ઉદ્યોતકર-1 (ન્યાયદર્શન)

January, 2004

ઉદ્યોતકર-1 (ન્યાયદર્શન) (છઠ્ઠી સદી) : વાત્સ્યાયનના (આનુમાનિક ઈ. સ. 300) ન્યાયભાષ્ય ઉપરના ન્યાયવાર્તિકના રચયિતા. તે પોતાની ઓળખ ‘પરમર્ષિ ભારદ્વાજ પાશુપતાચાર્ય શ્રીમદ્ ઉદ્યોતકર’ એમ આપે છે. ‘ભારદ્વાજ’ એમનું ગોત્રનામ છે, જ્યારે ‘પાશુપતાચાર્ય’ એ એમના ધાર્મિક સંપ્રદાયનું દર્શક વિશેષણ છે. તે પોતાના વાર્તિકના પ્રારંભિક શ્લોકમાં સ્પષ્ટપણે કહે છે કે ‘કુતાર્કિકોએ ફેલાવેલા અજ્ઞાનને દૂર કરવા હું આ ગ્રંથની રચના કરું છું.’ વાર્તિક ઉપરની વાચસ્પતિની ટીકામાંથી સ્પષ્ટ થાય છે કે ‘કુતાર્કિક’થી ઉદ્યોતકરને દિઙ્નાગ વગેરે બૌદ્ધો અભિપ્રેત છે. વાર્તિકમાં ઉદ્યોતકરે દિઙ્નાગનું ખંડન કર્યું છે જ. દિઙ્નાગનો સમય આનુમાનિક ઈ. સ. 500 છે. એટલે ઉદ્યોતકર ઈ. સ. 500 પછી થયા હોવા જોઈએ. ઈ. સ.ની સાતમી સદીના પ્રારંભે થયેલા સુબન્ધુ તેમના ગદ્યકાવ્ય વાસવદત્તામાં ઉદ્યોતકરને સાક્ષાત્ ન્યાયસ્થિતિ તરીકે વર્ણવે છે. આ ઉપરથી તારણ નીકળે છે કે ઉદ્યોતકર ઈ. સ.ની છઠ્ઠી સદીમાં થયા હોવા જોઈએ.

નગીનભાઈ જીવણલાલ શાહ