વત્સ, માધવસ્વરૂપ

January, 2005

વત્સ, માધવસ્વરૂપ : સિંધુ સંસ્કૃતિના પ્રખ્યાત નગર મોહેં-જો-દડોના ખોદકામ દરમિયાન (1923-1926) જૉન માર્ટાલના પ્રમુખ સહાયક. આ પછીથી હડપ્પાના ખોદકામના એક વિભાગનું સ્વતંત્ર સંચાલન પણ તેમણે કરેલું. 1926થી 1934 દરમિયાન એમણે કરેલ ખોદકામમાં અનેક મહત્વની બાબતો પ્રકાશમાં આવી. હડપ્પાના ટીંબા-Fનું લગભગ સંપૂર્ણ અને સ્વતંત્ર ઉત્ખનન વત્સનું રહ્યું છે. લે આઉટ ઑવ્ સિટી; સિમેન્ટ્રી-H (મોટું સ્મશાન); ગ્રૅનરી (અનાજ-સંગ્રહનો કોઠાર) વગેરે એમની મહત્વની ખોજ ગણી શકાય. હડપ્પામાંથી મળી આવેલ લખાણોના આધારે 450 અક્ષરોની એક સૂચિ પણ એમણે તૈયાર કરેલ. આ ઉપરાંત, હડપ્પન ચિત્રિત વાસણોનાં ચિત્ર-વિચિત્ર આલેખનો પારલૌકિક વૈદિક માન્યતાઓ હોવાનો એમનો સદૃષ્ટાંત નિષ્કર્ષ મહત્વનો મનાય છે. ઈ. સ. 1926થી 1934 દરમિયાનના હડપ્પન ખોદકામનો સચિત્ર અહેવાલ પણ બે ભાગમાં એમણે તૈયાર કરેલ ‘Excavations at Harappa – III : A. D. 1940’. સૌરાષ્ટ્રના રંગપુર ટિંબાનું ઈ. સ. 1937 દરમિયાન થોડું (નમૂનારૂપ) ખોદકામ કરાવી તે હડપ્પીય હોવાનું જાહેર કરેલ. આ ઉપરાંત હડપ્પાની દક્ષિણ-પૂર્વે બિયાસ નદીના સૂકા વહેણ પર ને પંજાબના અંબાલા જિલ્લાના વાયવ્ય છેડે આવેલ રૂપડ સ્ટેશનની સમીપ સતલજના પૂર્વ કિનારે હડપ્પન વસાહતો શોધી કાઢેલ. વત્સનું સમગ્ર સંશોધન હડપ્પા સંસ્કૃતિનું જ રહ્યું છે. તે તા. 30-6-1950થી 22-3-1953 સુધી આર્કિયૉલોજી ઑવ્ ઇન્ડિયાના ડિરેક્ટર જનરલના પદે રહ્યા હતા. આ દરમિયાનનું એમનું પ્રમુખ કાર્ય સમગ્ર ભારતનાં દેશી રાજ્યોમાં જે પ્રાચીન સ્મારકો (monuments) હતાં તેમને ASI હસ્તક લેવાનું મનાય છે. અલબત્ત, આ પદ દરમિયાન તેઓ ઉત્ખનનનું કાર્ય કરી શક્યા ન હતા.

હસમુખ વ્યાસ