અવન્તિવર્મા (શાસન 855-883) : કાશ્મીરના ઉત્પલ રાજવંશનો પ્રતાપી રાજા. તેના સમયથી કલ્હણની ‘રાજતરંગિણી’ની માહિતી વધુ પ્રમાણભૂત હોવાનું કહેવાય છે. અવન્તિવર્માનો રાજ્યકાલ શાંતિ અને આબાદીભર્યો હતો. તેના રાજદરબારમાં વિદ્વાનોનું બહુમાન થતું. રાજાએ નવી રાજધાની અવંતીપુર વસાવી. તે સ્થળે બંધાવેલાં શિવ અને વિષ્ણુનાં બે મંદિરો આજે પણ હયાત છે. શ્રીનગરથી 29 કિમી. દૂર જમ્મુ રોડ પર આવેલા ગામ અવંતીપુર પાસે અવન્તિવર્માની પ્રાચીન નગરીના અવશેષો છે. અવન્તિવર્માએ બંધાવેલાં શિવમંદિરોનો નકશો કાશ્મીરના સુવિખ્યાત માર્તણ્ડમંદિર જેવો છે. વિષ્ણુ અવન્તિસ્વામીનું મંદિર નાનું છે. પ્રમાણમાં તે સારુ જળવાયું છે, કારણ કે બાજુની ટેકરીથી તે સદીઓ સુધી અર્ધઢંકાયેલું હતું. તે મંદિરનાં હિંદુ દેવોનાં શિલ્પો સારી સ્થિતિમાં જળવાયેલાં રહ્યાં છે. મંદિરની શિલ્પ-પંક્તિમાં પક્ષી-પશુઓની સુંદર આકૃતિઓ કંડારાયેલી છે. રાજા પોતે વિષ્ણુભક્ત હતો, પરંતુ કાશ્મીરમાં શિવભક્તિ હોવાથી રાજાએ પોતે વિષ્ણુભક્ત હોવાની જાણ મૃત્યુવેળાએ જ કરી હોવાનું કહેવાય છે ! અવન્તિવર્માના સમયમાં સૂય્ય નામે અધિકારીએ ઇજનેરી વિદ્યાનું અદભુત કાર્ય સંપન્ન કર્યું હતું : જેલમ નદીનો પ્રવાહ વાળીને પૂરના પ્રકોપથી પ્રદેશને મુક્ત કર્યો હતો; પરિણામે ખેતીનું સંવર્ધન થયું, અનાજના ભાવો ઘટ્યા અને લોકો સુખી થયા એવો કલ્હણની ‘રાજતરંગિણી’માં નિર્દેશ છે.
સુમના શાહ