વિઠ્ઠલમંદિર, હમ્પી : કર્ણાટકમાં હમ્પીમાં આવેલું વિજયનગર-શૈલીનું મંદિર. વિષ્ણુના એક સ્વરૂપ વિઠ્ઠલને આ મંદિર સમર્પિત છે. તેનું બાંધકામ વિજયનગરના રાજા કૃષ્ણદેવરાયના સમયમાં ઈ. સ. 1513માં શરૂ થયું હતું; અને તેના અનુગામીઓના સમયમાં પણ બાંધકામ ચાલુ રહ્યું હતું. 1565માં વિજેતા મુસ્લિમોએ તેનો વિધ્વંસ કર્યો અને તેને લૂંટ્યું ત્યાં સુધી તેનું બાંધકામ અધૂરું રહ્યું હતું. 152.40 મી. x 94.49 મી. (500 ફૂટ x 310 ફૂટ) વિસ્તારના પ્રાંગણની મધ્યમાં આ મંદિર ઊભું છે. પ્રાંગણને ફરતા સ્તંભોની ત્રણ હરોળ છે. પૂર્વ, ઉત્તર અને દક્ષિણમાં આવેલા પ્રવેશ-ગોપુરમો વડે અલંકૃત છે. મધ્યનું મંદિર 7.62
મી. (25 ફૂટ) ઊંચું છે. તલમાનમાં મંદિરનાં ત્રણ અંગો છે – ગર્ભગૃહ, મંડપ અને અર્ધમંડપ (પ્રવેશચૉકી). મંદિરના પટાંગણમાં અમ્મન્ મંદિર, દેવ-પરિચારકોનાં મંદિર અને મંડપો આવેલાં છે. મંદિરના ઓટલા સુધીના ભાગો સુંદર શિલ્પોથી શોભાયમાન છે. મુખ્ય ખંડ પાસેનાં પગથિયાં પાસે બે મહાકાય હાથીનાં શિલ્પો છે. મંદિરના સ્તંભો ઘણા જ અલંકૃત છે. સ્તંભદંડવાળો ભાગ અર્ધકુદરતી અને અર્ધપૌરાણિક પશુઓ પર આરૂઢ સવારોનાં શિલ્પો ધરાવે છે. દરેક ઓરડાની છતની પાસેની ફરતી દીવાલ પર રામાયણના પ્રસંગો કંડારેલા છે. મંદિરનું કોતરકામ જોતાં જણાય છે કે તેમાં કાષ્ઠકામની અસર છે. અગ્નિકોણે કલ્યાણમંડપ આવેલો છે. અહીં દરેક વર્ષે ઊજવાતા વિવાહ પ્રસંગે દેવ અને દેવીની મૂર્તિઓને સત્કારવામાં આવે છે. મંડપમાં આવેલા 48 સ્તંભો શિલ્પકામની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ છે.
મુખ્ય મંદિરની પૂર્વની ચોકીને અભિમુખ એક અન્ય મંડપ છે. તે ચક્ર સહિતના રથ-આકારે શિલામાંથી બનાવવામાં આવેલો છે. આ ગરુડમંડપ છે. સમગ્ર રથ વિજયનગરના કલાકૌશલ્યનો ઉત્તમ નમૂનો છે અને મંદિરની શોભામાં વધારો કરે છે. મંદિરનું શિખર હયાત નથી. મંદિરને ફરતો પ્રાકાર (કોટ) છે અને તેમાં પૂર્વ, ઉત્તર અને દક્ષિણમાં પ્રવેશમાર્ગ છે. પૂર્વનો પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે. મંદિરમાં 26 શિલાલેખો આવેલા છે. તેમાંના ઘણા લેખ નાશ પામ્યા છે.
થૉમસ પરમાર