વાયદા બજાર પંચ

January, 2005

વાયદા બજાર પંચ : વિવિધ ચીજવસ્તુઓના વાયદાના વેપારનું સંચાલન કરતી સંસ્થાઓને અંકુશમાં રાખવા માટે ભારત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલું પંચ. અર્થકારણમાં મુક્ત સાહસને સંપૂર્ણ મુક્ત રાખી શકાતું નથી. એને સંપૂર્ણ મુક્ત રાખવાથી એ નફો કમાવાને બદલે નફાખોરી કરતું થઈ જાય છે. અર્થશાસ્ત્રમાં સંપૂર્ણ હરીફાઈની કલ્પના કરવામાં આવી છે. સંપૂર્ણ હરીફાઈવાળું બજાર બને તે માટે એક અગત્યની પરંતુ અવાસ્તવિક પૂર્વશરત મૂકવામાં આવી છે કે બજારમાંની બધી વ્યક્તિઓ બજારને સ્પર્શતી બધી માહિતીથી પરિચિત છે. વળી, એવું પણ અનુમાન કરવામાં આવે છે કે સંપૂર્ણ હરીફાઈવાળા બજારમાં પુરવઠો પૂરો પાડનારા અને માંગ પેદા કરનારા એટલી મોટી સંખ્યામાં હોય છે કે એક વ્યક્તિ કે તેનું જૂથ બજારની ગતિવિધિ પર અસર પાડી શકતાં નથી.

વાયદાનો વેપાર વસ્તુના જથ્થાની આપ-લે અને ગુણવત્તાની ચકાસણીમાંથી સોદા પાડનારાઓને મુક્ત કરે છે. આથી, વાયદાના વેપારની અંતર્ગત લાક્ષણિકતા એવી છે કે તે વેપારના કદને અને તેની ગતિને ઘણી વધારી દઈ શકે છે. આથી, વાયદાનો વેપાર સંપૂર્ણ હરીફાઈવાળો વેપાર બની શકે છે. સંપૂર્ણ હરીફાઈવાળા બજારમાં તો માલની આપ-લે કરવાનું સ્વીકારાયું છે. વળી ગુણવત્તાની ચકાસણી પણ જરૂરી બને છે. વાયદાનો વેપાર તો તેનાથી પણ એક ડગલું આગળ જઈ શકે તેમ છે. માલના જથ્થાના અભાવે કે તેના ઓછા જથ્થાથી પણ અનેક ગણા જથ્થાના સોદા વાયદાના બજારમાં થતા હોય છે. આથી, વાયદાના વેપારમાં મુક્ત સાહસને માટે સંપૂર્ણ નિરંકુશ રીતે વેપાર કરવાનું શક્ય બને છે. આમ છતાં, સંપૂર્ણ હરીફાઈની, સંપૂર્ણ માહિતીની અને પ્રભાવક જૂથના અભાવની ધારણા વાયદાના વેપારમાં સાકાર થતી નથી. પરિણામે, નિરંકુશ એવું મુક્ત સાહસ વાયદાના બજારમાં સટ્ટાનો અતિરેક મૂળ ઉત્પાદક અને ગ્રાહકને પારાવાર નુકસાન કરે છે અને બેઠાડુ જુગારી પ્રવૃત્તિને પોષે છે. એકાદ-બે અપવાદો સિવાય દુનિયાના બધા દેશોમાં આ પ્રમાણે બન્યું છે.

આ બધાં દૂષણોથી વાયદાના વેપારને મુક્ત રાખવા વાયદાના વેપારનું સંચાલન કરતી સંસ્થાઓએ શિકાગોના અનાજના વેપારની સંસ્થાની જેમ સ્વયંભૂ શિસ્ત પાળવું જોઈએ. મોટાભાગના દેશોમાં આ પ્રમાણે બન્યું નથી. આથી એ દેશોમાં વાયદાના બજાર પર અંકુશ રાખવા માટે વાયદા બજાર પંચની સ્થાપના થઈ છે.

ભારતમાં વેપારી પ્રવૃત્તિઓના પાટનગર, મુંબઈમાં વિવિધ વસ્તુઓના વાયદાના વેપાર ચાલતા હતા. ઘણી વાર નિરંકુશ એવા એ વાયદાના વેપારે અર્થકારણ પર વિપરીત અસર કરી હતી. આથી, સાંપ્રત મુંબઈ સરકારે તેને અંકુશમાં રાખવા કાયદા ઘડ્યા હતા અને અંકુશ મૂકતાં તંત્રો ઊભાં કર્યાં હતાં. છેવટે, ભારત સરકારે ઈ. સ. 1952માં ચીજવસ્તુઓ માટે વાયદા-કરાર-નિયંત્રણ ધારો અમલમાં મૂક્યો. આ કાયદાની જોગવાઈઓ અનુસાર ભારતમાં વાયદા બજાર પંચની રચના થઈ છે. ઓછામાં ઓછા બે, અને વધારેમાં વધારે ત્રણ સભ્યોનું પંચ બનાવવાની જોગવાઈ ધરાવતું પંચ સ્થાપવામાં આવ્યું છે. આ પંચને આ પ્રમાણેનાં કાર્યો સોંપવામાં આવ્યાં છે :

(1) વાયદાનો વેપાર ચલાવતાં સંગઠનોને માન્યતા આપવી અને સરકારને સલાહ આપવી.

(2) વાયદા બજારનું અવલોકન કરવું.

(3) વિવિધ વાયદા બજારોમાં ચાલતી ગતિવિધિ અંગે સરકારનું જરૂરી ભલામણો સાથે ધ્યાન ખેંચવું.

(4) પંચના કાર્યક્ષેત્રમાં ચાલતાં બજારોમાંનાં પુરવઠા, માંગ, ભાવ અંગેની માહિતી એકત્રિત કરવી અને પ્રસિદ્ધ કરવી.

(5) સમયાંતરે સરકારને કાયદાના પરિપાલન અંગેની પરિસ્થિતિ તેમજ બજારના કામકાજના અહેવાલ આપવા.

(6) બજાર ચલાવતાં સંગઠનોના હિસાબો તપાસવા તેમજ એમની કામગીરી સુધારવા માટે ભલામણો કરવી.

ધારાથી વાયદા બજાર પંચની રચના તો થતી હોય છે, પણ તેની અસરકારકતા માટે નીચેની પૂર્વશરતો અત્યંત આવદૃશ્યક છે :

(1) વાયદા બજાર ચલાવતાં સંગઠનોનો નિયમપાલન માટે આગ્રહ હોવો જરૂરી છે. ભારત સહિત કેટલાક દેશોમાં આ સંગઠનોએ ‘વાડ જ ચીભડાં ગળે’ના ન્યાયે ઉત્પાદકો અને વાપરનારાના ભોગે સભ્યોનું હિત સાચવ્યું છે.

(2) વાયદાના બધા જ સોદા નક્કી કરેલા સ્થળે અને સમયે થવા જોઈએ; પરંતુ એવા સોદા અલ્પસંખ્યમાં હોય છે, મોટાભાગના સોદા ગેરકાયદેસર રીતે થતા હોય છે.

(3) વાયદાનો વેપાર કરનારા વેપાર કરવા માટે નાણાકીય રીતે સક્ષમ અને પ્રામાણિક હોવા જોઈએ. વાસ્તવમાં ઘણી વાર આવું બનતું નથી. પોતાની નાણાકીય ક્ષમતા કરતાં ઘણા વધારે સોદા કરવા અને ભાવોને કૃત્રિમ રીતે વધારવા કે ઘટાડવા જેવી અપ્રમાણિકતા સભ્યો અને અન્યો તરફથી વારંવાર કરવામાં આવે છે.

(4) સરકાર તરફથી પંચને પૂરતી નિયમન-સત્તા અને સહકાર મળવાં જોઈએ. ઘણી વાર સરકાર એની આ ફરજમાંથી ચૂકે છે. ભારત સહિત ઘણા દેશોના વાયદા બજાર પંચોને જરૂરી નિયમન-સત્તા આપવામાં આવતી નથી. ઘણીયે વાર પંચના સભ્યો વાયદાના વેપારના પૂરતા જાણકાર, પ્રામાણિક અને નિયમપાલનના આગ્રહી હોતા નથી. ભારત સહિત અનેક દેશોમાં વાયદાના વેપાર પર વાજબી નિયંત્રણ મૂકતાં પંચોને અને તેમના સભ્યોને નિરુત્સાહી કરવામાં આવ્યા છે.

પરિણામે, વાયદા બજાર પંચની હાજરી હોવા છતાં ભારત સહિત અનેક દેશોનો વાયદાનો વેપાર તંદુરસ્ત રહેતો નથી.

સૂર્યકાન્ત શાહ