વાગ્મી, મહેશ્વર પ્રસાદ (જ. 18 ઑગસ્ટ 1941, આગ્રા, ઉત્તરપ્રદેશ) : હિંદી પત્રકાર અને લેખક. તેમણે હિંદીમાં સાહિત્યાલંકાર (દેવગઢ); વિદ્યાવાચસ્પતિ (અજમેર) અને એચ.એમ.બી.એસ.(હોમિયોપથી)ની ડિગ્રીઓ મેળવી છે. 1963થી તેઓ ઇન્દ્રપ્રસ્થ વિદ્યાપીઠ, નવી દિલ્હીના પ્રમુખ અને 1970થી હિંદી વિદ્યાપીઠ, નવી દિલ્હીના અધ્યક્ષ રહ્યા. વળી તેઓ સરસ્વતી સંગમ અને સેન્ટ્રલ એજ્યુકેશન ગૅઝેટના સંપાદક પણ રહ્યા.

તેમણે અત્યાર સુધીમાં હિંદીમાં 6 ગ્રંથો આપ્યા છે, તેમાં ‘સાંસ્કૃતિક શિક્ષા સોપાન’ (1958) અને ‘આર્ય સમાજ ઔર રાજનીતિ’ (1965)  (બંને નિબંધસંગ્રહો); ‘મહર્ષિ દયાનંદ જીવન’ (1966, ચરિત્ર) અને ‘દમનચક્ર’ (1979, વિવેચન) ઉલ્લેખનીય છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને ‘વિદ્યામાર્તંડ’; ‘સાહિત્યાચાર્ય’; ‘સાહિત્યરત્ન’ અને ‘ભારતીભૂષણ’ના ખિતાબોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા