ઉદ્ભટ (ભટ્ટોદભટ) (779-913) : કાશ્મીરનરેશ જયાપીડના સભાપંડિત તથા સુપ્રસિદ્ધ આલંકારિક વામનના સમકાલિક કાશ્મીરી પંડિત. તેમણે ‘કાવ્યાલંકારસારસંગ્રહ’ની રચના કરી છે. તેનો મુખ્ય વિષય અલંકાર છે. આ કૃતિમાં ઉદભટે 41 અલંકારોનું નિરૂપણ કરી 100 જેટલાં ઉદાહરણ સ્વરચિત ‘કુમારસંભવ’ કે જેના ઉપર મહાકવિ કાલિદાસના ‘કુમારસંભવમ્’ મહાકાવ્યની છાયા છે, તેમાંથી આપ્યાં છે. અહીં નિરૂપિત અલંકારોનો ક્રમ ભામહ જેવો છે. સંસ્કૃત અલંકારોના સર્વપ્રથમ વર્ગીકરણનું શ્રેય ઉદ્ભટને જાય છે.
ભામહથી અનેક સિદ્ધાંતોમાં મતભેદ ધરાવતો હોવા છતાં ભામહના કાવ્યાલંકારના વિવરણરૂપે ‘ભામહવિવરણ’ પણ ઉદભટે લખ્યું છે.
‘કાવ્યાલંકારસારસંગ્રહ’ ઉપર મુકુલ ભટ્ટના શિષ્ય પ્રતીહારેન્દુરાજે ‘લઘુવૃત્તિ’ નામની ટીકા તથા બીજી એક ટીકા રાજાનક તિલકે લખી છે.
ભગવતીપ્રસાદ પંડ્યા