વસીમ, અકરમ (જ. 3 જૂન 1966, લાહોર) : પાકિસ્તાનના ક્રિકેટ-ખેલાડી. 1992ની ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં હરીફોના બૅટધરોને પરાસ્ત કર્યા અને તેઓ વિશ્વના એક મહાન મૅચ-વિજેતા ક્રિકેટર બની રહ્યા. તેઓ ઝડપી ડાબેરી ગોલંદાજ હતા અને ખતરનાક યૉર્કર નાખતા. સાથોસાથ તેઓ એક જુસ્સાદાર બૅટધર પણ બની રહ્યા.
1993ના જાન્યુઆરીમાં તેમણે પાકિસ્તાનનું કપ્તાનપદ સંભાળ્યું. પણ તેમનો એ પ્રારંભ શુકનવંતો ન નીવડ્યો, કારણ કે વેસ્ટઇન્ડિઝ સામેની સિરિઝમાં પાકિસ્તાનનો નિર્ણાયક પરાજય થયો. ફેબ્રુઆરી 1993માં એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચોમાં 200 વિકેટ ઝડપનાર તેઓ બીજા ખેલાડી બની રહ્યા. જાવેદ મિયાંદાદે તેમની શક્તિ પિછાની અને પ્રથમ કક્ષાની ક્રિકેટમાંના કારકિર્દી પ્રારંભમાં જ તેમણે 7-50થી વિકેટો ઝડપી; આ મૅચ તે પ્રવાસી ન્યૂઝીલૅન્ડ ટીમ સામેની પેટ્રર્ન્સ ઇલેવનનો પ્રથમ દાવ હતો. પછી તેમણે આંતરરાષ્ટ્રીય એકદિવસીય મૅચમાં પ્રારંભ કર્યો અને 2 જ મહિનામાં ન્યૂઝીલૅન્ડના પ્રવાસ માટે તેમની વરણી થઈ અને 18 વર્ષની વયે બીજી ટેસ્ટમૅચમાં 10 વિકેટો ઝડપી. આ પ્રકારનો પ્રારંભ બહુ જ આશ્ચાર્યજનક હતો. અલબત્ત, થોડીક ઈજાઓને કારણે પ્રતિકૂળતા તેમને વેઠવી પડી હતી. પણ તેમના બૅટિંગ-કૌશલ્યનું સાતત્ય અવશ્ય જળવાઈ રહ્યું હતું. 1988થી તેઓ લૅન્કશાયર વતી રમતા રહ્યા હતા. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : (1) 1985-93 : 48 ટેસ્ટ, 19.57ની સરેરાશથી 1057 રન; સદી 1; એક દાવમાં સૌથી વધુ જુમલો 123; 24.56ની સરેરાશથી 186 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 6-62; 16 કૅચ. (2) 153 એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ : 13.47ની સરેરાશથી 1267 રન; સૌથી વધુ જુમલો 86; 23.27ની સરેરાશથી 215 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 5-16; 29 કૅચ. (3) 1984-92 : પ્રથમ કક્ષાની મૅચ : 22.24ની સરેરાશથી 2981 રન; સદી 3; સૌથી વધુ જુમલો 123; 22.34ની સરેરાશથી 455 વિકેટ, સૌથી ઉત્તમ ગોલંદાજી 742; 39 કૅચ.
મહેશ ચોકસી