વારલી ચિત્રકલા : દક્ષિણ ગુજરાતના સૂરત, વલસાડ અને નવસારી તથા વાયવ્ય મહારાષ્ટ્રના થાણે જિલ્લાની વારલી (ભીલ) આદિવાસી પ્રજાની લોક-ચિત્રકલા.

છાણ-ગારો લીંપેલી ઝૂંપડાની ભીંતો વારલી ચિત્રકલાનું ફલક છે. ભીંત પર દોરવામાં આવતા ચિત્રને વારલી લોકો ‘ચોક’ અથવા ‘કંસારી’ પણ કહે છે. લગ્નવિધિની પ્રથમ જરૂરિયાત રૂપે આ ‘ચોક’ કે ‘કંસારી’ ચીતરવામાં આવે છે. તેમાં કેન્દ્રસ્થાને દેવી ‘પાનઘટ’નું આલેખન કરવામાં આવે છે.

ભૂખરા-કથ્થાઈ રંગની લીપેલી ભીંત પર વારલીઓ ચિત્રને ફક્ત એક જ રંગ-સફેદ-થી આલેખે છે. પરંપરા તો પાણીમાં વાટેલા ચોખાથી આલેખન કરવાની હતી; પણ હવે બજારમાં મળતા અને મોટાં શહેરોનાં કારખાનાંમાં બનતા પોસ્ટર કે એક્રિલિક રંગનો ઉપયોગ વ્યાપક બન્યો છે. ઘાસમાંથી પીંછી બનાવવામાં આવે છે. પછી ક્યાંક ક્યાંક હળદર અને કંકુનાં પીળાં અને લાલ ટપકાં આંગળીઓનાં ટેરવાંથી મૂકવામાં આવે છે.

અન્ય લોક-ચિત્રકલાઓની માફક જ વારલી ચિત્રકલા પણ રૈખિક અને શણગારાત્મક છે. તેમાં કેન્દ્રસ્થાને દેવી ‘પાનઘટ’ અને આજુબાજુ ગૌણ માનવ-આકૃતિઓ ચીતરવામાં આવે છે. ગોળાકાર માથા નીચે ઊંધો ત્રિકોણ ચીતરી છાતી અને કેડ સમાવતું ધડ તથા તે ઊંધા ત્રિકોણ નીચે જોડાયેલો એક ચત્તો ત્રિકોણ ચીતરી કેડ અને કૂલાનિતંબો દર્શાવવામાં આવે છે. આમ, ઉપર ઊંધા અને નીચે ચત્તા ત્રિકોણ વડે રચાતા ડમરુ જેવા આકાર વડે માનવીનું ધડ ચીતરવામાં આવે છે અને પછી સીધા સોટા જેવા હાથ-પગ ચીતરવામાં આવે છે. આજુબાજુ આવાં જ પણ આડાં (horizontal) ડમરુ ચીતરી ઘોડા, ગાય, બળદ, આખલા, વાઘ આદિ જાનવરોનાં ધડ ચીતરવામાં આવે છે. આવા જ અણિયાળા આકારો વડે ઊડતાં પંખીઓ અને વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, કૂવા, ઝૂંપડાં, વીંછી, દેડકાં, સાપ, નાગ, કરચલા, કરોળિયા અને માછલાં ચીતરવામાં આવે છે. વારલી સમાજની અનેક લોકકથાઓ આ પદ્ધતિએ જૂજ ફેરફારો સાથે ચીતરવામાં આવે છે.

જીવ્યા મશા અને તેનો પુત્ર સદાશિવ સોખા મશા વારલી ચિત્રકલાના શ્રેષ્ઠ કલાકારો તરીકે ભારતભરમાં તેમજ વિશ્વના અનેક દેશોમાં ખ્યાતિ પામ્યા છે. લગભગ સમગ્ર દુનિયામાં તેમનાં ચિત્રોનાં પ્રદર્શન થયાં છે. કથ્થાઈ રંગનો ગારો લીંપેલી ઝૂંપડીની ભીંતને સ્થાને એ બંને હવે કથ્થાઈ રંગના કાગળ કે કૅન્વાસ પર ચિત્રો ચીતરે છે.

અમિતાભ મડિયા