વિગ્નૉડ, વિન્સેન્ટ ડુ (જ. 18 મે 1910, શિકાગો, યુ.એસ.; અ. 11 ડિસેમ્બર 1978, વ્હાઇટ પ્લેઇન્સ, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન જૈવરસાયણ અને વાઝોપ્રેસીન અને ઑક્સિટોસીન નામના બે પીયૂષ અંત:સ્રાવો(pituitary hormones)ના અલગીકરણ અને સંશ્લેષણ બદલ 1955ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષય માટેના નોબેલ પુરસ્કાર-વિજેતા.
ઇલિનોઇ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી તેમણે 1923માં બી.એસસી. તથા 1924માં એમ.એસસી. પદવી પ્રાપ્ત કરી. 1924-25 દરમિયાન તેઓ ફિલાડેલ્ફિયા જનરલ હૉસ્પિટલના ડૉ. ફોર્રના મદદનીશ જૈવરસાયણજ્ઞ હતા તથા પેન્સિલવેનિયા યુનિવર્સિટીની ગ્રૅજ્યુએટ સ્કૂલ ઑવ્ મેડિસીનમાં પણ સેવાઓ આપી હતી. 1927માં તેમણે પ્રો. જી. આર. મુર્લિનના હાથ નીચે સંશોધન કરી રોચેસ્ટર યુનિવર્સિટી(ન્યૂયૉર્ક)ની પીએચ.ડી. પદવી પ્રાપ્ત કરી હતી.
નૅશનલ રિસર્ચ કાઉન્સિલના ફેલો તરીકે તેમણે જૉન હૉપકિન્સ યુનિવર્સિટી(બાલ્ટિમોર)માં પ્રો. જે. જે. એબેટ સાથે; કૈસર વિલ્હેમ ઇન્સ્ટિટ્યૂટ બર્લિનમાં; એડિનબરો યુનિવર્સિટી, મેડિકલ સ્કૂલમાં પ્રો. જ્યૉર્જ બાર્જર સાથે, તથા લંડન યુનિવર્સિટી કૉલેજ હૉસ્પિટલમાં પ્રો. ચાર્લ્સ આર. હેરિંગ્ટન સાથે સંશોધનકાર્ય કર્યું હતું.
અમેરિકા પાછા ફર્યા બાદ ડુ વિગ્નોડ પ્રો. ડબ્લ્યૂ સી. રોઝના હાથ નીચે ઇલિનોઇ યુનિવર્સિટીના શરીરક્રિયાત્મક (physiological) રસાયણના સ્ટાફમાં જોડાયા. 1932માં તેઓ જ્યૉર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટી મેડિકલ સ્કૂલમાં જૈવરસાયણ વિભાગના વડા તરીકે નિમાયા અને 1938 સુધી ત્યાં રહ્યા. 1938-67 દરમિયાન તેમણે કૉર્નેલ યુનિવર્સિટી મેડિકલ કૉલેજ(ન્યૂયૉર્ક સિટી)ના જૈવરસાયણ વિભાગના વડા તરીકે તથા 1967-75 સુધી કૉર્નેલ યુનિવર્સિટી, ઈથાકા (એન. વાય.) ખાતે રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી.
1927માં પીએચ.ડી. પદવી મેળવ્યા બાદ તેમણે ઇન્સ્યુલિન નામના અંત:સ્રાવ ઉપર સંશોધન શરૂ કર્યું. આ સંશોધને તેમનામાં સલ્ફરસંયોજનો ખાસ કરીને સલ્ફરયુક્ત એમીનો-ઍસિડો-મિથિયોનીન, સિસ્ટિન (cystine) અને સિસ્ટાઇન (cysteine) પ્રત્યે રસ જાગ્રત કર્યો. આ સંશોધન એક સીમાસ્તંભરૂપ હતું. પૉલિપેપ્ટાઇડ અંત:સ્રાવો ઉપરનું સંશોધન પણ તેમનું આગવું પ્રદાન હતું.
1938માં કૉર્નેલ યુનિવર્સિટીમાં જોડાયા પછી 1941ના અરસામાં તેમણે યકૃત(liver)માંથી વિટામિન H (બાયોટિન – biotin) અલગ પાડ્યું તથા 1942 સુધીમાં તેનું બંધારણ પણ નક્કી કર્યું. (અગાઉ 1936માં એફ. કોગલે બતકના ઈંડાની 250 કિગ્રા. જેવી શુષ્ક જરદીમાંથી તે 1 મિગ્રા. મેળવ્યું હતું.)
આ પછી તેમણે ઉત્તર-પીયૂષ (posterior-pituitary) ગ્રંથિમાંથી સ્રવતા અંત:સ્રાવ ઑક્સિટોસીન અને વાઝોપ્રેસીનનો અભ્યાસ શરૂ કર્યો. તેમણે ઑક્સિટોસીન આઠ એમીનોઍસિડોનું બનેલું હોવાનું શોધી કાઢ્યું અને તેમાં ઍસિડોનો ક્રમ પણ નક્કી કર્યો. 1954માં તેમણે કૃત્રિમ ઑક્સિટોસીનનું સંશ્લેષણ કર્યું. જે કુદરતી અંત:સ્રાવ જેટલું જ અસરકારક હતું અને સૌપ્રથમ સંશ્લેષિત પ્રોટીન હતું. તે ગર્ભાશયના સંકોચન તથા દૂધના સ્રાવ માટે કારણભૂત છે. તેમની આ સિદ્ધિ માટે તેમને 1955ના વર્ષનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો.
આ ઉપરાંત તેમણે ટ્રાન્સમિથાઇલેશન (transmethylation), મિથાઇલસમૂહનું નવજનન (neogenesis), ટ્રાન્સસલ્ફયુરેશન, એમીનોઍસિડ ચયાપચય ક્રિયા (metabolism) અને પેનિસિલીનના સંશ્લેષણ ઉપર સંશોધન કર્યું હતું.
તેમના સંશોધનકાર્ય બદલ તેમને 1955માં કોલંબિયા યુનિવર્સિટીના ચેન્ડલર ચંદ્રક ઉપરાંત 1956નો અમેરિકન કેમિકલ સોસાયટીનો વિલાર્ડ ગીબ્સ ચંદ્રક એનાયત થયો હતો. વળી 1955માં ન્યૂયૉર્ક તેમજ યેલ યુનિવર્સિટી તરફથી તથા 1960માં ઇલિનોઇ યુનિવર્સિટી તરફથી તેમને ડૉક્ટરેટની માનાર્હ પદવી આપવામાં આવી હતી. તેઓ રૉયલ સોસાયટી ઑવ્ એડિનબરો, કેમિકલ સોસાયટી તથા રૉયલ ઇન્સ્ટિટ્યૂટના પણ માનાર્હ ફેલો હતા. રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટના બૉર્ડ ઑવ્ ટ્રસ્ટીઝ દ્વારા પણ તેમને ફેલો બનાવાયા હતા.
જ. પો. ત્રિવેદી