વાક્ય : વાગ્વ્યવહારનો એકમ. સામાન્ય રીતે તે જુદાં જુદાં પદોના સમૂહનો બનેલો હોય છે.

માનવમાત્રના મનોગત વિચારો અને ભાવોનું પ્રદાન કરવામાં વાક્ય અત્યંત મહત્વનું સાધન છે. વાક્યની વ્યાખ્યા અને સ્વરૂપ અંગે સંસ્કૃત વાઙ્મયમાં વ્યાકરણ અને સાહિત્ય ઉપરાંત ન્યાય, મીમાંસા આદિ શાસ્ત્રોમાં વ્યાપક ચિંતન થયેલું છે. તેમાંય વળી વ્યાકરણક્ષેત્રે મહાવૈયાકરણ અને દાર્શનિક વિદ્વાન ભર્તૃહરિએ પોતાના ‘વાક્યપદીયમ્’ ગ્રંથના બીજા કાંડમાં ‘વાક્ય’ની આઠ જેટલી વ્યાખ્યાઓ કે લક્ષણો આપ્યાં છે.

અલંકાર(સાહિત્ય)ક્ષેત્રમાં વિશ્વનાથે ‘સાહિત્યદર્પણ’ ગ્રંથમાં આપેલી ‘વાક્ય’ની વ્યાખ્યા બહુ જાણીતી છે : યોગ્યતા, આકાંક્ષા અને આસત્તિ એટલે કે પદોનાં પારસ્પરિક સંનિધાનથી યુક્ત પદસમૂહ તે વાક્ય. આમાં ‘યોગ્યતા’નો આશય છે ‘અર્થની દૃષ્ટિએ પદોની પરસ્પર સંગતિ કે ઔચિત્ય’. તર્કશાસ્ત્ર પણ વાક્યની આવી જ વ્યાખ્યા આપે છે.

વ્યાકરણશાસ્ત્રમાં કાત્યાયને (વાર્તિકકારે) વાક્યની વ્યાખ્યા આપી છે : ‘एकतिङ् वाक्यम्’ અર્થાત્ ‘વાક્ય તે છે કે જેમાં એક (તિઙ્) ક્રિયાપદ હોય.’ જોકે કોઈ એક વાક્યમાં એક કરતાં અધિક ક્રિયાપદ પણ હોઈ શકે, તો ત્યાં એમ સમજવાનું કે એક ક્રિયાપદ પ્રધાન (મુખ્ય) અને અન્ય ક્રિયાપદ ગૌણ છે.

અર્થની પૂર્ણતા એ વાક્યની કસોટી છે તેથી જો એક જ પદમાં અર્થની પૂર્ણતા જણાતી હોય તો તે વાક્ય છે. બાકી લાંબાં લાંબાં પદોનો સમુદાય ભલે હોય પણ ત્યાં વિવક્ષિતાર્થ પૂર્ણ રીતે ન સમજાતો હોય અર્થાત્ સાંભળનારની આકાંક્ષા સંતોષાતી ન હોય તો તે વાક્ય કહી શકાય નહિ.

આ ઉપરાંત જ્યાં સુધી બની શકે ત્યાં સુધી એક વાક્યમાં એક જ વિચાર પ્રકટ કરવો જોઈએ. એક જ વાક્યમાં અનેક બાબતોને એકીસાથે રજૂ કરવાનો પ્રયત્ન પ્રશસ્ય કહેવાતો નથી. જો અનેક બાબતોને એક જ વાક્યમાં રજૂ કરવામાં આવે તો ત્યાં વાક્ય લાંબાં બની જશે અને તે અશુદ્ધ તથા બેહૂદાં ગણાશે. વળી વાક્ય એવું હોવું જોઈએ કે જેમાંથી એક જ સ્પષ્ટ અર્થ નીકળતો હોય. કદાચ એવું બને કે તે વાક્યમાંથી સીધાસાદા સ્પષ્ટ અર્થ સિવાય કોઈ જુદો જ અર્થ નીકળે. કોઈ કોઈ વાર વાક્યમાં ક્યાંક એવો શબ્દ મુકાઈ જાય કે જેથી બે કે તેથી વધારે અર્થ નીકળતા હોય અને તેથી વાક્યનો કોઈ જુદો જ અર્થ થઈ જાય. વાક્ય એવું હોવું જોઈએ કે જ્યાં અર્થની વિરોધી બાબત ન હોવી જોઈએ.

આ ઉપરાંત વાક્યમાં શબ્દો(પદો)નો ક્રમ વ્યવસ્થિત હોવો જોઈએ. ઉચિત ક્રમ સિવાય રચાયેલ વાક્યોમાંથી ઉચિત કે અભીષ્ટ વિવક્ષિતાર્થ નીકળતો નથી.

વાક્યરચનાના પ્રસંગમાં ‘કર્તા’ને ઉદ્દેશ્ય અને ક્રિયાને વિધેય કહેવામાં આવે છે. તે ઉપરાંત કર્મ, વિશેષણ, ક્રિયા આદિનો વિન્યાસ યોગ્ય રીતે સચવાવો જોઈએ.

આ રીતે વાક્યરચનાની વિભાવના અંગે જોતાં મહાવૈયાકરણ ભર્તૃહરિએ આપેલ વાક્યની વ્યાખ્યા બહુ જ વ્યવસ્થિત છે. તેમણે તેમના ગ્રંથ ‘વાક્યપદીય’(2/4)માં આપેલ વ્યાખ્યાનો આ આશય છે કે ‘(વાક્યમાંથી) છૂટાં પડ્યાં હોય ત્યારે આકાંક્ષા ધરાવતા અવયવો (પદો) ધરાવતો (પરંતુ અવયવો છૂટા પડ્યા ન હોય ત્યારે) બીજાં (વાક્યની બહારનાં) પદોની આકાંક્ષા વિનાનો, ક્રિયાપદપ્રધાન, વિશેષણ પદોવાળો અને એક પ્રયોજનવાળો (શબ્દસમૂહ) વાક્ય કહેવાય છે.’

સરળ ભાષામાં કહીએ તો વાક્ય એટલે ચોક્કસ અર્થ બતાવતાં પદોનો સમૂહ. આકાંક્ષા, યોગ્યતા અને સંનિધિવાળાં પદોના સમૂહને તર્કશાસ્ત્ર પ્રમાણવાક્ય અને એ સિવાયનાં વાક્યોને અપ્રમાણવાક્ય કહે છે. વળી વાક્યના વૈદિક અને લૌકિક  એવા બે પ્રકારો પણ તર્કશાસ્ત્ર આપે છે. વેદમાં કહેલાં તમામ વાક્યો પ્રમાણ છે, જ્યારે લૌકિક વાક્યોમાં જે ધર્મસંગત અને શ્રદ્ધેય મનુષ્યે કહેલાં વાક્યો પ્રમાણ ગણાય છે. તે સિવાયનાં લૌકિક વાક્યો પ્રમાણ નથી ગણાતાં. વળી અમરસિંહ જેવા કોશકારો અને પાણિનિ જેવા વૈયાકરણો સુબંત એટલે વિભક્તિયુક્ત નામો અને તિઙન્ત એટલે ક્રિયાપદોના સમૂહને વાક્ય કહે છે.

ન્યાયદર્શન વાક્યના સુબંતપદસમૂહ, તિઙન્તપદસમૂહ અને સુબંતતિઙન્તપદસમૂહ ધરાવતા ત્રણ પ્રકારનાં વાક્યો માને છે.

મીમાંસાશાસ્ત્ર શેષવાચક પદો અને શેષિવાચક પદોનું સાથે ઉચ્ચારણ થાય તેને વાક્ય કહે છે અને તેના વિધિવાક્ય અને નિષેધવાક્ય વગેરે પ્રકારો ગણાવે છે.

વાક્યના (1) એક પદના અર્થમાં બીજા પદના અર્થનો આરોપ થાય તે ભ્રમદોષ; (2) શબ્દનો જે વાચ્ય અર્થ ન હોય તેમાં વાચ્ય અર્થ હોવાનો આરોપ થાય તે પ્રમાદદોષ; (3) શબ્દનો એક અર્થ જાણીતો હોય તેનાથી વિરોધી અર્થ તેમાં માનવાની ઇચ્છા એ વિપ્રલિપ્સાદોષ અને (4) તાળવું વગેરે ઉચ્ચારણસ્થાનનો ઉપયોગ ન કરીને શબ્દ ઉચ્ચારાય તે કર્ણાપાટવ દોષ – એમ ચાર દોષો છે, જે આકાંક્ષાદિયુક્ત વાક્યમાં નથી હોતા.

ભગવતીપ્રસાદ પંડ્યા