અવશિષ્ટ વિકિરણ

January, 2001

અવશિષ્ટ વિકિરણ (residual radiation, restrahlen) : પારદર્શક સ્ફટિકની સપાટી ઉપર પડતા પ્રકાશની આવૃત્તિ (frequency) અને  સ્ફટિકનાં આયનોની કંપન-આવૃત્તિ (frequency of vibrations of ions) લગભગ સમાન હોય ત્યારે વરણાત્મક રીતે (selectively) પરાવર્તિત થતો પ્રકાશ. Restrahlen શબ્દ જર્મન ભાષાનો છે. પારદર્શક સ્ફટિક ઉપર પડતા પ્રકાશનો મોટોભાગ તેમાંથી પસાર થઈ જાય છે, કેટલોક અવશોષણ (absorption) પામે છે જ્યારે બાકીનો પરાવર્તન (આરસી ઉપરથી થતા પરાવર્તનની જેમ) પામે છે.

આપાતી પ્રકાશની આવૃત્તિ અને સ્ફટિકનાં આયનોની કંપન આવૃત્તિ વચ્ચે જો સામ્ય હોય તો આ પ્રકાશની ઊર્જાનો કેટલોક ભાગ આયનોના કંપન રૂપે શોષાય છે. બાકીનો અવશિષ્ટ વિકિરણ રૂપે પરાવર્તિત થાય છે. પ્રકાશની આવૃત્તિ યોગ્ય હોય તો તેનો 9૦ % ભાગ પરાવર્તિત થાય છે; આ રીતે અનેક વાર પરાવર્તન પામ્યા પછીનું અવશિષ્ટ વિકિરણ મહદ્અંશે એકવર્ણી (monochromatic) હોય છે. સામાન્ય રીતે આ વિકિરણની તરંગલંબાઈ દૃશ્યપ્રકાશની સરખામણીમાં સોગણી હોય છે અને તેનું સ્થાન ઇન્ફ્રારેડ વિભાગમાં હોય છે.

અવશિષ્ટ વિકિરણનો ઉપયોગ આયનિક સ્ફટિકોના અભ્યાસમાં તથા લગભગ એકવર્ણી ઇન્ફ્રારેડ પ્રકાશ મેળવવા માટે થાય છે. નીચેની આકૃતિ વિવિધ સ્ફટિકોમાંથી મળતા અવશિષ્ટ વિકિરણની માહિતી દર્શાવે છે.

જગદીશ જ. ત્રિવેદી