વર્મા, લક્ષ્મીકાન્ત

January, 2005

વર્મા, લક્ષ્મીકાન્ત (જ. 15 ફેબ્રુઆરી 1922, બસ્તી, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેઓ હિંદી સામયિકો ‘નિકાશ’; ‘નયે પત્તે જાન’; ‘કખગ’ના સંપાદક તથા હિંદી સંસ્થાનના અધ્યક્ષ; સેતુ મંચ, થિયેટર ઑર્ગેનાઇઝેશનના પ્રમુખ રહ્યા છે.

તેમણે અત્યાર સુધીમાં લગભગ 50 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘તેરા-કોટા’; ‘તીસરા પ્રસંગ’; ‘સફેદ ચેહરે’ તેમની જાણીતી નવલકથાઓ છે. ‘આતુકાંત’; ‘કંચનમૃગ’; ‘દીપ દેહરી દ્વાર’ તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે. ‘નયી કવિતા કા પ્રતિમાન’ વિવેચનગ્રંથ છે; જ્યારે ‘આદમી કા ઝહર’; ‘તીસરા આદમી’ તેમના લોકપ્રિય નાટ્યસંગ્રહો છે. ‘લોહિયા : એક જીવની’ ચરિત્રગ્રંથ છે; જ્યારે ‘સમાજવાદી આંદોલન : લોહિયા કે બાદ’ તેમનો રાજકારણને લગતો નિબંધસંગ્રહ છે.

સાહિત્યિક પ્રદાન બદલ 1996માં ભુવનેશ્વર સન્માન; 1997માં હિંદુસ્તાની અકાદમી સન્માન; ઉત્તરપ્રદેશ હિંદી સંસ્થાન તરફથી 1996માં લોહિયા સાહિત્ય સન્માન પ્રાપ્ત થયાં. તેઓ આઝાદીની ચળવળ દરમિયાન અભ્યાસ છોડી સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા હતા.

બળદેવભાઈ કનીજિયા