વિજ્ઞાન, ધર્મ અને તત્વજ્ઞાન (Science, Religion and Philosophy)
February, 2005
વિજ્ઞાન, ધર્મ અને તત્વજ્ઞાન (Science, Religion and Philosophy) : વિજ્ઞાનનું તત્વજ્ઞાન અને તત્વજ્ઞાનનું વિજ્ઞાન એ બંને મૂળભૂત રીતે એક જ છે, કારણ કે વિજ્ઞાન અને તત્વજ્ઞાન બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. બંનેમાં એક બાબત સમાન છે અને તે છે અગાધ/તલસ્પર્શી વિચારચિંતન. વિજ્ઞાનનો માર્ગ ભૌતિક બાબતોને અનુલક્ષીને અને તત્વજ્ઞાનનો માર્ગ આધિભૌતિક (metaphysical) બાબતોને અનુલક્ષીને છે. બંનેનું ધ્યેય જ્ઞાનપ્રાપ્તિ છે.
માનવી વિચારતો થયો, પ્રશ્ન પૂછતો થયો ત્યારથી તેનો વિકાસ શરૂ થયો. ‘હું કોણ ?’, ‘ક્યાંથી ?’, ‘શા માટે ?’ જેવા પ્રશ્નો અને તેની ખોજે ધર્મ અને તત્વજ્ઞાન આપ્યાં; ‘શા માટે ?’ અને ‘કેવી રીતે ?’ પ્રશ્નોએ વિજ્ઞાન વિકસાવ્યું અને અભિવ્યક્તિ આનંદ, સુખ-શાંતિની ઝંખનાએ ભાષા, સાહિત્ય અને લલિત કલાઓ આપી.
વિજ્ઞાને માનવીની ભૌતિક સુખ-સુવિધાઓ વધારવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે, જ્યારે તત્વજ્ઞાન અને અધ્યાત્મ માનવીને આંતરિક અને મનની શાંતિ મેળવવામાં ભાગ ભજવે છે. તેમ છતાં ઉચ્ચ સ્તરે (exalted level) બંનેનું લક્ષ્ય અંતિમ સત્ય શોધવાનું છે. સમયના સંદર્ભમાં જોઈએ તો એક તફાવત સ્પષ્ટ છે કે વિજ્ઞાનને હજુ અંતિમ સત્ય લાધ્યું નથી જ્યારે વૈદિક તત્વવેત્તાઓને આ જ્ઞાનનો અહેસાસ વર્ષો પહેલાં થયો છે.
ભારતમાં તો છેક વેદકાળથી વિજ્ઞાનને તત્વજ્ઞાન સાથે સાંકળી લેવામાં આવ્યું છે. ઉપનિષદ અને ભગવદગીતામાં ‘વિજ્ઞાનાત્મા’ શબ્દ અનેક વખત વપરાયો છે; એટલું જ નહિ, પરંતુ ‘તું વિજ્ઞાનાત્મા બન’ એવું પણ સૂચવાયું છે. ભારતના ઋત્વિજોએ તો હજારો વર્ષ પૂર્વે માન્યું હતું કે બ્રહ્મ (સ્પેસ) અંડાકાર છે. માટે તેમણે બ્રહ્માંડ શબ્દ યોજ્યો. ભાગવત પુરાણમાં કહ્યું છે કે પૃથ્વી અને સૂર્યમંડળના ગ્રહો સૂર્ય ફરતા ફરી રહ્યા છે. આની સરખામણીમાં યુરોપમાં તો, છેક સત્તરમી સદી સુધી, આ વાત કહેનારા વિજ્ઞાની ગૅલિલિયોને ‘રેક’ ઉપર સુવડાવી તેનાં અંગ ખેંચી પારાવાર વેદના આપવામાં આવી હતી. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ અંગે કહીએ તો ભારતીય ચિંતકોએ તો વિષ્ણુની અવતારકથા દ્વારા સમગ્ર ઉત્ક્રાંતિવાદ સમજાવી દીધો અને આ વાત ધર્મની સાથે સાંકળી લીધી; જેથી કરીને વિષમ રાજકીય પરિસ્થિતિમાં પણ ટકી રહી. જ્યારે પશ્ચિમમાં આના સઘન પ્રયત્નો થયા ન હોવાથી ત્યાં છેક આધુનિક યુગ સુધી ધર્મ અને વિજ્ઞાન વચ્ચે વિસંવાદિતા વ્યાપી રહી હતી.
વિજ્ઞાનીઓ એમ માનતા આવ્યા છે કે સમગ્ર બ્રહ્માંડમાં જે કાંઈ થાય છે તે કોઈ ને કોઈ વૈજ્ઞાનિક નિયમને આભારી હોય છે. ન્યૂટન પછીના વૈજ્ઞાનિકો માનવા લાગ્યા કે જો તમને યોગ્ય વૈજ્ઞાનિક સિદ્ધાંતોની ખબર હોય તો તમે કોઈ પણ ઘટનાની આગાહી કરી શકો. જો આમ જ હોય તો જતે દહાડે બધાં રહસ્યો ખૂલવાં જ રહ્યાં. ક્યારેક તો પેલા વૈજ્ઞાનિક નિયમોનો આવિષ્કાર થવાનો જ ને ! તો શું કોઈ માણસ કેવી રીતે વર્તશે તેની આગાહી કરી શકો ? અને જો બધું અપેક્ષિત જ બને તો પછી ઈશ્વરનું શું ? પણ વાત એમ છે કે હવે મોટા વૈજ્ઞાનિકો પણ કહે છે કે આ (બધી બાબતોની ખરી આગાહી એટલે કે સૃદૃષ્ટિનું બધું રહસ્ય) શક્ય નથી. શા માટે શક્ય નથી તેનું કારણ ‘અનિશ્ચિતતાનો સિદ્ધાંત’ (principle of uncertainty) અને તેમાંથી ઉદ્ભવેલ ‘ક્વૉન્ટમ થિયરી’ છે. વિજ્ઞાનના આ બે સિદ્ધાંતોએ ‘સાપેક્ષતાના સિદ્ધાંત’(theory of relativity)ને પશ્ર્ચાદ્ ભૂમિકામાં સેરવી દીધો છે. ઈ. સ. 1920ની આજુબાજુમાં ડેન્માર્કના નીલ્સ બોહર, ફ્રાન્સના બ્રોગલી, ઑસ્ટ્રિયાના સ્કોડીન્સર અને પોલી, જર્મનીના હેઇન્સબર્ગ અને ઇંગ્લૅન્ડના પૅલ ડિરાક નામના વૈજ્ઞાનિકોએ એક મિશન ચાલુ કર્યું અને વિજ્ઞાનજગતમાં અગાઉ જોવા ન મળ્યો હોય તેવો ‘બૂમ’ સ્ટાઇલ રોમાંસનો તબક્કો શરૂ થયો. જ્યારે જ્યારે આ ભૌતિકશાસ્ત્રીઓ કુદરતને કોઈ સવાલ કરતા ત્યારે તેમને વિરોધાભાસી જવાબ જ મળતો. વૈજ્ઞાનિક તથ્યો કંઈ કહેતાં અને હકીકતમાં કંઈક બીજું જ બનતું. આમાંથી ‘અનિશ્ચિતતાનો સિદ્ધાંત’ ઉદ્ભવ્યો. આમ તો આ સિદ્ધાંત ઘણી ઊંડાણપૂર્વકની ગણિતીય સમજ માગી લે છે; પરંતુ સરળ ભાષામાં સમજીએ તો જો કોઈ પદાર્થ ભવિષ્યમાં કેવી રીતે વર્તન કરશે એ જાણવું હોય તો તેની હાલની સ્થિતિ અને હાલની ગતિ જાણવી જરૂરી છે. હાઇસનબર્ગે શોધી કાઢ્યું કે તમે કોઈ પણ પદાર્થની સ્થિતિ કે ગતિ – એ બેમાંથી એકને જ ચોકસાઈપૂર્વક માપી શકો, બંને નહિ. આ સિદ્ધાંતના આધારે જ આઇન્સ્ટાઇન, સ્કોડીન્સર અને બીજા વૈજ્ઞાનિકોએ વીસમી સદીનો સૌથી મહત્વનો વિચાર લાધ્યો, જેના પર ‘ક્વૉન્ટમ મિકેનિક્સ’ની રચના થઈ. આ સિદ્ધાંત સાબિત કરે છે કે પદાર્થનું સ્વરૂપ અનિશ્ચિત છે. અતિસૂક્ષ્મ કણો કોઈના તાબામાં નથી.
જાન્યુઆરી, 2004માં કેલ્ટેકના પ્રખ્યાત વૈજ્ઞાનિક બેરીબેરીસના વડપણ નીચે બાર સભ્યોની બનેલી પૅનલ ‘ઇન્ટરનૅશનલ ટૅક્નૉલૉજી રેકમેન્ડેશન પૅનલ’ (ITRP) પરમાણુની આંતરિક રચના સમજવા માટે જરૂરી ટૅક્નૉલૉજી વિકસાવવાના સંદર્ભે છે. જો બ્રહ્માંડનાં રહસ્ય સમજવાં હોય તો પદાર્થની રચના કરનાર પરમાણુની આંતરિક રચના, અવપરમાણ્વિક કણોની પ્રકૃતિ, તેમની વચ્ચે લાગતાં બળો અને પદાર્થ-સર્જનની પ્રક્રિયા સમજવી જરૂરી છે. ભૌતિકશાસ્ત્રની સીમાઓ જ્યાં અટકી છે, મતલબ કે વિજ્ઞાને પરમાણુના અવપરમાણ્વિક કણો(subatomic particles)નું જે રહસ્ય જાણ્યું છે ત્યાંથી હજુ ઘણું આગળ જવાનું છે. ‘ક્વૉન્ટમ મિકેનિક્સ’ ઈશ્વરનો નકાર નહિ, પરંતુ તેની મૂળભૂત પ્રતીતિ તરફ વળે છે.
1961ના નોબેલ પુરસ્કારવિજેતા ભૌતિકશાસ્ત્રી વિગ્નરે જણાવ્યું છે કે કોઈ પણ પ્રયોગનું ફળ શું આવશે તે વૈજ્ઞાનિકના આંતરમનની સુષુપ્ત ચેતના નક્કી કરે છે. માનવીય નિરીક્ષણો ચિત્તમાં આવે ત્યારે જ ચકાસણી/માપણી(measurement)નો પ્રશ્ન ઊભો થાય છે. ચિત્ત(consciousness)ના સ્પષ્ટ સંબંધ વિના (without explicit reference) ‘ક્વૉન્ટમ મિકેનિક્સ’ની પ્રક્રિયાઓનું વર્ણન કરવું મુશ્કેલ છે.
એક મુલાકાતમાં જાણીતા વૈજ્ઞાનિક મૅક્સ પ્લાન્કને પૂછવામાં આવ્યું કે તમે માનો છો કે ચિત્તને દ્રવ્યો અને તેના સિદ્ધાંતો દ્વારા સમજાવી શકાય ? પ્લાન્કે જવાબ આપ્યો કે ના. તેણે વધુમાં કહ્યું કે ચિત્તને તે મૂળભૂત ગણે છે. દ્રવ્ય ચિત્તમાંથી ઉદ્ભવેલ (derivated) છે. મનુષ્ય ચિત્તનું મૂળ ન શોધી શકે. એ જે કંઈ તે અંગે વાત કરે છે અને જેનું પણ અસ્તિત્વ સ્વીકારે છે એ બધું ચિત્તમાંથી જ જન્મે (postulates) છે.
વિગ્નર અને મૅક્સ પ્લાન્કના ચિત્તનું મહત્વ સમજાવતા વિચારો, ટેલબૉટનો ‘ઑમ્નિજેક્ટિવ રિયલિટી’ વિચાર, વ્હિલરનો વિષય અને વસ્તુ(subject and object)ના સ્વઅસ્તિત્વ(self-existing)ને લગતો સિદ્ધાંત, પૌડીનો ચિત્ત(psyche)ના બહિર્-સર્જન (external creation) તરફ વળતો (ભાર આપતો) સિદ્ધાંત – આ બધા વિચારો, સિદ્ધાંતો નવા ભૌતિકશાસ્ત્રની દેન છે; જે ડાનકાર્ટસ, લિપ્લિટઝ અને ન્યૂટનના વૈજ્ઞાનિક ભૌતિકવાદ(scientific materialism)ના ચાલુ સિદ્ધાંતો કે જે માત્ર દ્રવ્ય/વસ્તુ પર આધારિત છે તેનાથી જુદા પડે છે. નવા સિદ્ધાંતો દ્રવ્ય અને ચિત્ત બંનેના સંબંધો ધ્યાનમાં લે છે. વેદાંતિક વિચારધારામાં પ્રતિપાદિત થયું છે કે ચિત્ત દ્રવ્ય-ઉત્પાદન કરે છે; પરંતુ દ્રવ્ય ચિત્તને અસર કરી શકતું નથી તેની, હવે નવું ભૌતિકશાસ્ત્ર પુદૃષ્ટિ કરે છે.
પ્રખર ચિંતક ક્રેન વિલ્બરે કહ્યું છે કે માનવી એ ઈશ્વરનું એવું સર્જન છે કે જે માંસપેશીની આંખ વડે, મનશ્ર્ચક્ષુ વડે અને આત્મા (soul) દ્વારા પણ જોઈ શકે છે. વિજ્ઞાન પ્રથમ બેનો સ્વીકાર કરે છે, પરંતુ ત્રીજામાં માનતું નથી; પરંતુ હવે વિજ્ઞાન પણ સ્વીકારતું થયું છે કે જીવનનાં ગૂઢ રહસ્યો આત્માની આંખના ગૂઢ જ્ઞાન વિના શક્ય બને તેમ નથી.
વૈજ્ઞાનિકો આ વિશ્વના અસ્તિત્વ માટેનાં જુદાં જુદાં માળખાંઓનો સૂક્ષ્મ સ્તરે અભ્યાસ કરીને, બધામાં હોય તેનું સૂક્ષ્મમાં અતિસૂક્ષ્મ તત્વ શોધી રહ્યા છે. આ શોધ કોઈ એક તત્વ તરફ દોરી જશે, જે સર્વત્ર અને સંપૂર્ણ હોય. આવું તત્વ તે નિત્ય અને અપરિવર્તનશીલ હોય તો જ શક્ય બની શકે. વૈદિક તત્વચિંતકોએ વર્ષો પહેલાં આ તત્વની વાત કહી અને તેને ‘બ્રહ્મન્’ કહ્યું, તૈત્તિરીય ઉપનિષદે ‘સત્યમ્ જ્ઞાનમ્ અનંતમ્ બ્રહ્મમ્’ કહીને સમજાવ્યું છે કે બ્રહ્મ તે સત્ય છે, તે જ્ઞાન છે, તે અપરિવર્તનશીલ છે અને તેનો આદિ કે અંત નથી.
વૈજ્ઞાનિકો આજે જે ‘મહાન એકીકરણ’ (grand unification) અંગે શોધ કરી રહ્યા છે તે માત્ર જુદા જુદા પ્રકારનાં અંતરીક્ષબળો (cosmic forces) અંગેના એકીકરણની જ નથી, પરંતુ પ્રથમ વખત મન અને દ્રવ્ય (mind and matter) તેમજ વિષય અને વસ્તુ(subject and object)ની પણ છે. સમગ્ર આધુનિક ભૌતિકશાસ્ત્ર વિશ્વમાં એકસૂત્રી બંધન (unity in universe) હોવાનું માનવા તરફ આગળ ધપી રહ્યું છે.
સ્વામી વિવેકાનંદે શિકાગો(અમેરિકા)માં 1893માં ભરાયેલ વિશ્વધર્મસભામાં વિજ્ઞાન અને ધર્મના ઐક્ય અંગે જે વાત કરી હતી તે આજે યથાર્થ રીતે સાચી પડી રહી છે. તેમણે કહ્યું હતું :
‘‘મને વિજ્ઞાન વિચાર દ્વારા સમજાયું છે કે એકલાપણું/નોખાપણું (individuality) એ ભ્રમ (delusion) છે. મારું શરીર ખરેખર દ્રવ્યના વિશાળ સમુદ્રમાં નાનું, સતત પરિવર્તનશીલ શરીર છે અને મારા બીજા ભાગ આત્મા (soul) સાથે તે એકરૂપ રીતે બંધાયું છે.
હજારો વર્ષ પહેલાં ઉપનિષદોમાં એ સત્ય દોહરાવાયું છે કે આ સમગ્ર વિશ્વ એક (એકરૂપ) છે અને તેમાં બધું એકબીજાં સાથે ઐક્ય સાધતું જોડાયેલું છે. આ સાધકબળને તેઓએ (ઉપનિષદકારોએ) બ્રહ્મન્ કહ્યું છે.’’
રૉબર્ટ જ્હૉન રસેલે 1981માં અમેરિકામાં બર્કલે ખાતે સેન્ટર ફૉર થિયૉલોજી ઍન્ડ નૅચરલ સાયન્સિઝની સ્થાપના કરીને ધર્મ અને વિજ્ઞાનને સાંકળવા પ્રયત્ન કર્યો. આ સેન્ટરનો હેતુ 1948માં જ્યૉર્જ ગૅમોવે આપેલા બિગબૅન્ગના સિદ્ધાંત પછી વ્યાપેલા નાસ્તિકવાદના મોજાને નાથી વિજ્ઞાનીઓની દૃષ્ટિ વિજ્ઞાન અને ધર્મના સમન્વય તરફ વાળવાની હતી. રસેલ કહે છે કે વિશ્વમાં બનતી ઘટનાઓનો આધાર એક ન સમજાય તેવી ગૂઢ શક્તિના હાથમાં છે અને આ શક્તિ એટલે જ ઈશ્વર. બિગબૅન્ગ થિસીસ એટલે વિશ્વમાં જ્યારે કોઈ પદાર્થ જ ન હતો ત્યારે અવકાશમાં વ્યાપ્ત પરમ શૂન્ય તાપમાન(- 273° સે.)થી પણ નીચે તાપમાન જતાં શક્તિનું દ્રવ્યમાં રૂપાંતર થઈ એક પરમાણુનું સર્જન થયું, જેના વીજાણુઓએ ફરવા માટે ફરી શક્તિ ખેંચી, જેથી ફરી ફરી તાપમાન નીચું જતાં ફરી પરમાણુઓ બન્યા જે જોતજોતામાં વિશાળ ગોળો બની ગયો. ગોળાના કેન્દ્રમાં પ્રચંડ દબાણ ઉત્પન્ન થતાં પ્રચંડ વિસ્ફોટ થયો અને દ્રવ્ય ચોપાસ ફેલાયું અને જગત રચાયું. આ બિગબૅન્ગનો સિદ્ધાંત એટલે ભારતીય સંસ્કૃતિએ હજારો વર્ષ પહેલાં આપેલો ‘ૐકાર’, જેમાં પણ શક્તિવિસ્ફોટની કલ્પના છે. તેમજ જે આદિ સ્વરશક્તિ છે, તેમજ સમગ્ર જગત જેમાં સમાયું છે તેમ મનાયું છે. ૐ એ જગતનું આદિ અને શ્રેષ્ઠ હાઇકુ છે.
યહૂદી વિજ્ઞાની ડૉ. કાર્લફીટ જે યહૂદી ધર્મના પણ વિદ્વાન છે, તેઓ યહૂદી ધર્મગ્રંથ તાલમુંડમાં આપેલ વિચારોનો આધાર લઈ કહે છે કે માનવીના મન અને ઈશ્વરીય તત્વ વચ્ચે કોઈ સેતુ છે તેમ નિર્વિવાદ લાગે છે.
તત્વજ્ઞાન જીવનદર્શન અને જીવજ્ઞાન માટે છે. એટલે તેમાં જ્ઞાન અને મીમાંસાનું મહત્વ છે, જ્યારે ધર્મ જ્ઞાન ઉપરાંત આચરણ પર, કર્તવ્ય ફરજો પર વિશેષ ભાર મૂકે છે. આ કારણસર વિજ્ઞાન ધર્મ સાથે વિશેષ સંકળાયેલું રહે છે. જગતમાં અનેક ધર્મો અને સંસ્કૃતિઓ/પ્રજાઓ આવી અને ગઈ. જાણીતા ઇતિહાસકાર આર્નોલ્ડ ટૉયમ્બીએ જગતના ઇતિહાસ ઉપર દસ ગ્રંથો લખ્યા છે, જેમાં બધા ધર્મો અને સંસ્કૃતિઓનો ઇતિહાસ આવરી લેવાયો છે. આ બધાંના નિચોડરૂપે ટૉયમ્બી જણાવે છે કે જે પ્રજા અને સંસ્કૃતિમાં મૂલ્યોનો હ્રાસ થયો તેમજ જે બદલાતા સમય પ્રમાણે પરિવર્તન ન કરી શકી તેનો નાશ થયો. આનો અર્થ એ પણ છે કે જે પ્રજામાં તેના ધર્મ અને વ્યવહારમાં સચ્ચાઈ અને વૈજ્ઞાનિક દૃષ્ટિ ન હતી તે નાશ પામી અથવા તો તે અલ્પવિકસિત રહી.
માનવી ખોરાક લે છે તેની તેના વિચાર તેમજ સ્વાસ્થ્ય ઉપર ઘણી અસર થાય છે. આ કારણસર ઘણાખરા ધર્મોમાં પથ્યાપથ્ય, સાત્વિક ખોરાક તેમજ ઉપવાસ ઉપર ધ્યાન દેવાયું છે. એટલું જ નહિ પણ ધાર્મિક આચરણમાં તે બધું વણી લેવામાં આવ્યું છે. આને ધર્મમાં વિજ્ઞાનદૃષ્ટિ જ કહેવાય. આમ જોઈએ તો ધર્મનો એક અર્થ ફરજપાલન તેમજ નિયમનમાં રહેવું તેવો કરવામાં આવે છે. અલબત્ત, નિયમોનું અંધપાલન નહિ. જ્યારે અને જ્યાં જરૂરી જણાય ત્યાં ફેરફાર કરવા તે ધર્મ અને વિજ્ઞાન બંનેમાં સ્વીકૃત છે. ધર્મમાં શ્રદ્ધાને સ્થાન છે, અંધશ્રદ્ધાને નહિ. અંધશ્રદ્ધા એ ધર્મની વિકૃતિ છે. દરેક ધર્મમાં ઓછે-વધતે અંશે તે જોવા મળે છે. વિજ્ઞાનદૃષ્ટિનો અભાવ હોય ત્યાં તે વિશેષ જોવા મળે છે.
વિજ્ઞાન એવા સિદ્ધાંત પર આધારિત છે જ્યાં પરિણામો સિદ્ધ થયાં છે અથવા તો એકસમાન પરિણામોની ખાતરી છે. આવા વ્યવહારુ સિદ્ધાંત વિના તેને વિજ્ઞાન કહી શકાય નહિ. આવી જ રીતે અમુક એવા સિદ્ધાંતો છે, જે ઈશ્વરને જાણવા માટે વ્યવહારમાં મૂકવા-લાવવા જરૂરી છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ યોગસિદ્ધાંત છે. આ યોગસિદ્ધાંત અંગે ભારતમાં સદીઓથી અનુસંધાન અને અભ્યાસ કરવામાં આવ્યાં છે અને તે સિદ્ધ પણ કરવામાં આવ્યો છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં મહર્ષિ પતંજલિએ આપેલ યોગશાસ્ત્ર એ પ્રાચીન વિજ્ઞાનનો એક શ્રેષ્ઠ નમૂનો છે. તેમાં જણાવેલ આઠ અંગ (યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ)માં પ્રથમ બે યમ અને નિયમ ઉચિત આચરણ માટેના નૈતિક સિદ્ધાંત છે. પશ્ચિમના દેશોમાં પણ આવા જ નીતિ-નિયમના આચરણ અંગેની વિગત ‘ટેન કમાન્ડમેન્ટ્સ’માં જોવા મળે છે. આ વૈજ્ઞાનિક નિયમો છે માટે પ્રત્યેક મનુષ્યને, પછી તે ગમે તે ધર્મનો હોય, તેને લાગુ પડી શકે. આવા દૈવી નિયમો એટલા માટે છે કે મનુષ્ય તેના પાલન દ્વારા પોતાના જીવનમાં દિવ્યતાનો અહેસાસ કરી શકે. યોગ અને ધ્યાન એ મનના રચનાત્મક પ્રયોગો છે. તેના દ્વારા ચંચળ મન પર કાબૂ મેળવી શકાય છે.
પ્રાણાયામ, યોગ અને ધ્યાન એ શારીરિક સ્વાસ્થ્ય, મનની શાંતિ અને એકાગ્રતા તેમજ દિવ્ય ચેતનાના અહેસાસ-આવિષ્કાર માટે અપનાવાય છે. યોગ અને ધ્યાન હવે લગભગ બધા દેશોમાં પ્રચલિત છે. અમુક રોગો ખાસ કરીને હૃદય અને મનના રોગોના નિવારણ માટે તે સ્વીકૃત માધ્યમ છે અને બહોળા પ્રમાણમાં વપરાય છે.
ઊંડા ધ્યાનમાં, અંતરની ગહેરાઈમાં ઊતરી આત્મા/દિવ્ય ચેતનાનો સંપર્ક થતાં વ્યક્તિ પોતાના સાચા સ્વરૂપનો, દિવ્યપ્રેમ અને આનંદનો અનુભવ કરે છે.
ધર્મનું વિજ્ઞાન એવા નિયમો ઉપર આધારિત છે, જે કદી બદલાતા નથી.
ભારતીય તત્વજ્ઞાનમાં ત્રિમૂર્તિની કલ્પના છે. આમાં ત્રણ દેવો તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા સૃદૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુ પોષણ કરે છે, યોગક્ષેમ જુએ છે અને મહેશ સંહાર/વિસર્જન કરે છે. સર્જન, રક્ષણ/પોષણ અને વિસર્જન એ ત્રણેય ક્રમમાં થતી સ્વાભાવિક અને પ્રાકૃતિક ક્રિયાઓ છે. દરેક જીવ/પ્રાણી એક યા બીજી રીતે જે તે સમયે સર્જન, પોષણ અને સંહારની ક્રિયામાં સંકળાયેલ હોય છે અને એવી જ રીતે હરકોઈ પ્રાણી માટે અન્ય કોઈ સર્જન, પોષણ અને સંહારની પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સંકળાયેલ હોય છે. નવસર્જન માટે વિસર્જન જરૂરી છે અને સર્જન થયા પછી પોષણ જરૂરી છે. સૃદૃષ્ટિક્રમની આ મહત્વની ક્રિયાઓ માટેની ત્રિમૂર્તિની કલ્પના ભવ્ય છે, એટલું જ નહિ, પણ તે તાર્કિક અને વૈજ્ઞાનિક પણ લાગે છે.
ઘણા ધર્મો (હિન્દુ, જૈન, ખ્રિસ્તી, બૌદ્ધ વગેરે) વધતે થોડે અંશે કર્મના સિદ્ધાંત અને પુનર્જન્મમાં માને છે. કર્મનો બદલો મળે જ, આ જન્મે નહિ તો બીજા જન્મમાં પણ. વળી એમ પણ માનવામાં આવે છે કે મૃત્યુ થાય ત્યારે આત્મા સાથે સંસ્કાર અને બાકી રહેલ કર્મફળ રહે છે અને પુનર્જન્મમાં તેની અસર રહે છે. હાલના જૈવિક વિજ્ઞાન અને ખાસ કરીને DNA ક્ષેત્રમાં ઘણું સંશોધન થયું છે. માનવશરીર આશરે એક લાખ અબજ કોષોનું બનેલું હોય છે. કોષની નાભિમાં DNA (Dyeoxiribo Nuclic Acid). અનેક વળાંક લેતી સાંકળ જેવા આકાર(spiral)ના અણુની બનેલી હોય છે. રંગસૂત્રો એટલે ક્રોમોઝોમ તેનાં અંગ છે. આ રંગસૂત્રો તે જનીનો(genes)નાં બનેલાં હોય છે. આ જનીનો આનુવંશિકતાના સંકેતો છે. આ જનીનોની સંખ્યા, ગોઠવણી તેમજ જનીનો વચ્ચેની જગ્યા પુષ્કળ માહિતી સંગ્રહી રાખે છે. વ્યક્તિની અગાઉની જિંદગી શું હતી અને હવે પછી કેવી હશે તેનો સંકેત DNA દ્વારા મળી શકે તેમ છે. DNA વ્યક્તિના જીવનનો આલેખ (નકશો) તેમ જ કિતાબ છે. આ કિતાબમાં ત્રણ અબજ વીસ કરોડ મૂળાક્ષરો છે. તેની હારમાળામાંથી 30થી 35 હજાર વાક્યો બને છે. આ વાક્યોનો અર્થ હોય છે, એટલે જ તેમને ‘જનીન’ કહે છે. આ બધાં કારણોસર DNA એ જીવાત્મા(soul)નો સ્રોત મનાય છે. માનવીનો DNA તેના ભૂત, વર્તમાન અને ભવિષ્ય એમ ત્રણેય કાળને સાંકળે છે. અમુક ધર્મોમાં પુનર્જીવન, પૂર્વસંસ્કાર અને કર્મફળ અંગેના જે વિચારો છે તેને DNA દ્વારા પુદૃષ્ટિ મળે છે. મનુષ્ય અનંત શક્તિ અને જ્ઞાન (intelligence) ધરાવે છે. જે જનીનોની મૂળભૂત ભાત/નકશી (pattern) અને તેમાંથી જ ઉદ્ભવતી વિવિધ ભાતોને આભારી છે. આ શક્તિ તે જ જીવાત્મા. શરીર સાથે આત્માનું જોડાણ તે જીવાત્મા અને જીવાત્માનું અતિસૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૌતિક અસ્તિત્વ તે જનીનો.
ગાયત્રીપ્રસાદ હિ. ભટ્ટ