વિજ્ઞાન અને સમાજ

February, 2005

વિજ્ઞાન અને સમાજ : વિજ્ઞાનનો સમાજ સાથે સંબંધ કાળાંતરે બદલાતો રહ્યો છે. તેથી સમાજ ઉપર વિજ્ઞાનના પ્રભાવની અસરો પણ બદલાતી રહી છે. તે જાણવાસમજવા માટે વિજ્ઞાનના ઇતિહાસની ભૂમિકા તરફ દૃષ્ટિ કરવી આવશ્યક છે. વિજ્ઞાનની વિકાસકથાનું લંબાણે નિરૂપણ ન કરતાં એટલું તો જરૂરથી કહી શકાય તેમ છે કે વિજ્ઞાનનો ઇતિહાસ અતીત અને વર્તમાનને સાહજિક રીતે અને અતૂટપણે જોડે છે, અને આ જ ઇતિહાસ તત્પશ્ર્ચાત્ ભવિષ્યના આયોજનની રૂપરેખા તૈયાર કરવાની તક પૂરી પાડે છે.

અતિપૂર્વે માણસની તમામ પ્રવૃત્તિઓ તેના આહારની ખોજ તથા ગુફા જેવા નિવાસની શોધ પાછળ થતી હતી. અકસ્માતે તેને અગ્નિની જાણકારી મળી. સુલભ એવા પથ્થરોથી રક્ષણ માટેનાં હથિયાર અને જીવનજરૂરિયાતનાં ઓજારો તૈયાર કરી શક્યો. ચક્રની જાણકારી મળતાં સરળ યંત્ર બનાવવા તરફ તેનો અભિગમ કેળવાયો. અન્નની જરૂરિયાતે તેને કૃષિ તરફ જવા ફરજ પાડી. કૃષિ વિશેની જાડી માહિતી પ્રાપ્ત થતાં, ઓજારો અને ગ્રામીણ યંત્રોની મદદથી અન્નનું, જેવું આવડે તેવું, ઉત્પાદન કરતાં શીખ્યો. પરિણામે નવેસરથી નવી ઢબે જીવન જીવવાનો મોકો મળ્યો. આદિમાનવ જંગલી અવસ્થામાંથી બહાર નીકળતાં માણસની તાસીર બદલાઈ. જીવનની જરૂરિયાતોને અનુલક્ષી એક માણસ બીજા માણસની નજીક આવવા લાગ્યો. પરિણામે ક્રમશ: સમાજની રચના થઈ. સમાજરચના તેને માટે અનોખો અવસર અને અનુભવ પુરવાર થવા લાગ્યા. તેણે સમજપૂર્વક સમાજનો ઉન્નતિના સાધન (માધ્યમ) તરીકે ઉપયોગ કર્યો. આમ તો, અગ્નિ, ચક્ર, યંત્ર અને કૃષિના વિકાસને વિજ્ઞાનનો વિકાસ (કે ઉદ્ભવ) જ ગણી શકાય. વિજ્ઞાનનો ઉત્તરોત્તર વિકાસ થતાં માણસની જીવનશૈલી તેમજ સમાજવ્યવસ્થામાં સમુચિત ફેરફારો થતા રહ્યા. આમ વિજ્ઞાન અને સમાજ એકબીજા સાથે વધુ ઘનિષ્ઠ રીતે જોડાતાં ગયાં અને સમય સાથે તેમની વચ્ચેની કડી વધુ ને વધુ મજબૂત બનતી ગઈ.

સમાજ જાગ્રત થતાં, વિચારોમાં મૌલિકતા આવવા લાગી, સાધન-સુવિધાઓ વધવા લાગી, પરિણામે વિજ્ઞાનની પ્રગતિમાં અકલ્પ્ય ઝડપ (તેજી) આવવા લાગી. વિજ્ઞાનની ક્ષિતિજોનો વિસ્તાર વધતાંની સાથે માનવસમાજને વધુ ને વધુ સુરક્ષાનાં સાધનો ઉપલબ્ધ થવા લાગ્યાં. માણસના બુદ્ધિપૂર્વકના યથાર્થ પ્રયાસોથી વિજ્ઞાનનું સ્વરૂપ બદલાતું ગયું, સંવર્ધિત થતું ગયું. અનેક વ્યક્તિઓના સુદૃઢ પ્રયાસોથી વિજ્ઞાન કોઈ એક વ્યક્તિની ધરોહર ન રહેતાં તેણે એક સંસ્થા તરીકેનું કદ ધારણ કર્યું. વિજ્ઞાનમાં વિરલ વિભૂતિઓનો ઘણો મોટો ફાળો ખરો, પણ તે આ એક સંસ્થાના અંશ તરીકે. આવા વ્યક્તિગત અંશોને લીધે કેટલીક વખત સમાજમાં વળાંકો (turning points) આવતા રહ્યા છે, પણ તે બધું સામૂહિક પ્રયાસોના પરિણામ તરીકે ઊભરે છે.

વિજ્ઞાને કુદરતનાં રહસ્યોને એક પછી એક એમ ઘટસ્ફોટ કરવાનો સિલસિલો ચાલુ રાખ્યો છે. તેણે કુદરતની ઘટના – દુર્ઘટનાની સતર્ક સમજૂતીઓ આપવાનું ચાલુ રાખ્યું છે. યાતાયાતની પદ્ધતિઓ સરળ બનાવી છે. માનવને તંદુરસ્તી બક્ષી છે. શિક્ષણ-સંશોધનનું સંવર્ધન કર્યું છે. આ રીતે વિજ્ઞાને માનવસમાજને વિવિધ આયામોની ભેટ આપી છે. આ બધાંના પરિણામે સમાજમાંથી અંધશ્રદ્ધાઓ દૂર થવા લાગી, અજ્ઞાન ઉપરથી પડદો ઊંચકાવા લાગ્યો. માણસ શિક્ષિત બનતાં સંસ્કૃત બનવા તરફ આગળ ધપવા લાગ્યો. વિજ્ઞાનની હરણફાળ પ્રગતિથી સમાજમાં ઉત્કૃષ્ટતા(અને નિકૃષ્ટતા પણ)નો સંચાર થયો. વિજ્ઞાનનો સમાજ ઉપર એવો પ્રભાવ પડવા લાગ્યો કે માણસ સુવિધાઓ અને દુવિધાઓ વચ્ચે ઝોલાં (swing) ખાવા લાગ્યો.

વિજ્ઞાને કાર્યપદ્ધતિઓ શીખવી, કાર્યવિધિ-પદ્ધતિને નવો ઓપ આપ્યો છે. આથી માનવજીવન અને સમાજમાંથી વેઠ ઓછી થઈ છે. વિજ્ઞાને સમાજના લોકોને હળીમળીને સમૂહમાં કામ કરતાં શીખવ્યું. સરળ સાધનો ઉપલબ્ધ થતાં કામ કરવાની તરાહ બદલાઈ. જ્ઞાન(માહિતી)ના સીમાડા વિસ્તરવા લાગ્યા. માનસિક અને વ્યાવહારિક અભિગમથી અન્વેષણ અને જ્ઞાનનો માર્ગ સુવ્યવસ્થિત અને સરળ બન્યો. આથી આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સમાજનું નિર્માણ શક્ય બન્યું અને માનવ-સભ્યતા રંગેચંગે ખીલવા લાગી.

વિજ્ઞાને માણસને કોઈ પણ વસ્તુ કે ઘટનાને ધ્યાનથી જોતાં શીખવ્યું છે. તેથી તેમાંથી સારાંશ મેળવવા તે સક્ષમ બન્યો. એ પણ એણે જોયું કે માહિતી પ્રેષણમાં તેની પોતાની ભાવનાઓ, ઇચ્છાઓ કે અંગત માન્યતાઓને કોઈ સ્થાન નથી. તેમાંથી નિરપેક્ષતા સમજવા માટે તકો ઊજળી બની. આ બધાંથી સમાજમાં નવી ચેતના આવવા લાગી. ઉન્નત સમજની પરિસ્થિતિનું સર્જન થયું. પરિણામે સામાજિક વ્યવહારોમાં બુદ્ધિ અને ઉદારતાનાં તત્વો ઉમેરાતાં ગયાં. આથી અગ્ર (forward) અને સક્ષમ સમાજનું નિર્માણ વેગીલું બન્યું. ટૂંકમાં, વિજ્ઞાને સમાજને વેગ, વિધિ અને વિધાયકતાનું પ્રદાન કર્યું.

જેમ જેમ સમાજ વિજ્ઞાનથી ઘડાતો ગયો તેમ તેમ સમાજના વિકાસની કહાણી રસપ્રદ (તેમજ ચિંતાજનક) બનતી ગઈ. એકસાથે સમાજ અને વિજ્ઞાનમાં વૃદ્ધિનો દોર લાંબો થતો ગયો. સમાજની ભૌતિક અવસ્થાઓમાં વિવિધ ફેરફારો થયા. માણસ ઉપર વિજ્ઞાનનો એટલો બધો પ્રભાવ પડ્યો છે કે તે આદિમાનવ મટીને હવે તો અવકાશયાત્રી બન્યો છે. વિજ્ઞાનના વિકાસથી આવેલાં પરિવર્તનો અને બદલાયેલા સંજોગોથી જાણી શકાય છે કે સમાજ પહેલાંની તુલનાએ કેટલો ઊંચો ઊઠ્યો છે. કેટલીક સામાજિક સમસ્યાઓનો વિજ્ઞાને ઠીક ઠીક રીતે ઉકેલ આપ્યો છે. આ રીતે સમાજનો વિકાસ વિજ્ઞાનની વૃદ્ધિ સાથે સમરસ બનતો જાય છે.

આજના સમાજમાં વિજ્ઞાનને એક સંસ્થા તરીકે સ્વીકારવાનો સમય આવ્યો છે. વિજ્ઞાન સમયાંતરે સુવર્ધિત અને સુધારેલી વિધિઓ તૈયાર કરી આપે છે. તેથી જ તો વિજ્ઞાનની નિરંતર વૃદ્ધિ થતાં જ્ઞાનનો ભંડાર વિશાળ બનતો જાય છે. જેમ જેમ વિજ્ઞાન પરિપક્વતાની દિશામાં આગળ વધતું જાય છે તેમ તેમ તે સમાજમાં ઉત્પાદનનાં સાધનો તથા ધ્યેયલક્ષી અભિગમને પ્રભાવિત કરે છે. તે ઉત્પાદનમાં વધારો તો કરે જ છે, પણ પ્રવિધિઓ અને પ્રક્રિયાઓને બુદ્ધિયુક્ત બનાવે છે. આ સાથે સમાજની કાર્યદક્ષતા, કાર્યરતતા અને વિચારશીલતા વધતાં રહે છે. તત્કાલીન વિજ્ઞાનના વિચારો અને સિદ્ધાંતોને પ્રભાવિત કરે છે. વૈજ્ઞાનિક વિચારો અને ચિંતનથી પાયાનાં પરિવર્તનો થતાં રહે છે. તેની સામાજિક રીત-રસમો અને નીતિરીતિ ઉપર સીધી અસર થાય છે. પરિણામે માણસનો જીવન પ્રત્યે વિશ્ર્વાસ વધે છે અને દૃષ્ટિકોણ વૈજ્ઞાનિક બને છે.

વિજ્ઞાનનું પ્રયોજન અને પ્રદાન સમાજની સલામતી માટે વિવિધ રૂપે રહ્યું છે. આમ તો વિજ્ઞાને મહદંશે શાંતિના ઉપાર્જનનું કાર્ય કર્યું છે. પણ જેમાં તેનો ખુદ કોઈ દોષ નથી, તેવી યુદ્ધ માટેની ટૅક્નૉલૉજી પણ માણસે તૈયાર કરી. દોષ આવી ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરનારનો છે. ટૅક્નૉલૉજી કોઈ પણ રાષ્ટ્રને પોતાની સલામતી માટે સુરક્ષા-કવચ પૂરું પાડે છે.

કૃષિ પરંપરાગત ન રહેતાં હવે તે વૈજ્ઞાનિક બનતી જાય છે. સંકર (hybrid) બિયારણ, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ [જેથી પારિતંત્ર (ecosystem) સામે હવે પ્રશ્નો ઊભા થયા છે], સિંચાઈ-પદ્ધતિ અને ઉચિત ઓજારો મળી રહેતાં, ખેતપેદાશોનો આંક સારો એવો વધ્યો છે. પરિણામે ખેડૂતોનું જીવનધોરણ સુધર્યું છે. હરિયાળી અને શ્ર્વેત ક્રાંતિથી અન્નનું ઉત્પાદન ઘણું વધ્યું છે. આહાર અને પોષણની સમસ્યાઓ હળવી થઈ છે. અનાજ-વિતરણના પ્રબંધનની સામે નીતિ અને વ્યવસ્થાના પ્રશ્નોમાંથી ઊભી થતી ઘણી ક્ષતિઓ અવરોધ કરે છે.

વ્યક્તિ અને સમગ્ર સમાજના સ્વાસ્થ્ય સામે તમામ પડકારો સામે તબીબી વિજ્ઞાને સફળતાપૂર્વક ઝીક લીધી છે. કૅન્સર અને એઇડ્ઝના નિદાન અને ઉપચાર સામે વૈજ્ઞાનિક અને તબીબી સમુદાય અસરકારક રીતે યથાશક્તિ લડી રહ્યો છે. શીતળાનો રોગ ભૂતકાળની ઘટના બની ગઈ. મલેરિયા અને પોલિયો સામે પણ તમામ સાર્થક પગલાં લેવાઈ રહ્યાં છે. આ રીતે સમાજનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે વિજ્ઞાન અમૂલ્ય ફાળો આપી રહ્યું છે. સ્વાસ્થ્યની સલામતી માટે વિકસિત અને વિકસતાં રાષ્ટ્રો ક્રમબદ્ધ આયોજન કરીને સમાજને રક્ષણ આપવામાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યાં છે. પવન, પાણી અને પ્રકાશ જેવાં વ્યાપક કુદરતી સંસાધનોને વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી તરફથી વેગ મળતાં પર્યાવરણ અકબંધ રહેશે, જેનો અંતે તો ફાયદો સમાજને જ થવાનો છે.

સમાજ જ્યારે વિજ્ઞાનજન્ય જ્ઞાન-સ્તંભ (knowledge leg) અને ટૅક્નૉલૉજી-આધારિત કાર્ય-સ્તંભ (action leg) ઉપર સ્થિર રહી શકે તેવી વ્યૂહરચના અપનાવશે ત્યારે તેને સામાજિક સલામતી આપોઆપ મળી રહેશે. તેવા સંજોગોમાં ભય અને ભૂખ-મુક્ત રાષ્ટ્રનું નિર્માણ શક્ય છે.

ગહન ચિંતન સાથે ભારતના રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામે સૂચિત કરેલ મિશન ભારતને સ્વાસ્થ્ય, આહાર, પોષણ, ઊર્જા અને પારિતંત્રના ક્ષેત્રે સલામત બનાવવા  સક્ષમ છે. તે રીતે તે વિકસિત સમાજ અને રાષ્ટ્રોની હરોળમાં આવી જશે.

ભૂતકાળમાં ઔદ્યોગિક ક્રાંતિ આર્થિક અને સામાજિક અસમાનતાનું કારણ બનેલ. હવે પછીની અદ્યતન (art of state) ટૅક્નૉલૉજીનો ઉપયોગ આર્થિક, સામાજિક સમાનતા અને જાતીય ન્યાય માટે થવો ઘટે. વર્તમાન માહિતી પ્રૌદ્યોગિકી (Information Technology) તે માટે તક પૂરી પાડે છે. આ બધું જ્ઞાન (માહિતી) ક્રાંતિમાં અભિપ્રેત છે.

જાગૃતિ, જ્ઞાન (માહિતી), શિક્ષણ અને સ્વાસ્થ્ય એ જ કોઈ પણ સમાજ કે રાષ્ટ્રની સાચી અને નિર્ણાયક મૂડી હોઈ શકે. તેમાંથી સમાજ- જીવનની ગુણવત્તા (quality of life) સુદૃઢ બને છે. તેનાં મૂળ વિજ્ઞાન (એટલે કે What we are) અને ટૅક્નૉલૉજી (એટલે કે What we have) સુધી પહોંચે છે.

સમગ્રતયા માત્ર આર્થિક વિકાસ ભાગ્યે જ સુખાકારી(કલ્યાણ)નો પર્યાય બની શકે છે. જીવનની ગુણવત્તા, વૈજ્ઞાનિક અને સામાજિક વિકાસ સાથે સંકળાયેલ છે તેમાં IT અને ICT(Information and Communication Technology)ને આધારે યોગ્ય સુધારો લાવી શકાય છે. દૂરદરાજના વિસ્તારોમાં ICT ગમે તે સમયે/ગમે ત્યાં શિક્ષણની સુવિધાઓ પૂરી પાડે છે તે જ રીતે તેવા સંજોગોમાં સ્વાસ્થ્ય માટે ટેલિમેડિસિન કાર્ય કરે છે.

ICT કેટલાય વિસ્તારોમાં સંખ્યાબંધ પ્રકલ્પો દ્વારા ક્ષમતા સાથે, તકરાર અને ભ્રષ્ટાચાર વિના સેવાઓ પૂરી પાડે છે. આ બધાંનો લાભ અંતે તો વ્યક્તિ અને સમાજના ઉત્કર્ષ માટે જ થવાનો છે; તેથી વ્યક્તિનો આત્મવિશ્ર્વાસ અને શક્તિ પણ વધશે. મુઠ્ઠીભર અધિકારીઓની પકડમાંથી મુક્ત થશે. તે રીતે ચારિત્ર્યશીલ નાગરિક અને તંદુરસ્ત સમાજનું નિર્માણ શક્ય બનશે. આ રીતે વિજ્ઞાન, સમાજ અને રાષ્ટ્રના વિકાસની નાવને મજબૂતી બક્ષતું રહે છે.

પ્રહલાદ છ. પટેલ