વાલેસા, લેચ

January, 2005

વાલેસા, લેચ (જ. 8 સપ્ટેમ્બર 1943, પોપોવો, પોલૅન્ડ) : પોલૅન્ડના અગ્રણી મજૂરનેતા, દેશના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ તથા 1983ના નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા. પિતા સુથારનો વ્યવસાય કરતા અને તેમને રાજકીય કારણોસર ફરજિયાત શ્રમશિબિરમાં ધકેલવામાં આવ્યા હતા, જ્યાં થયેલી ગંભીર ઈજાઓને કારણે 1946માં તેમનું અવસાન થયું હતું. માત્ર પ્રાથમિક કક્ષાનું શિક્ષણ લીધા પછી વાલેસા દેશના બંદર ગડાન્સ્ક (Gdansk) ખાતેના લેનિન જહાજવાડામાં ઇલેક્ટ્રિશન તરીકે જોડાયા. બાળપણથી જ તેઓ ધાર્મિક વૃત્તિના હતા અને રોમન કૅથલિક દેવળમાં નિયમિત રીતે પૂજાઅર્ચના કરવા જતા. વ્યાવસાયિક શિક્ષણ મેળવ્યું તે પૂર્વે તેઓ રોમન કૅથલિક સ્કૂલમાં ભણતા હતા. શાળાના શિક્ષણ દરમિયાન તેમનામાં રહેલા નેતૃત્વના ગુણો છતા થયા હતા. પોલૅન્ડના તે વખતના નિયમો અનુસાર તેમણે ફરજિયાત લશ્કરી તાલીમ (conscription) લીધી હતી. ડિસેમ્બર, 1970માં સરકારે ખોરાકની ચીજવસ્તુઓના ભાવોમાં વધારો જાહેર કર્યો, જેના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઊભો થયો. જે જહાજવાડામાં વાલેસા નોકરી કરતા હતા ત્યાંના કેટલાક શ્રમિકોએ પણ હડતાળનું એલાન આપ્યું, જેનું નેતૃત્વ વાલેસાએ લીધું હતું. અનાજના ભાવોમાં ઘટાડા ઉપરાંત તેમણે જહાજવાડાના શ્રમિકોની કામની શરતોમાં સુધારાની માગણી પણ રજૂ કરી. પોલીસે દમનનો દોર શરૂ કર્યો, જેમાં થયેલ ગોળીબારમાં 55 શ્રમિકોએ શહાદત વહોરી. સરકાર-પક્ષે શ્રમિકોની કેટલીક માગણીઓનો સ્વીકાર થયો. જેને લીધે વાલેસા ફરી જહાજવાડામાં નોકરીમાં હાજર થયા. 1976માં અનાજ અને ખોરાકની અન્ય ચીજવસ્તુઓમાં ફરી વાર સરકારે વધારો જાહેર કરતાં સમગ્ર દેશમાં ફરીને વિરોધનો વંટોળ શરૂ થયો. વાલેસાએ પોતાના સાથી શ્રમિકોની મદદથી જહાજવાડામાં મજૂરમંડળની સ્થાપના કરી, જે તે વખતના દેશના કાયદાઓ અને નિયમો મુજબ ગેરકાયદેસર કૃત્ય ગણાયું. આ કારણસર તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા. તેને કારણે ઊભી થયેલ બેકારીના ગાળામાં વાલેસા મજૂર આંદોલનોમાં વધુ ને વધુ સક્રિય બનતા ગયા. સાથોસાથ સામ્યવાદી વિચારસરણીનો વિરોધ કરનારાં જૂથોમાં પણ તેઓ સક્રિય રીતે દાખલ થયા. સરકારવિરોધી છાપાના તંત્રીપદે પણ તેમણે કામ કર્યું. 1979માં દેશના કેટલાક મજૂર-નેતાઓએ સરકાર સમક્ષ કેટલીક માગણીઓ રજૂ કરી, જેમાં વાલેસાનો હાથ પણ ખરો. આ માગણીઓમાં મજૂર-મંડળોને માન્યતા આપવી તથા સામૂહિક સોદાશક્તિના ભાગ તરીકે હડતાળ પાડવાના અધિકારની સ્વીકૃતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો. વાલેસાની પ્રવૃત્તિઓ પર ગુપ્તચર વિભાગની ચાંપતી નજર હોવા છતાં વાલેસાએ પોતાની ભૂગર્ભ પ્રવૃત્તિઓ ચાલુ જ રાખી હતી. 1980ના ઉનાળામાં સરકારે ફરી માંસની કિંમતોમાં વધારો જાહેર કર્યો, જેના વિરોધમાં વાલેસાએ જહાજવાડામાં હડતાળનું એલાન આપ્યું. સરકારે મજૂરનેતાઓની ધરપકડ કરી, જેમાં વાલેસાનો પણ સમાવેશ થયો હતો. જ્યાં સુધી તેમની માગણીઓ મંજૂર થતી નથી, ધરપકડ કરાયેલા નેતાઓને મુક્ત કરવામાં આવતા નથી અને બરતરફ કરાયેલા નેતાઓ અને અન્ય શ્રમિકોને ફરી કામ પર લેવામાં આવતા નથી ત્યાં સુધી હડતાળ અચોક્કસ મુદત સુધી ચાલુ રહેશે એવી ચેતવણી મજૂરો વતી વાલેસાએ સરકારને આપી. 1980માં તેમણે ‘સૉલિડૅરિટી’ નામના નવા રાષ્ટ્રવ્યાપી સંગઠનની સ્થાપના કરી.

ઘણાં અઠવાડિયાંની વાટાઘાટો પછી સરકાર અને હડતાળ પાડનાર મજૂર મંડળો વચ્ચે સમજૂતી થઈ, જેના દ્વારા શ્રમ-સંગઠનો રચવાની તથા હડતાળ પાડવાના હકની મજૂરોની માગણી સરકાર દ્વારા માન્ય રાખવામાં આવી. ઉપરાંત, તેમના વેતનદરો તથા કામની અન્ય શરતોમાં સુધારા કરવામાં આવ્યા તથા ધરપકડ થયેલા બધા રાજકીય અને શ્રમિક કાર્યકર્તાઓને મુક્ત કરવામાં આવ્યા. સામા પક્ષે મજૂર-મંડળોએ સામ્યવાદી પક્ષની સાર્વભૌમિકતાનો સ્વીકાર કર્યો. આમ, આ સમજૂતી વાલેસા માટે મહાન વિજય ગણાયો.

આ લેખિત સમજૂતી છતાં સરકારે મહિનાઓ સુધી સમજૂતીની શરતોનો અમલ કરવામાં ઢીલ દર્શાવી, જેની સામે વાલેસાના નેતૃત્વ હેઠળ મજૂરોએ ફરી એક દિવસની ‘ચેતવણીરૂપ’ હડતાળ પાડી. બે અઠવાડિયાં પછી દેશના પાટનગર વૉર્સાના ન્યાયાલયે સૉલિડૅરિટી હેઠળના સમગ્ર દેશના મજૂરમંડળોને વૈધાનિક માન્યતા આપી. વાલેસા સૉલિડૅરિટીના પ્રમુખ બન્યા. માર્ચ 1981માં બાકી રહેલ માગણીઓ માન્ય કરાવવા ફરી વાર દેશવ્યાપી હડતાળ પાડવામાં આવી, જેમાં 90 લાખ કામદારો જોડાયા. સપ્ટેમ્બર, 1981માં સૉલિડૅરિટીનું પ્રથમ વાર્ષિક અધિવેશન યોજવામાં આવ્યું, જેમાં સંગઠનના પ્રમુખપદે ફરી વાર વાલેસાની ચૂંટણી થઈ, અધિવેશને દેશવ્યાપી મુક્ત ચૂંટણીઓની માગણી કરી. ત્રણ મહિના બાદ દેશની સરકારની વૈધતા નક્કી કરવા માટે સરકાર સમક્ષ દેશવ્યાપી મતદાન (referendum) આયોજિત કરવાની માગણી રજૂ કરવામાં આવી. વાલેસા આ માગણીની તરફેણમાં ન હતા. તેમનું એવું માનવું હતું કે બધા જ સુધારા ધીમે ધીમે અને શાંતિપૂર્ણ વાટાઘાટો દ્વારા દાખલ કરવા જોઈએ, ઉગ્ર આંદોલનો દ્વારા નહિ.

લેચ વાલેસા

ડિસેમ્બર 1981માં સરકારે દેશવ્યાપી માર્શલ લૉની જાહેરાત કરી. વાલેસા સાથે મજૂરમંડળોના બધા અગ્રણી નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. સૉલિડૅરિટી સંગઠન ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું. દેશનાં બધાં જ નગરો પર લશ્કરે કબજો જમાવ્યો; પરંતુ ડિસેમ્બર, 1982માં વાલેસાને જેલના એકાંતવાસમાંથી મુક્ત કરવામાં આવ્યા; એટલું જ નહિ, પરંતુ તેમને જહાજવાડામાં તેમની નોકરી ફરી બહાલ કરવામાં આવી; તેમ છતાં તેમની મુક્ત હેરફેર પર પ્રતિબંધો લાદવામાં આવ્યા.

1983ની પાનખર ઋતુમાં નોબેલ શાંતિ સમિતિએ લેચ વાલેસાને 1983ના વર્ષનું શાંતિ માટેનું નોબેલ-પારિતોષિક એનાયત કરવાની જાહેરાત કરી. પારિતોષિક લેવા માટે તે દેશ બહાર જાય તો તેમને ફરી દેશમાં પ્રવેશ આપવામાં આવશે નહિ, આ ભયને કારણે નોબેલ પારિતોષિક ગ્રહણ કરવા માટેના સમારંભમાં તેમણે તેમની પત્નીને મોકલી હતી.

વાલેસાએ સૉલિડૅરિટી સંગઠનની ભૂગર્ભ પ્રવૃત્તિ ચાલુ રાખી. પરિણામે જાન્યુઆરી, 1986માં ફરી તેમની ધરપકડ કરવામાં આવી. 1985ની સંસદની ચૂંટણીમાં ગેરરીતિઓ વાપરવાનો આક્ષેપ સરકાર પર કરવા બદલ તેમને આ વખતે જેલમાં ધકેલવામાં આવ્યા હતા. થોડાક દિવસો બાદ વાલેસાએ સરકાર સામે પોતે કરેલા આક્ષેપો પાછા ખેંચી લીધા, જે કારણસર તેમને જેલવાસમાંથી મુક્ત કરવામાં આવ્યા. 1988માં સૉલિડૅરિટી પરનો પ્રતિબંધ પણ હઠાવી દેવામાં આવ્યો. 1989ના વર્ષની વસંતઋતુમાં સરકાર અને વિરોધપક્ષો વચ્ચે વાટાઘાટો થઈ, જેના દ્વારા થયેલ સમજૂતીના પરિણામે તે જ વર્ષે મુક્ત ચૂંટણી યોજાઈ, જેમાં દેશની સંસદમાં સૉલિડૅરિટીના ઉમેદવારોને વિશાળ બહુમતી મળી. પરંતુ વાલેસાએ પ્રધાનમંત્રી બનવાની, સામ્યવાદીઓ સાથે સહિયારી સરકાર રચવાની સદંતર ના પાડી. 1990માં વાલેસા વિશાળ બહુમતીથી દેશના નવા પ્રજાસત્તાકના રાષ્ટ્રપ્રમુખ ચૂંટાયા. પોલૅન્ડમાં આ સર્વપ્રથમ મુક્ત અને પ્રત્યક્ષ ચૂંટણી હતી. તેના કાર્યકાળ દરમિયાન દેશમાં કેન્દ્રીકૃત આયોજિત અર્થવ્યવસ્થાને સ્થાને મુક્ત અર્થતંત્ર પર રચાયેલ બજારપ્રેરિત અર્થવ્યવસ્થા દાખલ કરવામાં આવી. 1995ની પ્રમુખપદ માટેની ચૂંટણીમાં વાલેસાએ ફરી ઉમેદવારી કરી ખરી, પરંતુ ગર્ભપાતને ગેરકાયદેસર જાહેર કરવાની ના પાડવાને કારણે તેમનો ખૂબ ઓછા મતે પરાજય થયો.

વાલેસાને મળેલા ઍવૉર્ડમાં અમેરિકાના પ્રમુખ દ્વારા અપાતો ઍવૉર્ડ તથા ફ્રેન્ચ લિજન ઑવ્ ઑનરનો સમાવેશ થાય છે.

1980ના દાયકાના મધ્યમાં વાલેસાની આત્મકથા ‘અ પાથ ઑવ્ પીસ’ દેશની બહાર ગુપ્ત રાહે પ્રકાશિત કરવામાં આવી હતી, જેનું અંગ્રેજી ભાષાંતર 1987માં પ્રકાશિત થયું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે