વાલ્ડ, જ્યૉર્જ (Wald, George)

January, 2005

વાલ્ડ, જ્યૉર્જ (Wald, George) (જ. 18 નવેમ્બર 1906, ન્યૂયૉર્ક; અ. 12 એપ્રિલ 1997, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : સન 1967ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા અંગે સ્વીડનના રેગ્નર ગ્રેનિટ (Ragnar Granit), તથા અમેરિકાના હેલ્ડન કેફર હાર્ટલાઇન(Haldan Keffer Hartline)ની સાથેના નોબેલ પારિતોષિકના વિજેતા. આ અમેરિકી જૈવરસાયણવિદને આંખમાંની પ્રાથમિક દેહધાર્મિક અને રાસાયણિક પ્રક્રિયાના અનાવિષ્ટન (discovery)રૂપ સંશોધન માટે મળ્યું હતું. તેમનાં માતાપિતા કપડા ઉદ્યોગમાં કાર્ય કરતા હતા. તેમણે મૅન્યુઅલ ટ્રેનિંગ હાઇસ્કૂલમાં લીધી હતી. સન 1927માં પ્રાણીશાસ્ત્રમાં સ્નાતક થયા અને 1932માં તેમણે ડૉક્ટરેટ મેળવી. (કોલમ્બિયા યુનિવર્સિટી) સન 193233માં રાષ્ટ્રીય સંશોધન કાઉન્સિલ(જર્મની)ના ફેલો તરીકે કાર્ય કરતાં કરતાં તેમણે શોધ્યું હતું કે પ્રજીવક(vitamin)એ દૃષ્ટિપટલમાં રંગકણો માટેનું મહત્વનું ઘટક છે. તેથી તે દૃષ્ટિ માટે મહત્વનું પ્રજીવક છે. હિટલરના આવવાને કારણે તેમણે તે સ્થાન છોડ્યું અને વધુ સંશોધન માટે તેઓ ત્યારબાદ હેડલબર્ગ અને પછી ઝુરિક અને શિકાગોની યુનિવર્સિટીમાં જોડાયા. સન 1934થી તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીના શિક્ષકગણ-(faculty)માં જોડાયા.

જ્યૉર્જ વાલ્ડ

સન 1950ના દાયકાની શરૂઆતમાં તેમણે દૃષ્ટિપટલમાંના દંડકોષોમાં થતી દૃષ્ટિસંલગ્ન પ્રક્રિયામાં સક્રિય રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવી. આ દૃષ્ટિસંવેદકો રાતના અંધારામાં સક્રિય હોય છે. 1950ના દાયકાના પાછલા ભાગમાં પોલ બ્રાઉને દૃષ્ટિપટલમાંના પીળા-લીલા પ્રકાશ અને લાલ પ્રકાશ તરફ સંવેદિત રંગકણો શોધી કાઢ્યા અને 1960ના દાયકાની શરૂઆતમાં ભૂરા પ્રકાશ-સંવેદિત રંગકણો શોધાયા. વાલ્ડ અને બ્રાઉને આ ત્રણેય રંગકણો બનવામાં વિટામિનએમનું શું કાર્ય છે તે દર્શાવ્યું અને બતાવ્યું કે આ ત્રણમાંથી કોઈ એક રંગકણ ન હોય તો રંગ-અંધાપો થાય છે. સન 1948માં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ટ્યૂટરના હોદ્દે જોડાયા અને સન 1968થી 1977 સુધી તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક રહ્યા. સન 1977માં વાલ્ડ યુનિવર્સિટીમાં સન્માનિત પ્રાધ્યાપક (professor emeritus) બન્યા. વાલ્ડની સાથે ડૉક્ટર રુથ હબર્ડે (Ruth Hubbard) જૈવ-રસાયણવિદ તરીકે લાંબો સમય કામ કર્યું હતું. તેઓ તેમની સાથે પરણ્યા હતા. તેમનું પ્રથમ લગ્ન 1931માં ફ્રાન્સિસ કિન્સ્લી સાથે થયું હતું. તેઓ વિયેટનામ યુદ્ધના વાચાળ-વિરોધી હતા. તેઓએ પ્રતિ બેલિસ્ટિક સંધિનો વિરોધ કર્યો હતો. તેમણે ઘણી કૉલેજોમાં શીતયુદ્ધ, માનવઅધિકારો અને સ્વાતંત્ર્યચળવળોની તરફેણમાં પ્રવચનો કર્યાં હતાં. સન 1997માં તેઓ તેમનાં પત્ની, 3 પુત્રો, એક પુત્રી, 9 પૌત્ર-પૌત્રીઓ અને 3 પ્રપૌત્ર-પ્રપૌત્રીઓને મૂકી અવસાન પામ્યા હતા.

શિલીન નં. શુક્લ