વિગ્રહરાજ-I : રાજસ્થાનમાં જયપુર પાસે આવેલ શાકંભરી પ્રદેશના ચાહમાન વંશનો રાજા. આ વંશનો સ્થાપક વાસુદેવ હતો. તેનું પાટનગર શાકંભરી હતું. તે વંશમાં સામંત, પૂર્ણતલ્લ, જયરાજ અને વિગ્રહરાજ પ્રથમ  એક પછી એક રાજા થયા. વિગ્રહરાજનો વારસ અને પુત્ર ચન્દ્રરાજ આઠમી સદીની મધ્યમાં થઈ ગયો. ઈસવી આઠમી સદીના અંતભાગમાં દુર્લભરાજ પ્રથમ થયો. તેના સમયમાં શાકંભરીનું રાજ્ય પ્રતીહાર વંશના રાજા વત્સરાજના રાજ્ય સાથે જોડી દેવામાં આવ્યું.

વિગ્રહરાજ-II : શાકંભરીના ચાહમાન વંશનો રાજા અને પ્રતીહારોના સાર્વભૌમત્વમાંથી પોતાના પ્રદેશને મુક્ત કરાવનાર મહારાજાધિરાજ સિંહરાજનો કુંવર. તે ઈ. સ. 973માં શાસન કરતો હતો એમ જાણવા મળે છે. તેણે ગુજરાત ઉપર આક્રમણ કર્યું અને ત્યાંના ચૌલુક્ય (સોલંકી) રાજા મૂળરાજને નાસી જઈને કચ્છમાં આવેલા કંથકોટના કિલ્લામાં આશ્રય લેવો પડ્યો હતો. તેણે નર્મદાના કિનારાના પ્રદેશ પર્યન્ત વિજયયાત્રા કરી અને ભૃગુકચ્છ(ભરૂચ)માં આશાપુરી માતાનું મંદિર બંધાવ્યું હતું. પાછળથી મૂળરાજે તેની સાથે સંધિ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું હતું.

વિગ્રહરાજ-III : શાકંભરીના ચાહમાન વંશનો રાજા અને દુર્લભ અને વીરસિંહનો ભાઈ. તે વીરસિંહના પછી શાકંભરીની ગાદીએ બેઠો. ચાલુક્ય વંશના રાજા કર્ણની વિરુદ્ધ, પરમાર વંશના રાજા ઉદયાદિત્યને તેણે અશ્વદળની મદદ કરી હતી. વિગ્રહરાજનો વારસ અને પુત્ર પૃથ્વીરાજ પ્રથમ ઈ. સ. 1105માં શાસન કરતો હતો. તેણે બ્રાહ્મણોને લૂંટવા માટે પુષ્કર ગયેલા 700 ચાલુક્યોને મારી નાખ્યા હતા.

વિગ્રહરાજ-IV (લગભગ ઈ. સ. 1153-1164) : તે વિગ્રહરાજ વીસલદેવ તરીકે પણ ઓળખાતો હતો. તે શૂરવીર અને પ્રતાપી રાજવી હતો. તેના સમયમાં ચાહમાનોએ મોટું સામ્રાજ્ય સ્થાપ્યું. તેણે તોમારો પાસેથી ઢિલ્લિકા (દિલ્હી) જીતી લીધું અને પંજાબના હિસ્સાર જિલ્લામાં હાંસી કબજે કર્યું. પંજાબમાં તેણે મુસ્લિમો સામે કેટલીક લડાઈઓ લડવી પડી. તેણે ગઝ્નવી હાકેમની અનેક સેનાઓ ઉપર જીત મેળવી. મ્લેચ્છો(મુસ્લિમો)ને હાંકી કાઢી તેણે આર્યાવર્તની પ્રતિષ્ઠા પુન: પ્રાપ્ત કરી. તેણે જોધપુરમાં પાલીમાં લૂંટ કરી, જાબાલિપુર બાળ્યું અને નડોલ કબજે કર્યું. તેના રાજ્યનો વિસ્તાર શિવાલિક હિલ, સહરાનપુર-ઉત્તરપ્રદેશ સુધી ફેલાયો હતો. વિગ્રહરાજ એક મહાન સેનાપતિ તથા વિદ્વાનોનો આશ્રયદાતા હતો. તે પોતે પણ કવિ અને લેખક હતો. તેના દરબારના મહાકવિ સોમદેવે ‘લલિત વિગ્રહરાજ નાટક’ લખ્યું હતું. વિગ્રહરાજે પોતે ‘હરકેલિ નાટક’ની રચના કરી હતી. આ બંને નાટકોના કેટલાક અંશો અજમેરમાં આવેલી એક મસ્જિદની પથ્થરની દીવાલો ઉપર જોવા મળે છે. વિગ્રહરાજ-IVએ અજમેરમાં એક સંસ્કૃત મહાશાળા સ્થાપી તેની દીવાલો ઉપર લલિત-વિગ્રહરાજ નાટક કોતરાવ્યું હતું. શિહાબુદ્દીન ગોરીના લશ્કરે ઈ. સ. 1193માં આ મહાશાળાનો નાશ કર્યો હતો અને તેના પથ્થરો વડે અજમેરમાં પછી મસ્જિદ બાંધવામાં આવી હતી.

જયકુમાર ર. શુક્લ