વાગ્ભટ્ટ : આયુર્વેદ ક્ષેત્રના એક જાણીતા ગ્રંથકાર. વૃદ્ધ વાગ્ભટ્ટ અને વાગ્ભટ્ટ નામથી બે આચાર્યો આયુર્વેદમાં પ્રસિદ્ધ છે. વૃદ્ધ વાગ્ભટ્ટે ‘અષ્ટાંગસંગ્રહ’ નામના ગ્રંથની રચના કરી છે તો વાગ્ભટ્ટે ‘અષ્ટાંગ-હૃદય’ નામનો ગ્રંથ લખ્યો છે. કેટલાક વિદ્વાનો માને છે કે આ બે વ્યક્તિઓ જુદી નથી, એક જ છે. ‘અષ્ટાંગસંગ્રહ’ ગ્રંથમાં ચરક, સુશ્રુત વગેરેના બધા જ ગ્રંથોના મહત્વપૂર્ણ વિષયો આવરી લીધા છે. ‘અષ્ટાંગ- હૃદય’ એ આયુર્વેદીય સાહિત્યનો એક મહત્વપૂર્ણ સંગ્રહગ્રંથ છે. આ ગ્રંથ સંસ્કૃત શ્ર્લોકોમાં છે અને તેમાં ચરક-સુશ્રુતની વિચારણાનો સમન્વય છે. વળી તેમાં લેખકે પોતાનાં સંશોધનો પણ રજૂ કરીને મૌલિક વિષયો પણ સમાવિષ્ટ કર્યા છે. વાગ્ભટ્ટે પોતાના અષ્ટાંગસંગ્રહ ગ્રંથના અંતે લખ્યું છે તે મુજબ તેઓ સિંધુ પ્રદેશમાં જન્મ્યા હતા. તેઓ સિંહગુપ્તના પુત્ર હતા. અને તેમણે આયુર્વેદનું જ્ઞાન પિતા પાસેથી તથા બૌદ્ધ ગુરુ અવલોકિત પાસેથી પ્રાપ્ત કર્યું હતું. એમના દાદાનું નામ પણ વાગ્ભટ્ટ હતું અને તેઓ પણ શ્રેષ્ઠ વૈદ્ય હતા. કેટલાક વિદ્વાનો વાગ્ભટ્ટને બૌદ્ધધર્મી માને છે. કેટલાક ઇતિહાસકાર વિદ્વાનો અષ્ટાંગસંગ્રહ ગ્રંથની રચના ઈ. સ. ચોથા શતકમાં થવાનું નોંધે છે. કેટલાક તેમનો સમય છઠ્ઠી સદીનો માને છે. આયુર્વેદના ઇતિહાસકાર શ્રી દુર્ગાશંકર કે. શાસ્ત્રી વાગ્ભટ્ટનો સમય ઈ. સ. 625નો માને છે. ‘અષ્ટાં-ગહૃદય’ ગ્રંથ ઉપર હેમાદ્રિ તથા અરુણદત્તની સુંદર ટીકાઓ લખાઈ છે, જે પ્રસિદ્ધ થયેલી છે.
હરિદાસ શ્રીધર કસ્તૂરે