વિક્રમાદિત્ય-1 (શાસનકાળ ઈ. સ. 655-681) : દખ્ખણના પ્રદેશમાં વાતાપી(બાદામી)ના ચાલુક્ય વંશનો રાજા. તે પુલકેશી બીજાનો નાનો પુત્ર હતો. તેણે એવો દાવો કર્યો હતો કે તેના પિતાએ તેના ઉત્તરાધિકારી તરીકે તેને પસંદ કર્યો હતો. આ અધિકારનો સ્વીકાર કરાવવા તેણે તેના ભાઈઓ તથા સ્વતંત્ર થયેલા માંડલિકો(સામંતો)નો સખત વિરોધ સહન કરવો પડ્યો હતો. તેના પિતા જેવો તે મહત્ત્વાકાંક્ષી અને શૂરવીર હતો. તેના પ્રતાપી પિતા પુલકેશી બીજાના મૃત્યુ બાદ વાતાપી તથા દક્ષિણના કેટલાક વિસ્તારો આશરે તેર વર્ષ પલ્લવોની સત્તા હેઠળ રહ્યા હતા. પોતાના વંશની પ્રતિષ્ઠા પાછી મેળવવા તેણે પ્રયાસો કર્યા. તેણે પલ્લવોને પરાજય આપી પોતાના પચાવી પાડેલા પ્રદેશોમાંથી હાંકી કાઢ્યા અને વાતાપી પુન: પ્રાપ્ત કર્યું. ત્યારબાદ વેર વાળવા, તેણે પલ્લવોના પ્રદેશો ઉપર આક્રમણ કરી નરસિંહ વર્મા પ્રથમ, તેનો પુત્ર મહેન્દ્ર વર્મા બીજો અને તેનો પૌત્ર પરમેશ્વર વર્મા પહેલો એમ ત્રણ પલ્લવ રાજાઓને એક પછી એક હરાવ્યાનો દાવો કર્યો છે. તે સાથે તેણે પલ્લવોનું પાટનગર કાંજી કબજે કર્યું. આ સંઘર્ષ ઘણાં વર્ષ પર્યન્ત ચાલ્યો હશે.
તેણે દૂર દક્ષિણમાં આવેલા ચોલ, પાંડ્ય તથા કેરળ (ચેરા) વંશના રાજાઓને પણ હરાવ્યા હતા. કેટલાક સમય પછી પલ્લવોએ વેર લીધું. પલ્લવ રાજા પરમેશ્વર વર્મા પ્રથમે વિક્રમાદિત્યને પેરુવલનલ્લુરની લડાઈમાં હરાવ્યો અને નાસી જવાની ફરજ પાડી હતી. તેણે ચાલુક્યોના પાટનગર વાતાપી (બાદામી)નો નાશ કર્યો. વિક્રમાદિત્ય પહેલાએ તેના નાના ભાઈ જયસિંહ વર્માને ગુજરાતના તેના પ્રદેશનો હાકેમ નીમ્યો. તે સમયે તેનું પ્રાંતિક પાટનગર ઘણુંખરું નવસારી હતું. તેણે મહી અને નર્મદા નદીઓ વચ્ચેના પ્રદેશના વજ્જડ નામના રાજાના લશ્કરનો નાશ કર્યો હતો. વિક્રમાદિત્ય પ્રથમ એક પ્રતાપી રાજા હતો. તે ‘મહારાજાધિરાજ’, ‘પરમેશ્વર’, ‘પૃથ્વીવલ્લભ’, ‘ભટ્ટારક પરમેશ્વર’ ખિતાબો ધરાવતો હતો. ઈ. સ. 618માં તેનું અવસાન થયું.
જયકુમાર ર. શુક્લ