વર્મા, માણિક

January, 2005

વર્મા, માણિક (જ. 1926, મુંબઈ; અ. 10 નવેમ્બર 1996, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનાં વિખ્યાત ગાયિકા. મૂળ નામ માણિક દાદરકર, પરંતુ ફિલ્મ ડિવિઝનમાં કાર્યરત ફિલ્મ-નિર્દેશક અમર વર્મા સાથે લગ્ન થતાં માણિક વર્મા તરીકે જાણીતાં થયાં. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. 1946માં મુંબઈ યુનિવર્સિટીની સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તેમણે શાસ્ત્રીય સંગીતની શિક્ષા ગુરુ-શિષ્યપરંપરા દ્વારા સુરેશબાબુ માને, જગન્નાથબુવા પુરોહિત તથા ભોળાનાથ ભટ્ટ પાસેથી પ્રાપ્ત કરી હતી. તેઓ મુખ્યત્વે કિરાના ઘરાનાનાં ગાયિકા ગણાતાં હોવા છતાં શાસ્ત્રીય સંગીતનાં અન્ય ઘરાનાની ગાયકી પણ તેમણે આત્મસાત્ કરી હતી. તેમની ગાયકીમાં કિરાના ઘરાનાના આલાપ, અલ્લાદિયાખાંસાહેબની તાનો તથા ઠૂમરીગાયનમાં પંડિત ભોળાનાથ ભટ્ટની ઝલકનો સમન્વય થયેલો દેખાય છે. શાસ્ત્રીય સંગીત ઉપરાંત મરાઠી ભાવગીત, ભજનો તથા નાટ્યગીત ગાવામાં પણ તેમનું સ્થાન અનન્ય હતું. યમન, શુદ્ધકલ્યાણ, દેસ, તોડી, નાયકી કાનડા તથા ભૈરવી રાગોની રજૂઆતમાં તેઓ નિપુણ હતા. આકાશવાણી ઉપરાંત દેશમાં ઠેર ઠેર યોજાતાં સંગીત-સંમેલનોમાં તેમણે તેમના કાર્યક્રમો સફળતાપૂર્વક આપ્યા હતા.

માણિક વર્મા

કેટલાંક મરાઠી ચલચિત્રોમાં તથા ‘વસંત બહાર’ બંગલા ચલચિત્રમાં પાર્શ્ર્વગાયક તરીકે તેમણે પોતાનો કંઠ આપ્યો હતો. શાસ્ત્રીય સંગીત પર આધારિત ચલચિત્રસંગીતમાં જ તેમને રસ હતો.

તેમની પુત્રી રાણી વર્મા ઉપરાંત આશા ખાડિલકર તેમના પ્રમુખ શિષ્યા ગણાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે