વાક્યપદીય : પાણિનીય વ્યાકરણશાસ્ત્રના તત્વજ્ઞાનને વર્ણવતો પ્રસિદ્ધ ગ્રંથ. તેના લેખક ભર્તૃહરિ હતા. તેમને સંક્ષેપમાં હરિ પણ કહે છે. તેઓ બૌદ્ધ હતા તેમ કેટલાક વિદ્વાનો માને છે. સાતમી સદીમાં આ ગ્રંથ રચાયેલો છે એવું સ્વીકારવામાં આવ્યું છે; પરંતુ કેટલાક વિદ્વાનો તેમાં સંમત નથી. પાણિનિના ‘અષ્ટાધ્યાયી’ જેવા ગ્રંથો પ્રક્રિયાગ્રંથો ગણાય છે કે જે શબ્દસિદ્ધિ કરે છે, જ્યારે ‘વાક્યપદીય’ શબ્દના અને વાક્યના અર્થો વિશે પ્રમાણભૂત શાસ્ત્રીય ચર્ચા કરે છે અને તેને લગતા સિદ્ધાન્તો કે તત્વજ્ઞાનને રજૂ કરે છે. પ્રમાણભૂત ગ્રંથ તરીકે ‘અષ્ટાધ્યાયી’ અને ‘મહાભાષ્ય’ જેટલું મહત્વ ધરાવતા આ ગ્રંથની અનેક કારિકાઓ પાછળના વૈયાકરણો અને અન્ય શાસ્ત્રગ્રંથોના લેખકોએ પોતાના ગ્રંથમાં ઉદ્ધૃત કરી છે.

પ્રસ્તુત ગ્રંથ ત્રણ કાંડોનો બનેલો છે : (1) પદકાંડ અથવા બ્રહ્મકાંડ; (2) વાક્યકાંડ અને (3) સંકીર્ણકાંડ. કેટલાક વિદ્વાનો એમ માને છે કે પદકાંડ કે બ્રહ્મકાંડ પર લેખક ભર્તૃહરિએ પોતે જ સ્વોપજ્ઞ ટીકા લખી છે; પરંતુ અનેક વિદ્વાનો એમ માને છે કે પુણ્યરાજ નામના ટીકાકારે પદકાંડ કે બ્રહ્મકાંડની અને બાકીના બે કાંડ પર હેલારાજ નામના ટીકાકારે ટીકા લખી છે. હેલારાજે ત્રીજા કાંડ પર લખેલી ટીકાને ‘વાક્યપદીય પ્રકીર્ણ પ્રકાશ’ એવા નામથી ઓળખવામાં આવે છે. આથી બીજા કાંડ પરની ટીકા હેલારાજના બદલે પુણ્યરાજે લખી છે એમ પણ કેટલાક વિદ્વાનો માને છે. ‘વાક્યપદીય’ના પ્રથમ કાંડમાં 156, બીજામાં 487 અને ત્રીજામાં 1,323 કારિકાઓ મળી આ ગ્રંથમાં 1,966 જેટલી કારિકાઓ છે.

સમગ્ર ‘વાક્યપદીય’ ગ્રંથની સર્વાંગસંપૂર્ણ આવૃત્તિ પુણે યુનિવર્સિટીની સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળામાં દ્વિતીય પુસ્તક તરીકે 1965માં પ્રકાશિત થઈ છે. એનું સંપાદન મૂર્ધન્ય વિદ્વાનો પ્રા. કે. વી. અભ્યંકર અને આચાર્ય વી. પી. લિમયેએ કર્યું છે.

પ્રથમ બ્રહ્મકાંડમાં શબ્દબ્રહ્મનું સ્વરૂપ, શબ્દબ્રહ્મની પ્રાપ્તિનો ઉપાય; શબ્દ, અર્થ અને તે બંને વચ્ચેનો સંબંધ, સ્ફોટવાદ તથા શબ્દની અભિવ્યક્તિ વગેરે મુદ્દાઓ ચર્ચ્યા છે. દ્વિતીય વાક્યકાંડમાં વાક્ય વિશે વિવિધ મતો, અભિહિતાન્વયવાદ, અન્વિતાભિધાનવાદ, પદવાદીઓનું અને અખંડ વાક્યવાદીઓનું ખંડન, શબ્દ અને તેના અર્થ વિશે બાર મતો, વાક્યસ્ફોટનું સ્થાપન અને વાક્યપક્ષનું સ્થાપન વગેરે મુદ્દાઓ વર્ણવાયા છે. ત્રીજા સંકીર્ણકાંડમાં જાતિ, દ્રવ્ય, સંબંધ, ગુણ, દિક્, સાધન, ક્રિયા, કાળ, પુરુષ, સંખ્યા, ઉપગ્રહ, લિંગ અને વૃત્તિ વગેરે વિષયોની સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. પરિણામે આ ગ્રંથ સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રના જ્ઞાનનો નિકષ મનાયો છે. આ ગ્રંથ એટલી સારી રીતે લખાયો છે કે પાછળના લેખકોએ પ્રક્રિયાગ્રંથો ઘણા લખ્યા, પરંતુ શબ્દાર્થના સિદ્ધાન્તો વિશે ‘વાક્યપદીય’ના છેલ્લા ટીકાકાર હેલારાજ પછી તો ‘વાક્યપદીય’ જેવો બીજો કોઈ ગ્રંથ એક પણ લેખકનો મળ્યો નથી. ધીરે ધીરે આ અઘરા સિદ્ધાન્તોનો અભ્યાસ પણ બંધ થતો ગયો. છેક સોળમી સદીના અંતભાગમાં ‘સિદ્ધાન્તકૌમુદી’ અને ‘શબ્દકૌસ્તુભ’ જેવા પ્રક્રિયાગ્રંથોના લેખક અને મહાન વૈયાકરણ ભટ્ટોજી દીક્ષિતે શબ્દાર્થના સિદ્ધાન્તો વિશે 72-74 જેટલી કારિકાઓ લખી અને તેના પર તેના ભત્રીજા કૌંડભટ્ટે ‘વૈયાકરણભૂષણ’ નામનો ગ્રંથ ટીકા રૂપે લખ્યો અને તેમની શિષ્યપરંપરામાં નાગેશ ભટ્ટે ‘મંજૂષા’ નામનો ગ્રંથ એ જ વિષય પર લખ્યો અને ‘વાક્યપદીય’ના જ્ઞાનની પરંપરા ચાલુ રાખી, જે એ ગ્રંથની મહત્તા દર્શાવે છે. આમ સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં ‘વાક્યપદીય’ અણમોલ ગ્રંથરત્ન છે.

પ્ર. ઉ. શાસ્ત્રી