વાયનાડ : કેરળ રાજ્યના ઉત્તર વિભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 11° 26´ 28´´થી 11° 58´ 22´´ ઉ. અ. અને 75° 46´ 38´´થી 76° 26´ 11´´ પૂ. રે. વચ્ચેનો 2,132 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પશ્ચિમ ઘાટના ઉચ્ચપ્રદેશીય ભાગ પર આવેલો છે. તેની ઉત્તર અને પૂર્વ સરહદે કર્ણાટક રાજ્યની સીમા, અગ્નિકોણ તરફ તામિલનાડુ રાજ્યની સીમા, દક્ષિણ તરફ રાજ્યના મલ્લાપુરમ્ અને કોઝીકોડ જિલ્લા, પશ્ચિમ તરફ કોઝીકોડ જિલ્લો તથા વાયવ્યમાં કાનાનોર જિલ્લો આવેલા છે. જિલ્લામથક કલ્પેટા જિલ્લાની મધ્યમાં દક્ષિણ તરફ આવેલું છે. જિલ્લાની રચના 1980ના નવેમ્બરની પહેલી તારીખે થયેલી છે.

વાયનાડ જિલ્લો

ભૂપૃષ્ઠ-જંગલો : આ જિલ્લો દખ્ખણના ઉચ્ચપ્રદેશના દક્ષિણ છેડે આવેલો છે. અહીંની પશ્ચિમ ઘાટની ટેકરીઓ અને ડુંગરધારો ઘટાદાર જંગલોથી તેમજ ઊંડી ખીણોથી છવાયેલી છે. આ વિસ્તાર ખૂબ જ રમણીય છે અને ભવ્ય ભૂમિદૃશ્યોથી ભરપૂર છે. જિલ્લાનું ભૂપૃષ્ઠ તદ્દન અસમતળ છે, ઉત્તર તરફની ટેકરીઓ ઊંચાઈવાળી છે તથા ત્યાં પર્વતસ્વરૂપો રચે છે, મધ્યભાગની ટેકરીઓ ઓછી ઊંચાઈવાળી છે, પૂર્વ ભાગ સમતળ અને ખુલ્લો છે, જ્યારે દક્ષિણ અને પશ્ચિમનું ભૂપૃષ્ઠ ક્રમશ: નીચું જતું જાય છે. અહીંના પહાડી ઢોળાવો પણ બારમાસી લીલાં જંગલોથી આચ્છાદિત છે, પૂર્વ તરફના ઊંડા ખીણભાગો વાંસથી છવાયેલા છે, બાકીના ભાગોમાં ખેડાણલાયક ભૂમિ જોવા મળે છે. ભૂપૃષ્ઠની વિવિધતાને લીધે જિલ્લાની નદીઓ પૂર્વ અને પશ્ચિમ તરફ વહે છે. નીચી ટેકરીઓના ઢોળાવો પર ચા, કૉફી, મરી અને એલચીના બગીચા કે વાડીઓ વિકસાવી છે, જ્યારે ખીણ પ્રદેશોમાં ડાંગરનો પાક લેવાય છે.

વાયનાડ જિલ્લો જંગલભૂમિથી આવરી લેવાયેલો છે. જિલ્લાની કુલ ભૂમિ પૈકી 38 % વિસ્તાર જંગલ-આચ્છાદિત છે. અહીંનાં જંગલોને ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરેલાં છે : (i) ઉચ્ચપ્રદેશીય પર્ણપાતી જંગલો, (ii) અયનવૃત્તીય બારમાસી લીલાં જંગલો અને (iii) અયનવૃત્તીય અર્ધલીલાં જંગલો. જંગલોમાંથી સાગ, જાલ, બજાલ, કદંબ અને વાંસ મળે છે.

જળપરિવાહ : કાવેરીને મળતી ત્રણ સહાયક નદીઓ આ જિલ્લામાંથી નીકળે છે. આ પૈકી કબાની નદી મહત્વની છે. આ ઉપરાંત ચલિવાર અને માહે નદીઓ પણ આ જિલ્લામાંથી નીકળે છે. 5.23 હેક્ટર ભૂમિમાં પથરાયેલું, આખું વર્ષ ભરાયેલું રહેતું, જિલ્લાનું એકમાત્ર સરોવર ‘પુકોટ’ કુન્નાથી દવકા ગામમાં આવેલું છે.

ખેતીસિંચાઈપશુપાલન : આ જિલ્લાના કૃષિપાકો પહાડી ભૂપૃષ્ઠ મુજબના છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં ઘટતા ક્રમાનુસાર કૉફી, ડાંગર, ટેપિયોકા, ચા, મરીનો તેમજ રોકડિયા પાકોમાં રબર, એલચી, આદું અને હળદરનો સમાવેશ થાય છે. કેટલાંક જળવિદ્યુતમથકોમાંથી ખેતીને સિંચાઈ પૂરી પડાય છે, આ ઉપરાંત કૂવા અને તળાવોનાં જળનો પણ ખેતીમાં ઉપયોગ થાય છે.

ગાય, ભેંસ તેમજ અન્ય દુધાળાં પશુઓ દ્વારા દૂધ અને દૂધની પેદાશો મળે છે. પશુઓ માટે પશુ-હૉસ્પિટલો, ચિકિત્સાલયો, પશુખોરાક અને ગૌચરોની પણ સુવિધા છે. આદિવાસીઓને સહકારી ખેતી માટે ભેગા કરીને પુકોટ સરોવર નજીક વસાવવાનું સરકારી આયોજન કરવામાં આવ્યું છે.

ઉદ્યોગવેપાર : ઔદ્યોગિક ક્ષેત્રે આ જિલ્લો પછાત ગણાય છે. માત્ર ચા-કૉફીના પ્રક્રમણ માટે નાનાં કારખાનાં છે. ખેતી જ અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે. ચા, કૉફી, આદું, હળદર અને રબરનું ઉત્પાદન અને નિકાસ થાય છે.

પરિવહન : 14મી સદીમાં મલબાર ખાતે આવનાર પ્રવાસી ઇબ્ન બતુતાએ ઉલ્લેખ કરેલો છે કે આ વિસ્તારમાં માત્ર રાજા સિવાય અન્ય કોઈ ઘોડા કે બીજાં પશુઓ પર સવારી કરતું ન હતું. તે પછીનાં ત્રણસો વર્ષ બાદ પરિવહન-પરિસ્થિતિ સુધરેલી. અઢારમી સદીમાં અહીં સડકમાર્ગોનું મહત્વ સમજાયેલું. ટીપુ સુલતાને આ વિસ્તારમાં રસ્તાઓ બંધાવેલા. મૈસૂર, તેલીચેરી, પેરિયા ઘાટ, કાલિકટ વાયનાડને રસ્તે અન્યોન્ય જોડાયાં, પરંતુ જાળવણીને અભાવે આ રસ્તા લાંબો વખત ટક્યા નહિ. બ્રિટિશ શાસન દરમિયાન તેમાં સુધારો થયો, પરંતુ સ્વતંત્રતા પછી અહીં ધોરી માર્ગો, રાજ્યમાર્ગો, જિલ્લામાર્ગો વિકસ્યા છે.

પ્રવાસન : અહીંના મહત્વનાં પ્રવાસી સ્થળોમાં કલ્પેટા (જિલ્લામથક, મંદિરો, મસ્જિદો, ચર્ચ), કેનીચિરા (વેપારી મથક), લાક્કિડી (પુકોટ સરોવર, નટરાજ ગુરુ સ્થાપિત આશ્રમ) અને મનન્તવાડી(ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વનું સ્થળ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં મેળા અને ઉત્સવોનું આયોજન થતું રહે છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 7,86,627 જેટલી છે. તે પૈકી સ્ત્રી-પુરુષોનું પ્રમાણ લગભગ સરખું છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 97 % અને 3 % જેટલું છે. અહીં હિંદુઓ 50 %, મુસ્લિમ 25 %, ખ્રિસ્તી 20 % અને અન્યધર્મીઓ 5 % છે. અહીંના લોકોની મુખ્ય ભાષા મલયાળમ અને તમિળ છે. સાક્ષરતાનું પ્રમાણ 70 % જેટલું છે. ઉચ્ચ શિક્ષણ માટે જિલ્લામાં ત્રણ કૉલેજો છે. જિલ્લાનાં 48 ગામો પૈકી 47 ગામોમાં તબીબી સેવાની સુવિધા છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 3 તાલુકા, 3 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 48 ગામો આવેલાં છે. અહીંનાં મોટાભાગનાં ગામોમાં શિક્ષણ, પીવાનું પાણી, પોસ્ટ અને તાર-ઑફિસોની, બજાર-હાટડીઓ, સંદેશાવ્યવહાર, ઊર્જા-પુરવઠો તથા સડકોની પૂરતી સુવિધા છે.

ગિરીશભાઈ પંડ્યા