ઉદ્યોતકર-2 (નાગેશ ભટ્ટ અથવા નાગોજિ ભટ્ટ) (જ. 1650, સાતારા; અ. 1730) : શૃંગબેરપુરના રાજા રામસિંહના સભાપંડિત. પિતાનું નામ શિવભટ્ટ અને માતાનું નામ સતીદેવી. પાણિનિપરંપરાનુસારી નાગેશની વ્યાકરણવિષયક કૃતિઓમાં ‘લઘુશબ્દેન્દુશેખર’ (ભટ્ટોજિ દીક્ષિતની ‘સિદ્ધાંતકૌમુદી’ ઉપરની પ્રૌઢ ટીકા), ‘બૃહચ્છબ્દેન્દુશેખર’, પાતંજલ વ્યાકરણ મહાભાષ્ય ઉપર કૈયટે લખેલ ‘પ્રદીપ’ ટીકા ઉપર પોતાની ‘ઉદ્યોત’ નામની ટીકા, ‘પરિભાષેન્દુશેખર’, ‘લઘુમંજૂષા’ (વ્યાકરણશાસ્ત્રનાં દાર્શનિક તત્વોનું વિવેચન) ઇત્યાદિ ગ્રંથો આવે છે. તેમણે કાવ્યશાસ્ત્રના ગ્રંથો ઉપર પણ ટીકા લખી છે. ‘કાવ્યપ્રકાશ’ની પ્રદીપ ટીકા ઉપર પોતે ‘ઉદ્યોત’ નામની ટીકા લખી છે તો ભાનુદત્તની ‘રસમંજરી’ ઉપર ટીકા અને પંડિતરાજ જગન્નાથ કૃત ‘રસગંગાધર’ ઉપર ‘ગુરુમર્મપ્રકાશ’ ટીકા લખી છે. ઉદ્યોતકર નાગેશે પોતાની ટીકાઓમાં અનેક સ્થળે સ્વતંત્ર વિચારો પણ વ્યક્ત કર્યા છે. સાંપ્રત વિદ્વાનોમાં નાગેશનો વ્યાપક પ્રચાર છે.
ભગવતીપ્રસાદ પંડ્યા