વર્મા, રામશરણ

January, 2005

વર્મા, રામશરણ (જ. 15 ઑગસ્ટ 1935, દેવબંધ, સહરાનપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી કવિ અને વિવેચક. તેમણે મેરઠ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.ની પદવી મેળવી. તેઓ નેશનલ સોશિયલ સર્વિસ ઑર્ગેનાઇઝેશન(NSSO)માંથી સેવાનિવૃત્ત થયા છે.

તેમણે અત્યાર સુધીમાં 3 ગ્રંથો આપ્યા છે. ‘મધુર વિદાય’ (1964); ‘પીડા કે સ્વર’ (1993) અને ‘રાષ્ટ્રીય જાગરણ કે સ્વર’ (1995) તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે.

આ ઉપરાંત તેમણે સાહિત્યિક અને સામાજિક બાબતો અંગે સંખ્યાબંધ સંશોધનાત્મક લેખો પ્રગટ કર્યા છે. તેમણે સંખ્યાબંધ અભિનંદન-ગ્રંથો અને સામયિકોનું સંપાદન પણ કર્યું છે. તેઓ હિંદી સાહિત્ય સમિતિ, દહેરાદૂન તથા આર્યકુમાર સભા, દહેરાદૂનના સ્થાપક સભ્ય રહ્યા છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1994માં દલિત સાહિત્ય અકાદમી પુરસ્કાર અને રુરલ જર્નાલિસ્ટ એસોસિયેશન ઑવ્ ઇન્ડિયા પ્રાઇઝ સહિત અન્ય ઇનામો અને સન્માનો મળ્યાં છે.

બળદેવભાઈ કનીજિયા