વિલ્સન, ચાર્લ્સ થૉમ્સન રીઝ (. 14 ફેબ્રુઆરી 1869, ગ્લેનકોર્સ, સ્કૉટલૅન્ડ; . 15 નવેમ્બર 1959, કર્લોટસ, પીબલશાયર) : બાષ્પના ઘનીભવન દ્વારા વિદ્યુતભારિત કણોનો પથ દૃશ્યમાન થાય તેવી પદ્ધતિ શોધવા બદલ (એ. એચ. કૉમ્પટનની ભાગીદારીમાં) 1927નો નોબેલ પુરસ્કાર મેળવનાર બ્રિટિશ ભૌતિકવિજ્ઞાની.

સ્કૉટલૅન્ડના ભૌતિકવિજ્ઞાની વિલ્સને માન્ચેસ્ટરમાં રહીને જીવવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. સમયાંતરે તે કેમ્બ્રિજ ગયા; જ્યાં તેમને ભૌતિકવિજ્ઞાનમાં રસ પડ્યો. તેમણે ચાર વર્ષ માટે બ્રેડફૉર્ડમાં શિક્ષણકાર્ય કર્યું. ત્યારબાદ 1896માં તેઓ કેમ્બ્રિજ પાછા આવ્યા. અહીં તેમણે લાંબા સમય સુધી કાર્ય કર્યું અને પોતાની કારકિર્દી ઘડી.

વાદળ-નિર્માણની તેમની શોધ માટે, ચાર્લ્સ વિલ્સને 1911માં એક ઉપકરણ તૈયાર કર્યું; જેનાથી જળ-બાષ્પનું રજમુક્ત હવામાં ઘનીભવન થઈ શકે. જ્યારે પ્રસાર-કક્ષને નળીમાંથી આવતાં X-કિરણો વડે કિરણિત (irradiated) કરવામાં આવતાં તેની અંદર આયનો પેદા થાય છે. વિલ્સનને જોવા મળ્યું કે આવા આયનો ઉપર જળ-બાષ્પનું ઘનીભવન  થાય છે. જે માર્ગે થઈને વિદ્યુતભારિત કણ પસાર થાય છે ત્યાં આયનો પેદા થાય છે અને તેમના ઉપર બાષ્પ ઘનીભૂત થાય છે. આ સાથે તેમણે વિદ્યુતભારિત કણના પથની તસવીર લેવા માટે ફોટોગ્રાફીની વ્યવસ્થા પણ કરી.

ચાર્લ્સ થૉમ્સન રીઝ વિલ્સન

આ રીતે વિદ્યુતભારિત કણનો પથ દૃશ્યમાન થાય છે. જ્યારે કક્ષને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે બાષ્પનું પથચિહ્ન (trail) આવે છે. તે એક અથવા બીજી બાજુએ વંકાય છે. કઈ દિશામાં વંકાય છે તેના ઉપરથી વિદ્યુતભારિત કણ ધન છે કે ઋણ તેનો ખ્યાલ આવે છે. સદર વાદળ-કક્ષ (cloud chamber) બ્રહ્માંડ(cosmic)-કિરણોને લગતા સંશોધન માટે ખૂબ મૂલ્યવાન ઉપકરણ પુરવાર થયું. કણ-ભૌતિકવિજ્ઞાનીઓ માટે આ ઉપકરણ આવકારદાયક અને ઉપયોગી થયું. 1920થી 1940ના સમયગાળામાં આ ઉપકરણનો ખૂબ જ ઉપયોગ થતો રહ્યો. વિલ્સન વાદળ-કક્ષ 1950થી ’60ના ગાળામાં ગ્લેઝરના બબલ-ચેમ્બરનો પુરોગામી રહ્યો.

પ્રહલાદ છ. પટેલ