વાયદાનો વેપાર

January, 2005

વાયદાનો વેપાર : ભવિષ્યમાં નિયત તારીખે જે ભાવ પડે તે ભાવે માલની ખરેખર આપ-લે કર્યા વગર તે તારીખે ભાવફેરના તફાવત દ્વારા પતાવટ કરવામાં આવે તેવો આજની તારીખે કરવામાં આવેલો સોદો. અવેજના બદલામાં વસ્તુ/સેવા તબદીલ થાય તો તે સોદો હાજરનો સોદો ગણાય છે. કેટલીક વાર અવેજ ચૂકવવાનું વચન આપવામાં આવે અને વસ્તુ/સેવા તબદીલ થાય તો તે પણ હાજરનો સોદો ગણાય છે. આ બંને પ્રકારના સોદામાં વસ્તુ/સેવા લેનાર લેવાની વસ્તુ/સેવાના સમગ્ર જથ્થા કે તેના નમૂનાનાં ગુણવત્તા, જથ્થો, આયુષ્ય વગેરે તપાસતો હોય છે. આ તપાસના આધારે ભાવ-નિર્ધારણ થાય છે. સેવાઓ અદૃશ્ય હોય છે અને તેમાં માનવતત્વની માત્રા વધારે હોય છે; તેથી સેવાની ગુણવત્તાનું માપન ઘણું સ્વલક્ષી અને ઓછું પરલક્ષી હોય છે. તેથી સેવાની ગુણવત્તાનાં સર્વમાન્ય અને સાર્વત્રિક ધોરણો નક્કી કરી શકાતાં નથી. વસ્તુઓની ગુણવત્તાના માપનમાં પરલક્ષિતા જાળવી શકાય છે; તેથી તેની ગુણવત્તાનાં સર્વમાન્ય અને સાર્વત્રિક ધોરણો નક્કી કરી શકાય છે. આ ઉપરાંત વસ્તુની તબદીલી માટે એક એકમનો જથ્થો પણ નક્કી કરી દેવામાં આવે તો વસ્તુના જથ્થા-ગુણવત્તાનાં સર્વમાન્ય અને સાર્વત્રિક ધોરણો નક્કી થઈ જાય છે. આ ધોરણો નક્કી થતાં સોદો કરતાં વસ્તુ કે તેના નમૂનાને તપાસવાની જરૂર રહેતી નથી. માત્ર એ વસ્તુને નામ આપી દેવામાં આવે છે; દા.ત., ગુજરાત વાગડ રૂ, તો એ નામના સોદા પડે ત્યારે લેનાર અને વેચનાર વસ્તુનાં જથ્થા અને ગુણવત્તાની બાબતમાં એક જ ખ્યાલ ધરાવતા હોય છે. સોદા કરવાથી પેદા થતા હક અને જવાબદારી નક્કી કરવા માટે અને સમગ્ર વેપાર વ્યવસ્થિત ચાલે તે હેતુથી સોદા કરનારાઓની સંસ્થાઓ સ્થાપવામાં આવે છે; દા.ત., બૉમ્બે કૉટન એક્સચેંજ. આ સંસ્થાઓ સોદા માટે નિયમો બનાવે છે અને તેનો અમલ કરે છે. આમ, નિયમોના માળખામાં નિયત ગુણવત્તાવાળા અને નિયત જથ્થાવાળા એકમના સોદા માટે ખરીદનારા-વેચનારાઓએ માલ/નમૂના જોવા-તપાસવાના રહેતા નથી. સોદો કરતાં બંને પક્ષકારો એકબીજાને જણાવે કે ચોક્કસ નામવાળો માલ તે કેટલો ખરીદવા કે વેચવા માગે છે અને કયા ભાવે સોદો કરવા માગે છે; તો પક્ષકારો નિ:શંક સોદા કરી શકે છે. તેઓ આગળ વધીને ભવિષ્યમાં ચોક્કસ સમયે તેવા માલના ખરીદ-વેચાણ કરવાના સોદા પણ કરી શકે છે. આ સોદા ભવિષ્યના (forward) સોદા બને છે; કારણ કે આવા સોદામાં નિયત તારીખ આવતાં માલની ખરેખર આપ-લે થાય છે. જ્યારે પક્ષકારો સોદા કરે છે ત્યારે ખરીદનારને વાસ્તવમાં માલ મળતો નથી, પણ ખરીદીનો હક મળે છે. તે જ પ્રમાણે વેચનારને વેચાણનો હક મળે છે. આ હક પોતે એક અવેજ બની જાય છે. ખરીદી/વેચાણ કરનાર પોતાના હક ભવિષ્યમાં અન્યોને વેચી શકે છે. હકના નવા ખરીદનારા માલ ખરીદવા/વેચવાનાં કામ કરતા હોય છે. જો સોદાના પક્ષકારો ભવિષ્યમાં ખરેખર માલ અને નાણાંનો વિનિમય નહિ કરવાના હોય અને પોતાના હકોને જ વેચી નાંખતા હોય તો એ સોદા વાયદાના (futures) સોદા બની જાય છે. આવા હકનાં ખરીદ-વેચાણની વ્યવસ્થાને એટલે કે તેના વેપારને વાયદાના વેપારથી ઓળખવામાં આવે છે. આ પ્રકારનો વેપાર સૌથી પહેલાં ઈ. સ. 1865માં અમેરિકાના શિકાગોના અનાજના વેપારીઓએ કર્યો હતો. વાયદાના વેપારનું સંચાલન કરતી સંસ્થા જો એવી વ્યવસ્થા કરે કે એણે નક્કી કરેલી તારીખે જે ભાવ પડે તે ભાવના આધારે ખરીદ-વેચાણના હક ધરાવનારાઓએ જે ભાવે સોદા કર્યા હોય તેના તફાવતની આપ-લે પોતે કરી લેશે તો વાયદાના સોદાના પક્ષકારોએ પોતાના હકના ખરીદનારાને શોધવાની જરૂર રહેતી નથી. એ પોતે કરેલા સોદાની માહિતી આ સંસ્થાના ક્લિયરિંગ હાઉસથી ઓળખાતા વિભાગને આપી દે અને તફાવતની રકમની પતાવટ કરી દે એટલે વાયદાનો સોદો પૂરો થાય છે. પતાવટમાં આપવાનું થાય તો તે ખોટ થાય અને લેવાનું થાય તો કમાણી બને; દા.ત., ગુજરાત વાગડ રૂની દશ ગાંસડી પ્રત્યેક રૂ. 3,000/-ના ભાવે પંદર દિવસ પછી ખરીદવાના વાયદામાં પંદર દિવસે પડેલા રૂ. 2,500/-ના ભાવે ખરીદનાર પ્રત્યેક ગાંસડી પરની રૂ. 500/-ની ખોટના એકંદરે રૂ. 5,000/- ક્લિયરિંગ હાઉસને આપી દે તો એનો વાયદાનો સોદો પૂરો થાય. આમ, વાયદાના વેપારમાં વગર માલે માત્ર માલના નામે નક્કી કરેલી તારીખે સોદો પૂરો કરવાની વ્યવસ્થા ગોઠવાય છે. ભાવ વધ-ઘટમાંથી ફાયદો ઉઠાવવાને તત્પર લોકો સટોડિયા કહેવાય છે. તેઓ ભાવ-ફેરફારનો અડસટ્ટો કરે છે. પોતાના અડસટ્ટા અનુસારના ભાવ-ફેરફારના લાભ લેવા એ વાયદાનાં ખરીદ-વેચાણ કરે છે. કોઈ એક જ સમયે કેટલાક સટોડિયા ભાવ વધશે એવું ધારે છે તો તે જ સમયે બીજા કેટલાક સટોડિયા ભાવ ઘટશે એવું ધારે છે. ભાવ વધવાની ધારણા કરનારા તે સમયે તેજીવાળા કહેવાય છે અને ભાવ ઘટવાની ધારણા કરનારા તે સમયે મંદીવાળા કહેવાય છે. આ પ્રકારે ભાવ વધ-ઘટના લાભ ઉઠાવવાના હેતુથી કરવામાં આવતો વાયદો સટ્ટો કહેવાય છે.

વાયદાનો વેપાર અર્થકારણમાં હેજિંગની સેવા આપે છે. હેજિંગ ભાવ વધ-ઘટમાંથી પેદા થતા નુકસાન સામે સંરક્ષણ બક્ષે છે. માનો કે કોઈ એક ખેડૂત ગણતરી કરે છે કે ત્રણ મહિના બાદ ખેતરમાંથી ગુજરાત વાગડનું 100 ગાંસડી રૂ મળશે. તે સમયે એ ગણતરી કરે કે ગાંસડીના રૂ. 4000 મળે તો ધારેલો નફો થાય. ધારેલા નફાથી વધારે કમાવાની એની ખેવના નથી; પણ નુકસાન સામે એને રક્ષણ જોઈએ છે. આ માટે તે હેજિંગ કરશે અને તે નીચે દર્શાવ્યા પ્રમાણે ભાવ-ફેરફારને કારણે થતા વધારાના નફા-નુકસાનને સરભર કરશે :

           

નોંધ : હાજર બજારમાં રૂનું વેચાણ કરતાં ધારેલી કિંમત કરતાં રૂ. 1000 ઓછા ઊપજવાથી થયેલું આર્થિક નુકસાન વાયદા બજારમાં હેજિંગ દ્વારા રૂ. 1000ની કમાણી કરવાથી સરભર થઈ જશે.

અહીં ખેડૂતો એટલે કે હેજિંગ કરનારે પહેલા પ્રસંગે વેચાણનો વાયદાનો સોદો કર્યો. તે જ સમયે એના ખેતરમાં જેની ડિલિવરી મળવાની છે તેવી 100 ગાંસડી રૂ તૈયાર થતું હતું, એટલે કે તે તેની ખરીદી હતી (સાધનોનું રોકાણ હતું). ભવિષ્યમાં ભાવ વધશે એવું ધારનારા તેજીવાળા સટોડિયા આ સોદા હેઠળ ગાંસડી ખરીદશે જ્યારે બીજા પ્રસંગે મંદીવાળા વેચાણ કરશે. આમ, હેજિંગ કરવા માટેની પૂરક સેવા સટોડિયા આપે છે.

હેજિંગ સમજવા માટે ઉદાહરણમાં (1) સોદો કરવાનો ખર્ચ અને (2) પૂરક પક્ષકાર તરીકેની સેવા મેળવવા દલાલી વગેરેનો ખર્ચ દર્શાવવામાં આવ્યો નથી. આ ખર્ચા હેજિંગ કરનારે કરવાના હોય છે. આ ખર્ચા જોખમના નુકસાનની સામેના રક્ષણનું પ્રીમિયમ છે. હેજિંગ ત્યારે શક્ય બને છે કે જ્યારે હાજર અને વાયદા  બંને બજારમાં ભાવ એકસરખી દિશામાં એટલે કે કાં તો વધવા અથવા ઘટવા જોઈએ. જો હાજરમાં ભાવ ઘટવા તરફના હોય અને વાયદામાં તે જ સમયે વધવા તરફ હોય તો હેજિંગ શક્ય બનતું નથી.

સૂર્યકાન્ત શાહ