અવશોષણ (absorption) : એક દ્રવ્યનું બીજા દ્રવ્ય વડે શોષણ (દા.ત., વાયુનું પ્રવાહીમાં શોષણ, શાહીચૂસ વડે શાહીનું શોષણ વગેરે) અથવા કોઈ માધ્યમમાંથી પસાર થતા વિકિરણ(radiation)ની ઊર્જાનું તે માધ્યમ વડે થતું શોષણ. અવશોષણ દ્રવ્યના સમગ્ર જથ્થાને અસર કરે છે, જ્યારે અધિશોષણ (adsorption) ફક્ત સપાટી પૂરતું મર્યાદિત રહે છે. તરંગરૂપ (અથવા કણરૂપ) વિકિરણ કોઈ એક માધ્યમમાંથી પસાર થતાં તેની ઊર્જાનું માધ્યમમાં સ્થળાંતર (transfer) થાય છે. રેડિયોઍક્ટિવ પદાર્થમાંથી ઉત્સર્જિત થતા કણોની ઊર્જા માધ્યમના અણુઓમાં સ્થળાંતરિત થતાં આ કણો માધ્યમમાં શોષાઈ જાય છે. તરંગરૂપ વિકિરણની ઊર્જાનું અલ્પ પ્રમાણમાં અવશોષણ થાય તો તે માધ્યમને પારદર્શક ગણવામાં આવે છે. જો ઊર્જાનું સંપૂર્ણપણે માધ્યમમાં અવશોષણ થાય તો તે માધ્યમને અપારદર્શક ગણવામાં આવે છે. વિવિધ પદાર્થોનું (માધ્યમોનું) અવશોષણ વરણાત્મક (selective) હોય છે, એટલે કે વિવિધ પદાર્થો વિશિષ્ટ તરંગલંબાઈવાળા વિકિરણનું જ શોષણ કરે છે. લીલો કાચ લીલા પ્રકાશને જ પસાર થવા દે છે અને વાદળી તથા લાલ પ્રકાશ પરત્વે અપારદર્શક હોય છે. કઠિન (hard) રબર ઇન્ફ્રારેડ તથા X-કિરણો માટે પારદર્શક, પણ દૃશ્ય પ્રકાશ માટે અપારદર્શક હોય છે. વિશિષ્ટ પ્રકારના પ્રકાશ(વિશિષ્ટ તરંગલંબાઈ/લંબાઈઓના પટા)ને શોષવા માટે વપરાતી રંગીન કાચની તકતીઓને ફિલ્ટર કહે છે. અવશોષણનો આધાર માધ્યમની જાડાઈ (thickness) તથા શોષણ કરનાર પદાર્થની સાંદ્રતા ઉપર છે. આ બાબતને નીચેના સમીકરણ વડે રજૂ કરાય છે :
α = εcl
α = અવશોષણાંક, ε = અચળાંક (પદાર્થની પ્રકૃતિ તથા વિકિરણની તરંગલંબાઈ પર આધારિત), c = સાંદ્રતા, l = પ્રકાશપથની લંબાઈ (માધ્યમની જાડાઈ). આ બિયર-લૅમ્બર્ટના નિયમ તરીકે ઓળખાય છે અને રસાયણ તથા ભૌતિકશાસ્ત્રમાં દ્રાવણમાંના ઘટકોનું પ્રમાણ જાણવા માટે ઉપયોગી થાય છે. આ માટે વપરાતાં ઉપકરણો કૅલરીમિટર અને સ્પેક્ટ્રૉફોટોમિટર તરીકે જાણીતાં છે. જીવરસાયણમાં રક્ત તથા શ્લેષ્મ (lymph) વડે પદાર્થોનું થતું શોષણ પણ અવશોષણ તરીકે ઓળખાય છે.
અરવિંદ દરજી