકાર, વ્યાપારી, સુથાર, લુહાર, કુંભાર, વણકર વગેરેએ પોતાની અભિરુચિ અનુસાર વ્યવસાયોમાં વિશિષ્ટતા કેળવી હતી. અભિરુચિના કામમાં ઊંડા ઊતરી, કુશળતા કેળવી નિપુણતા મેળવી હતી. એક મનુષ્ય જાતે જ આ સર્વ કાર્યો કરવા પ્રયત્ન કરે તો ક્ષમતાના અભાવને કારણે દરેક કાર્યમાં સંતોષજનક પરિણામ મેળવી ન શકે અને કામમાં કોઈ બરકત પણ ન આવે. તેથી વિશિષ્ટીકરણને સમાજમાં મહત્વનું પ્રદાન ગણવામાં આવે છે.

ઔદ્યોગિકીકરણના આરંભકાળમાં તેના પ્રણેતા જાણીતા અર્થવિદ્ આદમ સ્મિથે કાર્યવિભાજનને મહત્તમ ઉત્પાદનનો લાભ મેળવવાની એક વિશિષ્ટ પદ્ધતિ તરીકે વર્ણવ્યું છે. ટાંકણીઓનું ઉત્પાદન કરતા એક કારખાનાની મુલાકાત લેતાં તેમણે નોંધ્યું હતું કે ટાંકણી બનાવવાની પ્રક્રિયાના વિભાજનમાં એક કામદારને તાર ખેંચતાં, બીજાને તેને સીધો કરતાં, ત્રીજાને તે કાપતાં, ચોથાને તેની અણી કાઢતાં અને પાંચમાને તેનું માથું બનાવતાં નિહાળ્યો હતો. આ કાર્યવિભાજનને પરિણામે ટાંકણીઓના ઉત્પાદનમાં ગણનાપાત્ર વૃદ્ધિ પ્રાપ્ત થઈ હતી, જે એક જ કામદાર આ સઘળી ક્રિયાઓ કરતો હોત તો થઈ શકી ન હોત. વૈજ્ઞાનિક સંચાલનના પિતા સમાન અમેરિકન એફ. ડબ્લ્યૂ. ટેઇલરે કામદારોની દરેક ક્રિયાના સમયનો અભ્યાસ કરી કાર્યનું નાના, સરળ અને અલગ ક્રિયાઘટકોમાં વિભાજન કર્યું હતું. તેમને સોંપેલી ક્રિયાની વિશિષ્ટતા કેળવી એક જ ક્રિયાના પુનરાવર્તન દ્વારા ઉત્પાદનમાં ગણનાપાત્ર વૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે તેવો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો હતો. કામદારને સરળ ક્રિયા કરવાની તાલીમ આપવી, તે માટેનું ક્રિયાકૌશલ્ય શીખવવું તેમજ પુનરાવર્તન કરવું સહેલું હોય છે. વિશિષ્ટીકરણમાં દરેક કામદારે તેને સોંપેલી ક્રિયા જ વારંવાર કરવાની હોવાથી તેમાં નિપુણતા આવે છે. એક જ ક્રિયા પરથી બીજી ક્રિયા પર જવામાં અને તેની ફેરબદલીમાં વ્યય થતા સમયની બચત થાય છે. એ બધાં કારણોથી ઉત્પાદનવૃદ્ધિ થાય છે. વળી તેથી ઉત્પાદનખર્ચમાં ઘટાડો થાય છે અને તે ગ્રાહકને ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ સસ્તી કિંમતે વેચી શકાય છે.

સમાજમાં સ્વીકારાયેલ વિશિષ્ટીકરણની પદ્ધતિ સ્થાનિક, પ્રાદેશિક, તેમજ દેશવિદેશના સ્તર પર પણ એકસરખી અસરકારક નીવડી શકી છે. દરેક સ્તરે વિશિષ્ટતા અનુસાર ઉત્પાદિત વસ્તુની ગુણવત્તા ઊંચી અને કિંમત કિફાયત રહેવાથી વ્યાપાર-વિનિમય માટે તે લાભદાયક નીવડે છે. અર્થશાસ્ત્રનો આ સિદ્ધાંત આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં સઘળા દેશોને આવરી લે છે.

જ્ઞાનની ક્ષિતિજોનું વિસ્તરણ થતાં મનુષ્યો માટે દરેક વિષયનું ઊંડું જ્ઞાન ઉપલબ્ધ કરવું લગભગ અશક્ય બની ગયું છે; તેથી દરેક વ્યવસાયનું પુનર્વિભાજન કરીને તેનું વિશિષ્ટીકરણ કરવામાં આવે છે; દા.ત., શિક્ષકોમાં ગણિત, ઇતિહાસ, ભૂગોળ, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગુજરાતી, સંસ્કૃત, હિંદી વગેરે વિષયોમાં નિપુણતા મેળવાય છે. આ વિષયોનું પણ વિશિષ્ટીકરણ કરવામાં આવે છે; દા.ત., ભૌતિકશાસ્ત્રનાં મહત્વનાં વિભાજનોમાં ધ્વનિ, ઉષ્માયાંત્રિકી, ન્યૂક્લિયર ફિઝિક્સ, વર્ણપટ-વિજ્ઞાન, અણુ અને પરમાણુ, ઘનાવસ્થા, પ્લાઝ્મા, લેઝર, વીજાણુ, ખભૌતિકી વગેરેમાં વિશિષ્ટ જ્ઞાન મેળવી સમાજને તેનું પ્રદાન કરવામાં આવે છે. તેવી જ રીતે લેખકો નવલકથા, નવલિકા, ગદ્યલેખો, વિવેચનો, કાવ્યો, હાસ્યલેખો, બાળવાર્તાઓ, સાહસકથાઓ તૈયાર કરી પોતાની અભિરુચિ વ્યક્ત કરે છે.

વિશિષ્ટીકરણના નવમા પાસામાં દરેક કાયદાનું એક જ ક્રિયાના  પુનરાવર્તનથી કામમાંથી તેનું મન ઊતરી જાય એવું બને છે. કાર્લ માર્કસના મંતવ્ય મુજબ, કાર્યના વિભાજનને પરિણામે, કામદારનું એક જ ક્રિયાનું પુનરાવર્તન તેને કાર્ય પૂર્ણ કરવાના સંતોષ કે ગર્વની લાગણીથી વંચિત રાખે છે. કામદાર કંટાળીને વારંવાર ગેરહાજર રહેવાની ઇચ્છા દર્શાવે છે. તેના ઉપાય તરીકે કંપનીઓ કામદારોને કાર્યની પસંદગી કરવાની, તેમાં ફેરબદલી તથા બહુલક્ષી કામગીરી કરવાની તક આપે છે.

ન્યૂનતમ સાધનસામગ્રી વડે, ન્યૂનતમ પ્રયત્નોથી, ન્યૂનતમ સમયમાં સર્વોત્તમ ઉત્પાદન મેળવવાની વ્યવસ્થાને શ્રેષ્ઠ સંચાલન ગણવામાં આવે છે. વ્યવસાયોનું વિશિષ્ટીકરણ તેનું અગત્યનું પાસું છે.

જિગીષ દેરાસરી