અવરોહી પવનો (katabatic winds) : પર્વતોના ઢોળાવની દિશામાં અને ખીણોમાં ફૂંકાતા સ્થાનીય ઠંડા પવનો. દક્ષિણ ધ્રુવ પ્રદેશ અને ગ્રીનલૅન્ડ જેવા બરફ-આચ્છાદિત ઉચ્ચ પ્રદેશમાંથી પણ આવા ઠંડા પવનો બહારની બાજુ (outward) ફૂંકાય છે. સામાન્ય રીતે રાત્રિના સમયે જમીનની સપાટી વિકિરણથી ઠંડી પડતાં હવાના નીચેના સ્તરો ઠંડા પડે છે અને તેમની ઘનતા વધતાં ગુરુત્વાકર્ષણને કારણે પવન રૂપે ઢોળાવ પ્રમાણે ગતિ કરે છે. પવનના પ્રવાહની દિશાનું નિયંત્રણ જે તે પ્રદેશનું પર્વતીય લક્ષણ નક્કી કરે છે.
જગદીશ જ. ત્રિવેદી