અવરોધક (બાધક) પ્રવાલખડક

January, 2001

અવરોધક (બાધક) પ્રવાલખડક (barrier reef) : સમુદ્રકિનારાથી અંદર અમુક અંતરે જળસપાટીની લગોલગ કે થોડીક ઉપર તરફ તૂટક તૂટક વલયાકાર હારમાં જોવા મળતી પરવાળાં-રચનાઓ. આ પ્રકારના પ્રવાલખડકો કોઈ પણ ખંડ કે ટાપુના કિનારાથી દૂર સમુદ્રજળમાં અસ્તિત્વમાં આવતા હોય છે. તેમને કિનારાથી જુદી પાડતી ખાડી અવશ્ય હોય છે, જે અભિતટીય પ્રવાલખડકમાં જોવા મળતી ખાડી કરતાં વધુ ઊંડીપહોળી હોય છે. પરવાળાના વિકાસ માટે જરૂરી હોય તે કરતાં વધારે ઊંડા ખાડીસરોવર દ્વારા સમુદ્રકિનારાથી અલગ પડી ગયેલા પ્રવાલખડકો અવરોધક પ્રવાલખડકો તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે તે લાંબાં અંતરો સુધી કિનારાને અનુસરતા હોવા છતાં ક્યારેક તૂટક પણ બની જાય છે, કારણ કે તેમની રચના વખતે સંજોગોની પ્રતિકૂળતાને લીધે નાના નાના વિકાસ-અંતરાયો પડી જાય છે. આવા અંતરાયોને અવરોધક પ્રવાલખડકો વચ્ચેની ખાલી જગાઓ (passes) કહે છે. મોટા ભાગના અવરોધક પ્રવાલખડકો ટાપુઓ જેવું ર્દશ્ય ઊભું કરે છે, જેની ફરતે ભિન્ન ભિન્ન પહોળાઈની અનિયમિત વલયો બનાવતી રચનાઓ તૈયાર થયેલી હોય છે, જે વિમુખ બાજુ પર ઓછાવત્તા પ્રમાણમાં તૂટક હોય છે.

Great Barrier Reef

ગ્રેટ બૅરિયર રીફ, ક્વીન્સલેન્ડ ઑસ્ટ્રેલિયા

સૌ. "Great Barrier Reef" | CC BY-SA 4.0

ઑસ્ટ્રેલિયા નજીકનો ‘ગ્રેટ બૅરિયર રીફ’ આ પ્રકારના પ્રવાલખડકોનું ઉત્તમ ઉદાહરણ છે. અવરોધક પ્રવાલખડક ડાર્વિનના મંતવ્ય મુજબ અવતલન (subsidence) ક્રિયાને કારણે અસ્તિત્વમાં આવે છે, જ્યારે મુરેના મંતવ્ય પ્રમાણે તેમની ઉત્પત્તિ માટે અવતલનની ક્રિયા કારણભૂત નથી.

વ્રિજવિહારી દીનાનાથ દવે