વાગોળ : ઉડ્ડયન કરવા અનુકૂલન પામેલું એક સસ્તન પ્રાણી; જેના અગ્રપાદ પાંખમાં રૂપાંતર પામેલા છે. હસ્ત-પાંખ (Chiro-ptera) શ્રેણીનાં આ પ્રાણીઓ મોટે ભાગે નિશાચર જીવન પસાર કરતાં હોય છે અને દિવસ દરમિયાન તેઓ ગુફાઓ, તિરાડ, ઝાડની બખોલો જેવાં સ્થળોએ ઊંધી રીતે લટકીને વિશ્રાંતિ લેતાં હોય છે; જ્યારે રાત્રે ક્રિયાશીલ બને છે.

આકૃતિ 1 : ‘ઊડતું શિયાળ’ નામે ઓળખાતું ભારતનું એક ચામાચીડિયું. Pteropus gigantieus ડાળખી પરથી ઊંધું લટકીને અને પાંખને વાળીને વિશ્રાંતિ લે છે.

શરીરરચના : ઘણી વાગોળોનું માથું કૂતરાં અને રીંછના માથાને મળતું આવે છે; જ્યારે કેટલીક વાગોળોનો ચહેરો ચપટો હોય છે. તેના કર્ણપલ્લવો સારી રીતે વિકાસ પામેલાં હોય છે અને અવાજનાં મોજાં ઝીલવા તેમને વાળી શકાય છે. નિશાચર વાગોળ નાકની મદદથી અવાજ કાઢે છે અને તેનાં મોજાં નજદીકની વસ્તુ પર અથડાતાં તેનો પ્રતિસાદ કાનમાં પ્રવેશવાથી તે વસ્તુનો પરિચય થતાં તેને અથડાયા વિના અંધારામાં સહેલાઈથી ઊડી શકે છે.

પાંખ : વાગોળના અગ્રપાદ પાંખમાં પરિવર્તન પામેલા હોય છે. તેના અગ્રબાહુ (fore-arms) તેમજ બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી આંગળીનાં હાડકાં પ્રમાણમાં લાંબાં હોય છે. આ હાડકાં વચ્ચે ચામડીનાં પડ આવેલાં હોય છે. આ પડ અગ્રપાદથી માંડીને પાછલા પગ અને પૂંછડી સુધી પ્રસરેલાં હોય છે અને તે પાંખની ગરજ સારે છે. વિશ્રાંતિ દરમિયાન પાંખને વાળી શકાય છે. પાછલા પગ નાના હોય છે, અને તેની પાંચેય આંગળીઓ નહોરવાળી હોય છે. તેના નહોર તીણા, નાના અને વાંકા હોય છે. તેમની મદદથી તે ડાળખી, પથ્થર જેવા પદાર્થને ચીટકીને લટકી શકે છે. વાગોળોના પાછલા પગ નબળા હોય છે અને તે ચાલી શકતી નથી.

આકૃતિ 2 : વાગોળની શરીરરચના

વાગોળના દાંત નાના પરંતુ અત્યંત તીક્ષ્ણ હોય છે. તેની મદદથી તે ખોરાકને ભૂકામાં સહેલાઈથી ફેરવી શકે છે. વાગોળની પાચન-શક્તિ ઘણી તેજ હોય છે અને તે શીઘ્રતાથી ખોરાક પચાવી શકે છે. તેથી સંઘરેલ ખોરાકનો બોજો ઉડ્ડયન દરમિયાન ઉપાડવો જરૂરી બનતો નથી. ઘણી વાગોળો ખોરાક તરીકે કીટકો, કરોળિયા, વીંછી જેવાં જીવજંતુઓ ખાય છે. જૂજ વાગોળ દેડકાં, ઉંદર જેવાં નાનાં પ્રાણીઓનો પણ આહાર કરે છે. કેટલીક વાગોળો નહોરની મદદથી માછલાં પકડે છે. વૅમ્પાયર જાતની વાગોળ અન્ય પ્રાણીઓના લોહીને ચૂસી તેનું પ્રાશન કરે છે. ઉષ્ણકટિબંધ પ્રદેશમાં વસતી ઘણી વાગોળો વનસ્પત્યાહાર કરે છે અને ફૂલ, ફળ, પરાગ ને પુષ્પરસ (necter) ખોરાકમાં લે છે. (ઉદા. વડ વાગોળ)

આકૃતિ 3 : પોતે મોકલેલ ઉચ્ચ અવાજના પરાવર્તનની મદદથી પાસે આવેલ વસ્તુને અથડાયા વિના અંધારામાં ઊડતું ચામાચીડિયું

શીતનિદ્રા અને સ્થળાંતર : શીત પ્રદેશમાં વસતી ઘણી વાગોળ શિયાળામાં શીતનિદ્રાધીન (hibernation) થાય છે; જ્યારે કેટલીક સ્થળાંતર કરી ઉષ્ણ પ્રદેશ તરફ જાય છે. જોકે ઉષ્ણકટિબંધ પ્રદેશની વાગોળો સ્થળાંતર કરતી નથી અને શીતનિદ્રાધીન થતી નથી.

પ્રજનન : કેટલીક વાગોળની જાતમાં નર અને માદા જુદે જુદે વસવાટ કરે છે અને માત્ર સમાગમની ઋતુ દરમિયાન ભેગાં થાય છે. તેમાંની કેટલીક માદાઓ નરના વીર્યને પોતાની સાથે લઈને ફરે છે અને અનેક મહિના પછી સગર્ભા બને છે. મોટાભાગની માદા વાગોળો દર વર્ષે માત્ર એક જ બચ્ચાને જન્મ આપે છે જ્યારે કેટલીક વર્ષમાં બે વખત બચ્ચાને જન્મ આપે છે. સામાન્યપણે માદા વાગોળ ત્રણેક મહિના સુધી બચ્ચાની સંભાળ લે છે.

આકૃતિ 4 : લોહી ચૂસતું (vampire) ચામાચીડિયું

વાગોળની ખોરાક મેળવવાની આદતના આધારે તેમનું મુખ્ય 6 સમૂહોમાં વિભાજન કરવામાં આવે છે :

(1) કીટકઆહારી વાગોળ : આ વાગોળ ઉડ્ડયન દરમિયાન ખોરાક તરીકે કીટકો મેળવે છે. સમૂહમાં રહેતી આ વાગોળ કદમાં નાની હોય છે.

(2) ફળ ખાનારી વાગોળ : આ વાગોળ મોટેભાગે ફળ અને લીલી વનસ્પતિ ખોરાકમાં લે છે. કેટલીક વાર તે ફળમાં રહેતા કીટક અને તેનાં ડિમ્ભ પણ ખાય છે. આ વાગોળ ફળની શોધમાં સમૂહમાં ઊડતાં  40થી 60 કિમી. જેટલું લાંબું અંતર કાપે છે. આ વાગોળ માનવ-ઉપયોગી તથા જંગલી પ્રકારનાં ફળ ખોરાકમાં લે છે. ફલાહારી વાગોળના કદમાં તફાવત જોવા મળે છે. સામાન્યપણે તેની પાંખની લંબાઈ 1.7 મીટર જેટલી હોય છે, તો કેટલાકમાં તેની પાંખની લંબાઈ 250થી 300 મિમી. જેટલી પણ હોય છે.

(3) ફૂલ ખાનાર વાગોળ : આ વાગોળ ફક્ત ફૂલમાંની પરાગરજ, મધ અને તેમાંથી મળી આવતા કીટકો ખોરાકમાં લે છે. આ વાગોળનું કદ સામાન્ય રીતે ખૂબ જ નાનું, માથું અણીદાર અને લાંબું, જીભ લાંબી અને તેનો છેડો બ્રશ જેવો હોય છે જે ખોરાક ગ્રહણ કરવામાં ઉપયોગી થાય છે.

(4) વૅમ્પાયરી વાગોળ (Vampire) : આ પ્રકારની વાગોળ ઊંઘતા પ્રાણીની ચામડીમાં ઘા પાડીને લોહી ચૂસે છે. આ સમૂહમાં ત્રણ પ્રજાતિ આવેલી છે. આ વાગોળ ઘોડા અને ઢોર વગેરેનું લોહી દરરોજ 20 મિલી. જેટલું ચૂસે છે.

(5) માંસાહારી વાગોળ : મધ્યમ કદની આ વાગોળ નાનાં સસ્તન પ્રાણી, વિહગ, ગરોળી અને દેડકાંનો ખોરાકમાં ઉપયોગ કરે છે.

(6) માછલી ખાનારી વાગોળ : નહોરની મદદથી તે પાણીની સપાટી પરથી માછલી પકડે છે. આવી વાગોળના પગ લાંબા અને નહોરયુક્ત હોય છે.

યોગેશ દલાલ, મ. શિ. દુબળે