ઉદ્ધવ (ઈ.સ. 1544ના અરસામાં હયાત) : પાટણ(ઉ.ગુ.)ના આખ્યાનકાર ભાલણનો પુત્ર. તેને નામે બે કાવ્ય (1) રામાયણ (સુંદરકાંડ સુધી) અને (2) બભ્રૂવાહન આખ્યાન જાણવામાં આવેલાં છે. આમાંનું પહેલું કાવ્ય હરગોવિંદદાસ ગો. કાંટાવાળાએ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (ગુજરાત વિદ્યાસભા), અમદાવાદ તરફથી છપાવેલું, જ્યારે બીજું કાવ્ય અપ્રસિદ્ધ છે અને અત્યારે ભો. જે. વિદ્યાભવન(અમદાવાદ)ના હ. લિ. પુ. સંગ્રહ(નં. 20ના ગુટકા)માં સચવાયેલું છે. આ બંને કાવ્યોમાં રચ્યાસાલ નહિ હોવાથી ઉદ્ધવનો ચોક્કસ સમય જાણી શકાતો નથી. એનો પિતા ભાલણ છે એ બભ્રૂવાહન આખ્યાનના અંતની ‘કર જોડીને કેહે આનંદે ભાલણસુત ઓધવદાસ’થી જાણવામાં આવે છે. (સં. 1920 આસપાસની આ હસ્તપ્રતમાં પાછળથી ‘ભાલણ પ્રભુનો દાસ’ એમ સુધારેલું છે.)

બભ્રૂવાહન આખ્યાન લગભગ 425 કડીનું સામાન્ય કોટિનું છે. જ્યારે રામાયણ (સુંદરકાંડ સુધીનું) એની રચના હોય તો કવિ સંસ્કૃતનો સારો જ્ઞાતા અને પ્રૌઢ આખ્યાનકાર લાગે, પણ એક તો એની ક્યાંય હસ્તપ્રત મળતી નથી અને બીજું કે વ્યવસ્થિત રીતે 50-50 કડીઓનાં કડવાં જોવા મળે છે, જે સંસ્કૃતના કોઈ આરૂઢ વિદ્વાનને હાથે હેતુપૂર્વક રચવામાં આવ્યાં હોય એમ જણાય છે. વળી ‘તાપસને તન ન લાગે ટાંકી, મહાનુભાવ મનમાં રહ્યો માંકી’ જેવા અર્વાચીન શબ્દ અને પ્રાસ ખાતર ઊભા કરેલા શબ્દોમાં કહી શકાય કે આ અર્વાચીન કાલના કોઈ કવિનો પ્રયત્ન હશે.

કે. કા. શાસ્ત્રી