કુકરબિટેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ કુળ સામાન્યત: ઉષ્ણ અને અધોષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલું છે; આમ છતાં કેટલીક જાતિઓ ‘સમશીતોષ્ણ કટિબંધમાં મળી આવે છે. આ કુળમાં લગભગ 100 પ્રજાતિઓ અને 850 જેટલી જાતિઓનો સમાવેશ થયેલો છે. ગુજરાતમાં આ કુળની 15 પ્રજાતિઓ અને 34 જેટલી જાતિઓ થાય છે. કેટલીક જાણીતી વનસ્પતિઓમાં લાલ કોળું (Cucurbita maxima), કાકડી (Cucumis Sativus), તરબૂચ (Citrullus vulgaris), ટીંડોરાં (Loccinia prandis), કારેલાં (Momordica charantia) વગેરે છે. Cayaponia (70 જાતિઓ) અને Melothria (60 જાતિઓ) મોટી પ્રજાતિઓ છે.
આ કુળની મોટાભાગની જાતિઓ એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય છે. Acanthosicyos ક્ષુપસ્વરૂપ અને Dendrosicyos નાનું, વૃક્ષસ્વરૂપ ધરાવે છે. પ્રકાંડ પંચકોણીય, અશક્ત અને સૂત્રારોહી હોય છે. તે પાણી જેવો રસ ધરાવે છે.
પ્રકાંડમાં વાહીપુલો ઉભયપાર્શ્ર્વસ્થ (bicolateral) હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક, હૃદયાકાર, પાણિવત્ (palmate) છેદનને કારણે પાંચ ખંડોનાં બનેલાં, લાંબા પર્ણદંડયુક્ત, બહુશિરી (multicostate) જાલાકાર (reticulate) અપસારી (divergent) શિરાવિન્યાસવાળાં અને અનુપપર્ણીય (exstipulate) હોય છે. Kedrostisમાં કંટકીય ઉપપર્ણો જોવા મળે છે.
પુષ્પવિન્યાસ કક્ષીય પરિમિત (cyme) પ્રકારનો હોય છે; છતાં ઉત્ક્રાંતિ દરમિયાન તે અવનમન (reduced) પામતાં એકાકી(soliary)માં પરિણમે છે. Luffa પ્રજાતિમાં કલગી (raceme) પ્રકારનો પુષ્પવિન્યાસ હોય છે.
પુષ્પ નિયમિત, એકલિંગી, એકગૃહી [monoecious; દા.ત., Luffa (તૂરિયું, ગલકું)] કે દ્વિગૃહી [dioecious; દા.ત., Coccinia (ટીંડોરાં)], ક્વચિત જ દ્વિલિંગી (દા.ત., Schizopepon) ઉપરિજાય (epigynous) અને પંચાવયવી (pentamerous) હોય છે. વજ્ર 5-વજ્રપત્રોનું બનેલું, યુક્તવજ્રપત્રી (gamosepalous), ઘંટાકાર અને ધારાસ્પર્શી (valvate) હોય છે. માદા પુષ્પમાં વજ્ર બીજાશય સાથે અભિલાગ (adhesion) પામી વજ્રનલિકા બનાવે છે. દલપુંજ 5-દલપત્રોનો બનેલો, યુક્તદલપત્રી (gamopetalous) કે મુક્તદલપત્રી (polypetalous), ઘંટાકારથી માંડી ચક્રાકાર કે દીપકાકાર હોય છે અને કોરછાદી (imbricate) કે ધારાસ્પર્શી હોય છે. દલપુંજ વજ્રનલિકા પરથી ઉદભવે છે.
નરપુષ્પમાં સામાન્યત: પાંચ અથવા કેટલીક વાર ત્રણ પુંકેસરો હોય છે. Favilleaમાં મુક્ત પુંકેસરો દલપત્રો સાથે એકાંતરિક રીતે ગોઠવાયેલાં હોય છે. ઘણીખરી જાતિઓમાં પુંકેસરો સંલાગ (cohesion) પામી પુંકેસરીય સ્તંભ બનાવે છે. કુકરબિટેસી કુળમાં પુંકેસરચક્રની છ પ્રકારની સ્થિતિ જોવા મળે છે :
(1) 3 પુંકેસરો – યુક્તપુંકેસરીય (synandrous) કે સંપરાગ (syngenesious);
(2) 3 પુંકેસરો – એક મુક્ત, બે યુક્ત;
(3) પુંકેસરો – ત્રણેય મુક્ત
(4) 5 પુંકેસરો – પાંચેય મુક્ત
(5) Thaladianthaમાં ચાર પુંકેસરના તંતુઓ તલભાગેથી સંલાગ પામી પુંકેસરોની બે જોડ બનાવે છે અને પાંચમું પુંકેસર મુક્ત રહે છે.
(6) 5-પુંકેસરો – પાંચેય પુંકેસરોના તંતુઓ સંલાગ પામી પુંકેસરીય સ્તંભ બનાવે છે. એક પુંકેસરનું પરાગાશય મુક્ત રહે છે. બાકીનાં ચાર પુંકેસરના પરાગાશયો બે જોડીમાં (2) + (2)માં સંલાગ પામે છે. તેથી એક પુંકેસર નાનું અને બે મોટાં હોય તેમ લાગે છે; દા.ત., Momordica, Citrullus. Cucurbitaમાં પુંકેસરીય સ્તંભ પર આવેલાં પરાગાશયો પરસ્પર કુંતલાકારે વીંટળાયેલાં હોય છે અને તંતુઓ તલસ્થ ભાગે એકબીજાથી મુક્ત હોય છે. પરાગાશય લહરદાર (sinuous) અને એકકોટરીય હોય છે. નરપુષ્પમાં વંધ્ય સ્ત્રીકેસરો(pistillode)ના અવશેષો હોય છે.
માદા પુષ્પ પ્રાથમિકપણે પાંચ સ્ત્રીકેસરો ધરાવે છે; પરંતુ સામાન્યત: ત્રિયુક્તસ્ત્રીકેસરો કે કેટલીક વાર ચાર સ્ત્રીકેસરો જોવા મળે છે. બીજાશય અધ:સ્થ (inferior) હોય છે અને એકકોટરીય, ચર્મવર્તી (parietal) કે, ત્રિ કે, ષટ્કોટરીય કૂટઅક્ષવર્તી જરાયુવિન્યાસ ધરાવે છે. છેલ્લા પ્રકારના જરાયુવિન્યાસમાં સ્ત્રીકેસરોની ધારો પર ઉદભવેલા જરાયુઓ વૃદ્ધિ પામી કેન્દ્રમાં પરસ્પર જોડાઈ કૂટ અક્ષ બનાવે છે. તેના પરથી વિકસતો પ્રત્યેક જરાયુદંડ બેમાં વિભાજાઈ બીજાશયની દીવાલ પાસે બે કે તેથી વધારે અધોમુખી (anatropous) અંડકો ધારણ કરે છે. પરાગવાહિની સ્તંભીય અને જાડી હોય છે. પરાગાસન ત્રિશાખિત હોય છે. કેટલીક વખત આ ત્રણેય શાખાઓ પુન: વિભાજન પામે છે, અથવા ખાંચોવાળી બને છે. માદા પુષ્પમાં વંધ્ય પુંકેસરો(staminodes)ના અવશેષો હોય છે. ફળ અનષ્ઠિલ પેપો (pepo) પ્રકારનાં હોય છે; જેમાં બીજ ચપટાં અને અભ્રૂણપોષ(non-endospermous)નાં હોય છે. બીજપત્રો મોટાં, પુષ્ટ અને માંસલ હોય છે.
પુષ્પીય સૂત્ર (floral formula) :
માદા પુષ્પ
વનસ્પતિઓ : (1) Trichosanthes dioica (પરવળ), (2) Momordica charantia d. (કારેલાં), (3) M. dioica (કંકોડાં), (4) Luffa cylindrica (ગલકાં), (5) L. acutangula (તૂરિયું), (6) Cucumis sativus (કાકડી), (7) C. Melo (સકરટેટી, ખરબૂચાં), (8) Bryonopsis laciniosa (શિવલિંગી), (9) Citrullus lanatus (તરબૂચ), (10) C. colocynthis (ઇન્દ્રવરણાં), (11) Coccinia grandis small (ટીંડોરાં, ઘિલોડી), (12) Laginaria Leucantha (દૂધી), (13) Cucurbia maxima (લાલ કોળું), (14) C. Pepo (સાકરકોળું), (15) Benincasa hispida (સફેદ કોળું).
પરવળ, કારેલાં, કંકોડાં, તૂરિયાં, ગલકાં, કાકડી, દૂધી, લાલ કોળું વગેરે આ કુળની મોટાભાગની વનસ્પતિઓ શાકભાજી તરીકે ઉપયોગી છે. તરબૂચ અને સકરટેટી ખાદ્ય ફળો છે. સફેદ કોળામાંથી મુરબ્બો બનાવવામાં આવે છે. દૂધીમાંથી બનતાં તૂંબડાં પહેલાંના જમાનામાં ચંબુ તરીકે વપરાતાં હતાં. માછીમારો તેનો તરાપામાં ઉપયોગ કરે છે. ઇન્દ્રવરણાં અને શિવલિંગી જેવી વનસ્પતિઓ ઔષધીય ગુણધર્મો ધરાવે છે. Benincasa, Ecballium, Sicyos જેવી 16 જેટલી પ્રજાતિઓ શોભાની વનસ્પતિઓ તરીકે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે.
બળદેવભાઈ પટેલ