વારમ્બંગલ હારમાળા : પૂર્વ ઑસ્ટ્રેલિયાની લિવરપુલ હારમાળામાંથી વાયવ્ય તરફ વિસ્તરેલી, આશરે 150 કિમી. લાંબી, ઓછી ઊંચાઈ ધરાવતી ગિરિમાળા. તેના પશ્ચિમ છેડે, કૂનબારાબ્રાન નજીક, આજથી આશરે 1.4 કરોડ વર્ષ અગાઉ થયેલાં જ્વાળામુખી-પ્રસ્ફુટનોને કારણે તે બનેલી, પરંતુ આજે તો તેના ઘસાયેલા અવશેષો માત્ર જોવા મળે છે. આજે જે અવશેષો જોવા મળે છે તે મૂળ તો તેના મધ્યના જ્વાળામુખીકંઠ હતા. આ કંઠભાગોમાંથી આજુબાજુની ફાટોમાં જ્વાળામુખી દ્રવ્યનાં વિકેન્દ્રિત ડાઇક જેવાં ઊભાં અંતર્ભેદનો પણ બનેલાં, પરંતુ ત્યારે મૅગ્માના ઝડપથી ઠરી જવાને કારણે અવરોધાઈ ગયેલાં અને છેવટે તેમાંથી ફરીથી તે સખત ટ્રેકાઇટ ખડકો તરીકે રૂપાંતર પામેલાં. ત્યારથી અન્ય જ્વાળામુખી ભાગો ઘસાઈ ગયા છે, માત્ર ટ્રેકાઇટ-કંઠ રહી ગયા છે. તે ઊભી બાજુઓવાળી ડુંગરધારો રૂપે જોવા મળે છે. આજનો તોન્દુરિન શિખા ભાગ અને મોપેરા ખડક ભાગ ટ્રેકાઇટ જેવા જ્વાળામુખી શંકુઓથી બનેલો છે. આ ઉપરાંત ઊભી, સાંકડી, ઉગ્ર બાજુઓવાળી ડુંગરધારો ઘસારાનો પ્રતિકાર કરતી રહીને ડાઇકના અવશેષ રૂપે દેખાય છે. તે પૈકીનાં કેટલાંક શિખરો 1,050 મીટરની ઊંચાઈ ધરાવે છે. ઊંચાઈને કારણે તે આજુબાજુની ભૂમિથી અલગ તરી આવે છે. વારમ્બંગલના જૂના ભૂસ્તરીય ઇતિહાસ તેમજ ત્યાંનાં પ્રાણીઓ અને વનસ્પતિને કારણે તે વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન બનાવાયો છે.

ગિરીશભાઈ પંડ્યા