વારલી : એક આદિવાસી જાતિ. અનેક વિદ્વાનોએ વારલી જાતિના મૂળ વતન વિશે અનુમાનો કર્યા છે. જેમના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. તેમનો કોઈ ઇતિહાસ નથી. બૉમ્બે ગૅઝેટિયરની નોંધ પ્રમાણે વારલીઓ મૂળ દક્ષિણ ભારતના કોંકણ તરફના વતનીઓ છે. ચૌદમી અથવા પંદરમી સદીમાં દખ્ખણમાંથી ફિરંગીઓને કારણે, કુદરતી કોપને કારણે, મરાઠાઓની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓના કારણે તેઓ કોંકણ પ્રદેશ છોડીને ધરમપુર, સુરત અને તેની આસપાસના પ્રદેશોમાં આવીને વસ્યા હોવાનું મનાય છે. મરાઠી જ્ઞાનકોશ મુજબ વારલી જાતિ થાણા જિલ્લામાં વસી છે. ગુજરાત શબ્દકોશ મુજબ વારલી ગુજરાતની રાનીપરજ કોમ છે. તેઓ ખેતીકામ અને જંગલનાં વૃક્ષોનાં મૂળ કાઢીને નવાં વૃક્ષો રોપવાનું કામ કરે છે.
જૉન વિલ્સને તેમના પુસ્તક ‘Aboriginal Tribes’માં જણાવ્યું છે કે ‘warul’ શબ્દ પરથી warli શબ્દ આવ્યો છે. warulનો એક અર્થ જમીનના નાના ટુકડાની ખેતી થાય છે. અર્થાત્ ખેતીલાયક જમીનના નાના ટુકડા ‘વારૂલ’ પરથી ‘વારલી’ શબ્દ ઊતરી આવ્યો હોવાનું મનાય છે. ‘વારૂલ’નો બીજો એક અર્થ ઊંચી જમીન (upland) પણ થાય છે. વારલી પ્રજા ડુંગરાળ પ્રદેશમાં રહે છે. તેમના વિશે બીજો ઉલ્લેખ વારાલાટ પ્રદેશના હિન્દુઓમાં થયો છે. ભૂતકાળમાં વારાલાટ પ્રદેશ કોંકણનો જ એક ભાગ હતો. જે આજે કોલાબા અને થાણા જિલ્લાનો પ્રદેશ છે. વારલી કોલ જાતિનો એક ભાગ છે. કોલ જાતિના લોકો મુંબઈ અને કોલાબા વિસ્તારમાં ઝૂંપડાં બાંધીને આસપાસના વિસ્તારમાં ખેતી તથા માછલાં પકડીને પોતાનો જીવનનિર્વાહ કરતા હતા. પ્રાકૃત ભાષા પ્રમાણે ‘વારલી’ ઉત્તરમાંથી કોંકણમાં આવેલ ‘વરૂડ’ કોળી જાતિ હતી, તેનાથી ‘વારૂકી’ ઉર્ફે ‘વારલી’ જાતિ થઈ. ઇરાવતી કર્વેએ મરાઠી સમાજના ત્રણ વિભાગો પાડ્યા તે પૈકીના એક, સહ્યાદ્રિની આસપાસના પ્રદેશમાં વસતી જાતિઓમાં વારલીનો સમાવેશ થાય છે. ‘વારલી’ શબ્દની વ્યુત્પત્તિ ‘વરૂડ’ શબ્દ પરથી થઈ છે. વિંધ્ય અને સાતપુડાના પર્વતની આસપાસના પ્રદેશમાં ત્રણ અનાર્ય જાતિઓ વસતી હતી. તેમાં નિષાદ, વ્યાસ અને વરૂડનો સમાવેશ થાય છે. આ ‘વરૂડ’માંથી ‘વરૂલાઈ’ અને ‘વારૂલી’ તથા તેમાંથી અપભ્રંશ ઉચ્ચાર ‘વારલી’ થયો હશે તેમ મનાય છે.
કે. જે. સાવે વારલીની ઉત્પત્તિ વિશે જણાવે છે કે તેઓ વારલી કહેવાયા, કારણ કે તેઓ ડુંગરાળ વિસ્તારમાં વસે છે. અને ઝાડીઝાંખરાં બાળીને દાઝીયું ખેતી કરે છે. કેટલીક જગ્યાએ ઝાડીઝાંખરાં માટે ‘વારૂલ’ શબ્દને બદલે ‘વાવર’ શબ્દનો ઉપયોગ થાય છે. આ શબ્દ તેમના ધંધા સાથે સંકળાયેલો છે. તેઓ પોતાને કુનબી ખેડૂતો ગણાવે છે. પોતાના ગીતમાં ‘વારૂલી’ શબ્દનો ઉપયોગ કરે છે, જેનો અર્થ જંગલ અને જંગલમાં રહેતાં લોક થાય છે.
મુંબઈના જે વિસ્તારમાં અંગ્રેજો દાખલ થયા તે પ્રદેશ ‘વરલી’ તરીકે ઓળખાયો. આ પ્રદેશમાં પહેલાં કોળી લોકો વસતા હતા. 17મી સદીમાં કોળી લોકો પોતાનો મૂળ વસવાટ છોડી વરલીમાં આવીને વસ્યા, તેથી તેઓ વારલી તરીકે ઓળખાયા હોવાનું મનાય છે.
મોટાભાગના વિદ્વાનો ‘વારલી’ શબ્દ ‘વારૂલ’ પરથી આવ્યો હોવાનું માને છે. જમીનના ટુકડાને ખેડનારા ‘વારલી’ કહેવાય છે. અન્ય કેટલાક વિદ્વાનોએ વારલીને ખેતીના ધંધા સાથે સાંકળ્યો છે. બીજા કેટલાક વિદ્વાનો વારલીઓને દ્રવિડિયન પ્રજાતિ જૂથના બતાવી તેમનું મૂળ ભીલ જાતિમાં બતાવ્યું છે. તેમની ભાષામાં દ્રવિડિયન ભાષાકુળના શબ્દો આવે છે. કેટલાક વિદ્વાનોના મતાનુસાર ‘થાણાંથી ધરમપુર અને ડાંગ સુધીનો વિસ્તાર દંડકારણ્ય નામે પ્રસિદ્ધ હતો, જેમાં ઈ. પૂ. 700 વર્ષ પહેલાં માનવજાતિ વસતી હતી, રામાયણમાં મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદે આદિવાસીઓ વસતા હોવાનો ઉલ્લેખ થયો છે. આ વિસ્તારમાં આદિવાસીઓનું રાજ હતું. આજે પણ ડાંગ જિલ્લામાં દરબાર ભરીને ભીલ રાજાઓને સાલિયાણું આપવામાં આવે છે.
વારલી લોકો કર્ણાટક, ગોવા, દમણ, દીવ, ગુજરાત તેમજ દાદરાનગર હવેલીમાં વસ્યા છે. મહારાષ્ટ્રમાં મુંબઈ, રામગઢ, નાસિક, ધૂળિયા, જલગાંવ, અહમદનગર, થાણે, દહાણુ અને પુણે જિલ્લામાં તેઓ વસવાટ કરે છે. ગુજરાતમાં વલસાડ, ડાંગ, સુરત અને ભરૂચ જિલ્લામાં તથા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં વસ્યા છે. વારલીઓ ડુંગરો, ગાઢ જંગલો, તથા નદીનાળાંવાળા પ્રદેશમાં વસે છે. વારલી લોકો નાનાં જૂથોમાં વસે છે.
ભીલની જ પેટા જ્ઞાતિ તરીકે ઓળખાતા વારલીઓ નિગ્રો જાતિ-તત્વ ધરાવે છે : મધ્યમ બાંધો, મધ્યમ ચહેરો, ગોળ માથું અને પહોળું નાક. તેઓ વારલી બોલી બોલે છે, જે કોંકણીને મળતી આવે છે. તેમાં મરાઠીની વ્યાપક અસર જોવા મળે છે. વારલીની કોઈ લિપિ નથી.
વારલી લોકોનાં ઘર લંબચોરસ અને શંકુ આકારનાં હોય છે. ઘરની છત ઢાળવાળી હોય છે. ઘરનું છાજ નળિયાંનું, ડાંગરની પરાળ અને ઘાસનું બનેલું હોય છે. ઘરની દીવાલો સાંઠીઓ અને વાંસની પટ્ટીઓ બાંધીને બનાવાય છે. એની ઉપર છાણમાટીનું લીંપણ કરવામાં આવે છે. આ ઘર બેત્રણ ખંડોનું બનેલું હોય છે. ઘરમાં ચૂલો, પાણિયારું અને કોઠી મૂકવાની જગ્યા હોય છે. ઘરને બારણાં નથી હોતાં પણ આવવા-જવાનો રસ્તો હોય છે. ઘર-વખરીમાં વાસણો, ગોદડાં, ખાટલા, સાદડી, ટોપલા-ટોપલી તેમજ ખેતી, શિકાર અને સંગીતનાં સાધનો હોય છે. તેમનાં ઘરો અકેન્દ્રિત રીતે વીખરાયેલાં હોય છે. ઘરની દીવાલો ગેરુથી રંગેલી હોય છે. આ દીવાલો ઉપર ચોખાના પાઉડરથી વિવિધ ચિત્રો દોરેલાં હોય છે. તેમની ચિત્રકલા ‘Warli paintings’ તરીકે જાણીતી છે. ઘરની જોડે નાની છાપરી બનાવીને ત્યાં તેઓ પશુઓને બાંધે છે.
વારલી પુરુષો લંગોટી, ચડ્ડી અને બંડી પહેરે છે. માથે પાઘડી બાંધે છે. શિક્ષિત યુવાનો પેન્ટ-શર્ટ પહેરે છે. નાનાં છોકરાંઓ ચડ્ડી-બુશકોટ પહેરે છે. સ્ત્રીઓ કબજો અને કછોટો મારીને સાડી પહેરે છે. યુવતીઓ અદ્યતન ઢબની સાડી પહેરે છે. છોકરીઓ ફ્રૉક અને ચડ્ડી પહેરે છે. વારલીની પોશાક પહેરવાની ઢબ અને તેમનાં વસ્ત્રો દક્ષિણને મળતાં આવે છે. વારલી સ્ત્રીઓ ઘરેણાં અને છૂંદણાંની શોખીન હોય છે. કેટલાક પુરુષો પણ છૂંદણાં છૂંદાવે છે.
તેઓ ખોરાકમાં નાગલી, જુવાર તથા ચોખાના રોટલા, કઠોળ, અડદની દાળ અને શાકનો ઉપયોગ કરે છે. કંદમૂળ અને ભાજીને બાફીને તેઓ ખાય છે. શાક ન હોય તો ચટણી અને રોટલા ખાય છે. વળી વારતહેવારે મિષ્ટાન્ન અને માછલી પણ ખાય છે.
વારલીનો મુખ્ય વ્યવસાય ખેતી છે. તેમની ખેતી પ્રાથમિક કક્ષાની અને પરંપરાગત ઢબની છે. કોદાળીથી જમીન ખેડીને તેઓ વાવણી કરે છે. છાણિયું ખાતર વાપરે છે. કેટલાક લોકો છૂટક મજૂરી, ખેતમજૂરી અને વનપેદાશ એકત્ર કરવાનું કાર્ય કરે છે. કેટલાક જમીન અને વૃક્ષનાં માલિકો છે. તેમનું જીવન સતત ગરીબીમાં વ્યતીત થાય છે. તેમને જીવનનિર્વાહ માટે સંઘર્ષ કરવો પડે છે. સ્ત્રીઓ પણ ખેતીકામ અને મજૂરીકામ કરે છે. બાળકો પણ તેમના કામમાં મદદ કરે છે. તેઓ પોતાની જીવનજરૂરી વસ્તુઓ હાટવાડામાંથી રોકડેથી અથવા વિનિમય-વ્યવહારથી ખરીદે છે. કેટલીક વાર અનાજના બદલામાં વસ્તુઓ ખરીદે છે.
વારલી જાતિ ચાર પેટા જૂથોમાં વહેંચાયેલી છે. શુદ્ધ વારલી, દાવર, નહેચ અને મૂરડે. મૂરડે અને દાવર વચ્ચે લગ્નસંબંધો યોજાય છે, જ્યારે મિહિર સાથે લગ્નસંબંધો યોજાતા નથી. પ્રત્યેક જૂથ પોતાના જૂથમાં જ રોટીબેટીવ્યવહાર કરે છે. તેમનામાં અનેક શાખા અને કુળો છે. સહોદરીને શાખ કહે છે. એકશાખી અને સગોત્રી લગ્ન નિષિદ્ધ છે. મામાફોઈનાં સંતાનો વચ્ચે લગ્ન થાય છે. સામાન્ય રીતે લગ્ન 15થી 20 વર્ષની અંદર કરે છે. માતાપિતા લગ્નસંબંધ નક્કી કરે છે. છોકરા-છોકરીના ગુણ જોઈને લગ્ન નક્કી કરાય છે. વરપક્ષે ક્ધયાપક્ષને દહેજ આપવું પડે છે. પહેલાં લગ્નવિધિ વૃદ્ધ સ્ત્રીઓ કરાવતી હતી, જે હવે ભગત કરાવે છે. વરક્ધયાની સગાઈ સાથે જ ઘરસંસાર શરૂ થાય છે. લગ્ન આર્થિક અનુકૂળતા હોય ત્યારે કરે છે; પરંતુ સંતાનનાં લગ્ન પહેલાં મા-બાપનાં લગ્ન થઈ જવાં જોઈએ. જાન છોકરીની જાય છે. છોકરીને ખાંધે બેસાડીને નચાવે છે. લગ્ન પછી છોકરી પતિના ઘરે કાયમી વસવાટ કરે છે. કોઈ પણ સ્ત્રી-પુરુષ લગ્ન કર્યા વગર રહેતાં નથી. આ સિવાય છૂટાછેડા, પુનર્લગ્ન, દિયરવટું, સાળીવટું, ઘરજમાઈ અને ખંધાડપ્રથા જોવા મળે છે. વિવિધ સામાજિક પ્રસંગોમાં ત્રણચાર પેઢીઓનાં સગાંસંબંધીઓ સહભાગી બને છે. જીવનવ્યવહારના પ્રત્યેક પ્રસંગે આત્મીયતા અને સહભાગીપણું જોવા મળે છે. મોટાભાગના વારલીઓ હિન્દુ ધર્મ અપનાવે છે તો કેટલાક ખ્રિસ્તી ધર્મ. ખ્રિસ્તીઓ હિન્દુ સાથે લગ્ન કરી શકે છે અને ઘરસંસાર માંડી શકે છે.
વારલીમાં પિતૃસત્તાક કુટુંબવ્યવસ્થા જોવા મળે છે. સામાજિક, ધાર્મિક બાબતોમાં પુરુષો મહત્વનો ભાગ ભજવે છે. કેટલીક સામાજિક બાબતોમાં સ્ત્રીપુરુષ સાથે મળીને મહત્વના નિર્ણયો લે છે. ધાર્મિક વિધિમાં સ્ત્રીઓ ભાગીદાર બનતી નથી; માત્ર પુરુષો જ ધાર્મિક વિધિ કરે છે.
તેમનું સામાજિક સંગઠન જાતિપંચ દ્વારા ટકી રહ્યું છે. ગામમાં કોઈની સાથે બોલાચાલી કે મારામારી થઈ હોય, લગ્ન, સગાઈ, છૂટાછેડા, અત્યાચાર અથવા અન્ય કોઈ બાબતમાં ઝઘડો થયો હોય તો જાતિપંચ મળે છે. ફરિયાદ સાંભળીને સમાજમાંના નીતિનિયમ પ્રમાણે એનો ઉકેલ લાવવામાં આવે છે. પંચના નિયમો અનુસાર દંડની રકમ નક્કી કરવામાં આવે છે. દંડ ભરે પછી જ સમસ્યાનું સમાધાન થાય છે. જો દંડ ન ભરે તો માર મારે છે અથવા સામાજિક બહિષ્કાર કરે છે. જાતિપંચનું કોઈ લેખિત બંધારણ હોતું નથી. છતાં આ પંચ વ્યવસ્થિત રીતે કાર્ય કરે છે.
તેમના મુખ્ય તહેવારોમાં હોળી, અખાત્રીજ, દિવાળી અને નવું વર્ષ છે. આ તહેવારો તેઓ ગીતો ગાઈને, નૃત્ય કરીને ઊજવે છે. તેમનામાં ભવાડાનૃત્ય પ્રચલિત છે. આ ઉપરાંત કાંબડ-નૃત્ય અને હોળી-નૃત્ય પણ જાણીતાં છે. તહેવારોમાં વિવિધ મહોરાં પહેરીને નાચગાન કરવામાં આવે છે. વિવિધ વાનગીઓ બનાવે છે. તેઓ શાકાહારી અને માંસાહારી ખોરાક આરોગે છે. તહેવારોમાં આસપાસમાં ભરાતા મેળામાં જાય છે. તહેવારોમાં દેવ-દેવીની પૂજા કરે છે. તેમનાં દેવી-દેવતાઓમાં સૂર્યદેવ, ચૈડા દેવ, નારણ દેવ, ડુંગર દેવ, હીરલા દેવ, ભરમ દેવ, વાઘ દેવ, મારુતિ દેવ, કંસરી દેવી, માવલી દેવી વગેરેનો સમાવેશ થાય છે. ખેતીના આરંભે વાવણી, કાપણી અને પાકસંરક્ષણ વેળાએ; અનાજ ઘરમાં લાવવું હોય, શિકાર કરવો હોય, ઢોર ખરીદવાં હોય ત્યારે; જન્મ, લગ્ન, બીમારી વગેરેમાં દેવી-દેવતાની પૂજા કરાય છે. ભૂતપ્રેતના વળગાડ હોય ત્યારે ભગતને બોલાવી મંત્રવિદ્યા દ્વારા તેનો નિકાલ કરાય છે.
કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો મૃતદેહને સ્નાન કરાવીને સિંદૂર લગાડે છે. સ્મશાને લઈ જઈ અગ્નિદાહ અપાય છે. ચોથે દિવસે પિંડ મુકાય છે. તેઓ બારમું-તેરમું કરે છે. કારજની વિધિ પૈસાની સગવડ થાય ત્યારે કરે છે. આ વિધિ ભગત કરાવે છે. કારજ ન કરે ત્યાં સુધી તેઓ સારા પ્રસંગો ઊજવતા નથી. સુવાવડમાં સ્ત્રી મૃત્યુ પામે તો તેને દાટે છે. નાના બાળકના મૃતદેહને પણ દાટે છે. મૃતકોની પાછળ ખતરાં બેસાડે છે. વાર-તહેવારે તેની પૂજા કરાય છે અને તેમની કૃપા મેળવાય છે. તેમની સાક્ષરતા ઓછી હોવાથી, આદિવાસી વિકાસના અનેકવિધ કાર્યક્રમો અમલમાં હોવા છતાં તેનો લાભ તેઓ લઈ શકતા નથી. આઝાદી પૂર્વે અને તે પછી સામ્યવાદીઓએ તેમની સ્થિતિ સુધારવા માટે તેમના વિસ્તારમાં ઘણું રચનાત્મક કામ કર્યું છે.
હર્ષિદા દવે