વાગ્નેર, ઑટો (જ. 1841; અ. 1918) : ઑસ્ટ્રિયાના સ્થપતિ. 1894માં વિયેનામાં અકાદમીના પ્રોફેસર થયા. ત્યાં તેમણે આપેલું ઉદ્ઘાટન-પ્રવચન જાણીતું છે. તેમાં તેમણે સ્થાપત્યના નવા અભિગમ વિશે વાત કરી હતી. તે માટે ભૂતકાળમાંથી (પરંપરાગત સ્થાપત્યશૈલીમાંથી) મુક્તિ અને નવ્ય રેનેસાંસ-શૈલી માટે દલીલો કરી હતી. આ અગાઉ તેમણે નવ્ય રેનેસાંસ-શૈલીમાં ઇમારતોનું નિર્માણ કર્યું હતું. તેમની જાણીતી સ્થાપત્યકીય સિદ્ધિઓ તે વિયેના સ્ટેડબાનનાં 1894-1901નાં સ્ટેશનો છે. આર્ટ નૉવે નામની ઇમારતમાં વધુ પડતા લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જ સમયે હેક્ટર ગુમાર્ડ રચિત પૅરિસ મેટ્રોનાં કરતાં પણ વધારે લોખંડ વાગ્નેરની આ ઇમારતમાં વાપરવામાં આવ્યું હતું, પરંતુ વાગ્નેરની સૌથી જાણીતી ઇમારત તે વિયેનામાં 1904-06માં બંધાયેલી પોસ્ટ ઑફિસ સેવિંગ્સ બૅંકની ઇમારત છે. આ ઇમારતમાં બહારની બાજુએ આરસના સ્લૅબનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિયેનાના યુવાન સ્થપતિઓ પર વાગ્નેરની ઘણી અસર પડી હતી; જેમ કે, હૉફમૅન, લુસ, ઑલ્બ્રીચ વગેરે પર ઑસ્ટ્રિયાની બહાર ઝેકોસ્લોવિકાસામાં તેમના શિષ્ય અને મદદનીશ જાન કૉટેરા (1871-1923) અને પ્રેગમાં તેમના મદદનીશ જૉઝ પ્લેનિક પર 1930 દરમિયાન વાગ્નરની શૈલીની અસર જોવા મળે છે.

પોસ્ટ ઑફિસ બચત બૅન્ક ખંડ(વિયેના)નો એક ભાગ : ઑટો વાગ્નેરનું એક ઉત્કૃષ્ટ સ્થાપત્ય

1906માં વિયેનામાં વાગ્નરે સ્ટેઇનહૉફ એઝિલમ ચૅપલનું નિર્માણ કર્યું હતું. આ કૃતિ વાગ્નરની મહત્વની સ્મારકીય ઇમારત છે. Modern Architecture નામનો ગ્રંથ વિયેનામાંથી 1806માં પ્રસિદ્ધ થયો હતો. તેનો અંગ્રેજી અનુવાદ શિકાગોમાંથી 1989માં એચ. એફ. માલગ્રેવ દ્વારા પ્રસિદ્ધ થયો હતો.

થૉમસ પરમાર